અસિન અને રાહુલ શર્માના લગ્ન જીવનમાં ડખો થયો?
મુંબઈ, આમિર ખાનની ફિલ્મ ગજનીની કલ્પના આજે પણ લોકોને યાદ છે. કલ્પનાનું પાત્ર અસિને ભજવ્યું હતું. અસિને હિન્દી અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેણે માઈક્રોમેક્સના ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી મનોરંજન જગતને અલવિદા કહી દીધું હતું. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી પતિ સાથેની બધી જ તસવીરો ડિલીટ કરી નાખી છે. તેણે પોતાના લગ્નના ફોટોઝ પણ ડિલીટ કરી નાખ્યા છે, જે બાદ ફેન્સ ચોંકી ગયા છે. તેઓ અટકળો લગાવી રહ્યા છે કે, અસિન પતિ જોડેથી ડિવોર્સ તો નથી લેવાનીને? અસિન અને રાહુલે એકબીજાને ડેટ કર્યા બાદ ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ લગ્ન કર્યા હતા. દિલ્હીમાં ખ્રિસ્તી અને હિંદુ રિવાજો પ્રમાણે લગ્ન થયા હતા. ૨૦૧૭માં અસિને દીકરી અરિનને જન્મ આપ્યો હતો.
અસિનના ઈન્સ્ટાગ્રામ પર મોટાભાગે તેની ૫ વર્ષની દીકરી અરિનના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો છે. તેણે દિવંગત એક્ટર ઋષિ કપૂરના અવસાન બાદ તેમની સાથે એક ફોટો શેર કરતાં ઈમોશનલ નોટ લખી હતી. આ ફોટોમાં રાહુલ પણ જોવા મળે છે. આ મોનોક્રોમ તસવીર રાહુલ અને અસિનના લગ્નના રિસેપ્શનની છે, જેમાં ઋષિ કપૂર હાજર રહ્યા હતા. જોકે, આ અટકળો વચ્ચે હવે અસીને સ્પષ્ટતા કરી દીધી છે.
ડિવોર્સની અટકળો વહેતી થતાં અસિને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, *અત્યારે અમે સમર હોલિડે માણી રહ્યા છીએ અને એકબીજાની સામે બેઠા છીએ, અમારા બ્રેકફાસ્ટનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે કેટલાક કાલ્પનિક અને પાયાવિહોણા સમાચાર અમારી સામે આવ્યા. જે જોઈને અમને એ સમય યાદ આવ્યો જ્યારે અમે અમારા પરિવારો સાથે બેસીને લગ્નની તૈયારી કરી રહ્યા હતા અને એ વખતે પણ એવા સમાચાર આવ્યા હતા કે, અમે બ્રેકઅપ કરી લીધું છે. ખરેખર? પ્લીઝ કંઈક સારું કરો. (અમારા અદ્બૂત હોલિડેની પાંચ મિનિટ આવી વાહિયાત ખબરમાં વેડફાઈ ગઈ તેનું દુઃખ છે. તમારો દિવસ શુભ રહે.)*
૨૦૧૨માં અસિન ‘હાઉસફુલ ૨’ ફિલ્મ માટે પ્રાઈવેટ જેટથી ઢાકા જઈ રહી હતી. એ વખતે તેની સાથે અક્ષય કુમાર પણ હતો.અક્ષય અને રાહુલ શર્મા બંને અંગત મિત્રો હતા. અક્ષયે જ અસિન અને રાહુલની મુલાકાત કરાવી હતી અને બંનેને ડેટ કરવાની સલાહ પણ આપી હતી. જોકે, એ વખતે અસિને તેની વાતને અવગણી હતી. એ વખતે અસિનને ખબર નહોતી કે તે જે જેટમાં બેસીને આવી છે તે રાહુલનું જ છે. તે રાહુલની સાદગી પર વારી ગઈ હતી અને નંબર એક્સચેન્જ કર્યા પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જે બાદ પ્રેમ પાંગર્યો અને તેમણે લગ્ન કર્યા હતા.