બોયફ્રેન્ડ માઈકલ સાથે ઉતરણ ફેમ શ્રીજીતા ડેએ કર્યા લગ્ન
મુંબઈ, બિગ બોસ ૧૬માં જોવા મળેલી ટીવી એક્ટ્રેસ શ્રીજીતા ડેએ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. શ્રીજીતાએ જર્મનીના ચર્ચમાં બોયફ્રેન્ડ માઈકલ સાથે વ્હાઈટ વેડિંગ કર્યા છે. શ્રીજીતાએ ખ્રિસ્તી રિવાજોથી માઈકલ સાથે લગ્ન કર્યા છે. ૧ જુલાઈએ લગ્ન થયા બાદ શ્રીજીતાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં કયારેક તે પતિને કિસ કરતી, તેની સાથે ચાલીને ચર્ચમાં પ્રવેશ કરતી જોવા મળે છે. તસવીરોમાં જોઈ શકો છો કે, શ્રીજીતાએ વ્હાઈટ રંગનો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો છે અને તેની પાછળ લાંબી વેલ (લાંબા દુપટ્ટા જેવું કપડું) જોવા મળે છે.
જ્યારે માઈકલ બ્લેક રંગના સૂટ અને બો ટાઈમાં હેન્ડસમ લાગતો હતો. કપલની લગ્નની તસવીરો પરીકથા સમાન લાગતી હતી. શ્રીજીતાએ શેર કરેલી તસવીરો દ્વારા રોમેન્ટિક હતી અને સાથે જ ઈતિહાસના કોઈ પુસ્તકના ચિત્રો હોય તેવી લાગતી હતી. તેણે આ તસવીરો શેર કરતાં લખ્યું, આજે અમે અનંતકાળના સાથની હાથમાં હાથ નાખીને શરૂઆત કરી રહ્યા છીએ. શ્રીજીતાએ આ તસવીરો શેર કરતાં જ મનોરંજન ઈન્ડસ્ટ્રીના તેના મિત્રોએ તેને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું હતું.
બિગ બોસ ૧૬ ફેમ શિવ ઠાકરેએ લખ્યું, *અભિનંદન.* અર્ચના ગૌતમે પણ અભિનંદન પાઠવતા લખ્યું, *કોંગ્રેચ્યુલેશન્સ યારા.* આ સિવાય પણ કેટલાય સેલેબ્સે શુભેચ્છાઓ આપી હતી. જણાવી દઈએ કે, શ્રીજીતા ડે બિગ બોસ ૧૬ની કન્ટેસ્ટન્ટ હતી અને આ શો દ્વારા તેને પોપ્યુલારિટી મળી હતી. ફેમિલી વીકમાં તેનો ફિઆન્સે માઈકલ પણ તેને બિગ બોસના ઘરમાં મળવા આવ્યો હતો. હાલમાં જ શ્રીજીતાએ જણાવ્યું હતું કે, તેણે પોતાના બિગ બોસ ૧૬ના મિત્રો અબ્દુ રોઝિક, શિવ ઠાકરેને લગ્નમાં બોલાવ્યા હતા પરંતુ કામમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ આવી ના શકયા. શ્રીજીતાએ ઈન્ટરવ્યૂમાં એમ પણ ખુલાસો કર્યો હતો કે, મુંબઈ આવ્યા પછી તે ગ્રાન્ડ રિસેપ્શન આપશે. જે બાદ ગોવામાં બંગાળી રિવાજો પ્રમાણે લગ્ન પણ કરશે.