
એક સમયે રેખાને લોકોએ જાડી કહેવાનું શરુ કર્યું હતું
મુંબઈ, રેખાને ૬૬ વર્ષ વીતી ગયા છે, પરંતુ તેની સુંદરતાની સામે આજની બોલિવૂડ અભિનેત્રીઓ ઝાંખી પડતી દેખાય છે. ઉંમરના આ તબક્કામાં જ્યાં લોકોના ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાતી હોય ત્યારે, રેખાને જોઈને લાગે કે, જાણે કુદરત તેમના પર જ મહેરબાન છે, અને ઉંમર વધારે હોવા છતા પણ તે યુવાન દેખાતી હોય છે.
પરંતુ શું તમે જાણો છો, રેખાને એક સમયે બોડી શેમિંગમાંથી પસાર થવું પડયું હતું. લોકોએ રેખાની માત્ર તેની સ્થૂળતા માટે જ નહીં પરંતુ તેના કાળા રંગની પણ મજાક ઉડાવી હતી. આજે અપ્સરા જેવી સુંદર દેખાતી રેખા આ લુક મેળવવા માટે ઘણી મહેનત કરી હતી, જેનો ખુલાસો તેણે પોતે કર્યો હતો. તેણે સિમી ગરેવાલના ટોક શોRendezvous with Simi Garewalમાં આ વિશે ખુલીને વાત કરી હતી. રેખાને તેના વજન અને સ્કીન કલરને લઈને ટોણો મારવામાં આવ્યો હતો, પરંતુ તેણે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને પોતાની જાત પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
તેણે જણાવ્યું કે, વજન ઘટાડવા માટે તે મહિનાઓ સુધી માત્ર એલાઈચીનું દૂધ પીતી હતી. અને પરફેક્ટ બોડી માટે તે પોતાને ભૂખી રાખતી હતી. રેખાએ કહ્યું હતું કે ,હું મહિનાઓ સુધી માત્ર એલાઈચીનું દૂધ પીતી હતી. અને કયારેક ડાયટ માટે હું પોપકોર્ન ખાતી. તેણે કહ્યું કે, મને ચોકલેટથી છૂટકારો મેળવવામાં અઢી વર્ષ લાગ્યાં.
૧૯૭૮માં જ્યારે ફિલ્મ ‘ઘર’ રીલિઝ થઈ હતી, ત્યારે ત્યાં સુધી લોકોને લાગતું હતું કે, આ બધું રાતોરાત થયું, પરંતુ તે રાતોરાત નથી બન્યું, આ ફિઝિક મેળવવામાં ૨.૫ વર્ષ લાગ્યા. તમને જણાવી દઈએ કે, રેખાએ વર્ષ ૧૯૭૦માં ફિલ્મ ‘સાવન ભાદો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. રેખાએ પોતાની કારકિર્દીમાં લગભગ ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું.