બોલિવુડ અભિનેત્રી સના ખાને દીકરાને આપ્યો જન્મ
મુંબઈ,ટીવી ઈન્ડસ્ટ્રીના એક બાદ એક કપલ ગુડન્યૂઝ સંભળાવી રહ્યા છે. ગૌહર ખાન-ઝૈદ દરબાર, દીપિકા કક્કર- શોએબ ઈબ્રાહિમ અને કરણ વોહરા-બેલા વોહરા બાદ વધુ એક કપલ પેરેન્ટ્સ ક્લબમાં સામેલ થયું છે. અમે અહીંયા વાત કરી રહ્યા છીએ સના ખાન અને મુફ્તી અનસ સૈયદની, જેમના ઘરે નિકાહના આશરે અઢી વર્ષ બાદ કિલકારી ગૂંજી છે અને તેઓ પણ દીકરાના માતા-પિતા બન્યા છે. આ વિશેની જાણકારી તેમણે ફેન્સ અને ફોલોઅર્સને સોશિયલ મીડિયા થકી આપી છે.
તેમણે લખ્યું છે ‘અલ્લાહ અમારા બાળક માટે અમારી જાતનું શ્રેષ્ઠ વર્ઝન બનાવે. અલ્લાહ કી અમાનત હૈ બહેતરીન બનના હૈ. અમારી આ સુંદર જર્નીને વધારે સુંદર અને ખુશ બનાવવા માટે પ્રાર્થના અને પ્રેમ વરસાવનારા દરેક પર અલ્લાહના આશીર્વાદ રહે. આ સાથે સના અને અનસ સૈયદે એક કયૂટ વીડિયો પણ શેર કર્યો છે, જેની શરૂઆતમાં બાળક અને તેમનો હાથ જોવા મળી રહ્યો છે. આ સાથે લખ્યું છે ‘અલ્લાહ તાલા ને મુકદ્દર મેં લિખા, ફિર ઉસકો પૂરા કિયા ઔર આસાન કિયા… ઔર જબ અલ્લાહ દેતા હૈ તો ખુશ ઔર મુસર્રત કે સાથ દેતા હૈ… તો અલ્લાહને હમે બેટા દીયા. પ્રાઉડ પેરેન્ટ્સ અનસ સૈયદ અને સૈયદ સના ખાન’ આ સાથે બાળકનો જન્મ ૫ જુલાઈના રોજ થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેના પર કોમેન્ટ કરતાં કોરિયોગ્રાફર મુસ્સદર ખાને લખ્યું છે ‘માશાઅલ્લાહ, મુબારક પરિવાર પર અલ્લાહના આશીર્વાદ વરસતા રહે’. આ સિવાય ફેન્સ અને ફોલોઅર્સે પણ કપલ પર અભિનંદનનો વરસાદ કર્યો છે
અને નાના બાળક પર પ્રેમ વરસાવ્યો છે. બાળકનો જન્મ અનસ માટે એક સૌથી મોટી ગિફ્ટ કહી શકાય. કારણ કે, તે હજની યાત્રા પર ગયો હતો અને ત્યાંથી એક દિવસ પહેલા જ પરત ફર્યો હતો. તેના થોડા કલાક બાદ સનાએ બાળકને જન્મ આપ્યો હતો. સના ખાને ઓક્ટોબર ૨૦૨૦માં એક્ટિંગ ઈન્ડસ્ટ્રીને કાયમ માટે અલવિદા કહી આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો હતો. આ પહેલા તેણે જય હો, હલ્લા બોલ, વજહ તુમ હો, ટોઈલેટઃ એક પ્રેમકથા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને રિયાલિટી શો બિગ બોસ ૬માં પણ ભાગ લીધો હતો. તેણે તેના ચાહકોને નવેમ્બર ૨૦૨૦માં સુરતના મૌલવી અનસ સૈયદ સાથે નિકાહ કરીને ચોંકાવી દીધા હતા.
તે સમયે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં પૂર્વ એક્ટ્રેસે જણાવ્યું હતું કે, મક્કામાં ૨૦૧૭માં તેની મુલાકાત અનસ સાથે થઈ હતી. જે બાદ ૨૦૨૦માં તેઓ ફરીથી સંપર્કમાં આવ્યા હતા. અનસની માણસાઈ અને વિનમ્રતા જોઈને સના ખાન તેના પ્રત્યે આકર્ષિત થઈ હતી. જે બાદ બંનેએ નિકાહ કર્યા હતા. અનસનો પરિવાર કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલો છે. જ્યારે સનાએ એક્ટિંગ છોડી અનસ સાથે નિકાહ કર્યા તો તે ખૂબ ટ્રોલ થઈ હતી. આ અંગે તેનું કહેવું હતું કે, ઘણા તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર ખરાબ કોમેન્ટ કરી હતી. જો કે, આ બધી વાતની તેના પર કોઈ અસર થઈ નહોતી. તેના માટે તેનો પતિ સારો વ્યક્તિ છે. કોઈને શું લાગે છે તેનાથી તેને ફરક પડતો નથી.