
લગ્નના ૧૫ વર્ષ બાદ છૂટાછેડા લેશે બરખા અને ઈન્દ્રનીલ
મુંબઈ, મનોરંજન જગતમાં લગ્ન અને ડિવોર્સ જાણે સામાન્ય બની ગયા છે. જેટલા અહેવાલો કોઈ કલાકારોના લગ્નના આવે છે તેટલા જ તેમના ડિવોર્સના પણ આવે છે. ટેલિવુડમાંથી વધુ એક કપલના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે. ટીવીની સૌથી પોપ્યુલર જોડીમાંથી એક ઈન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટની હતી.
હવે લગ્નના આશરે ૧૫ વર્ષ બાદ તેઓ છૂટા પડવા જઈ રહ્યા છે. બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તાએ માર્ચ ૨૦૦૮માં લગ્ન કર્યા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બરખા અને ઈન્દ્રનીલના ડિવોર્સ ટૂંક સમયમાં જ થઈ જવાના છે. બરખા બિષ્ટે વાત કરતાં ડિવોર્સની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, *હા, ટૂંક સમયમાં જ અમે કાયદાકીય રીતે અલગ થઈ જઈશું.ડિવોર્સનો નિર્ણય મારી જિંદગીનો સૌથી મુશ્કેલ નિર્ણય રહ્યો છે.* બરખાએ ડિવોર્સની પુષ્ટિ કરી ત્યારે ઈન્દ્રનીલ સાથે આ મુદ્દે કોઈ વાત નહોતી થઈ શકી. બરખા અને ઈન્દ્રનીલની મુલાકાત સીરિયલ પ્યાર કે દો નામ…એક રાધા એક શ્યામ’ દરમિયાન થઈ હતી.
૨૦૦૬માં કપલની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના પ્રેમમાં પડયા. ૨ વર્ષ પછી તેમણે લગ્ન કરી લીધા હતા. ઈન્દ્રનીલ અને બરખાની એક દીકરી છે મીરા, જે ૧૧ વર્ષની છે. જૂન ૨૦૨૧માં સૌપ્રથમ વખત બરખા અને ઈન્દ્રનીલના ડિવોર્સના અહેવાલ વહેતા થયા હતા. આ જાણ્યા પછી કપલા ફ્રેન્ડ્સને ઝટકો લાગ્યો હતો. બરખાએ ડિવોર્સ પાછળનું કારણ જણાવવાનો તો ઈનકાર કર્યો છે પરંતુ તેણે કહ્યું કે, તેની પ્રાથમિકતા દીકરી મીરા છે અને પોતે કામ કરવાનું ચાલુ રાખશે. *હું સિંગલ મધર છું અને મીરા મારી પ્રાથમિકતા છે.
હું ઓટીટી પ્લેટફોર્મ પર રસપ્રદ પ્રોજેક્ટ કરી રહી છું. ટીવી અને ફિલ્મોમાં પણ સારા પ્રોજેક્ટ મળશે તો હું ચોક્કસથી હાથમાં લઈશ*, તેમ બરખાએ જણાવ્યું હતું. બરખા કેટલીય ટીવી સીરિયલો અને ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. તેણે હાલમાં જ તે ‘શાદી મુબારક’, ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’ જેવી સીરિયલોમાં દેખાઈ હતી. આ સિવાય ‘રામ લીલા’ અને ‘વિલન’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઈન્દ્રનીલે ‘નિમકી મુખિયા’ અને ‘શ્રીમદ ભાગવત પુરાણ’ જેવા શોમાં કામ કર્યું છે. છેલ્લા થોડા વર્ષોથી તે બંગાળી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.