છેલ્લા ૧૦ વર્ષથી કેનેડા ના ગયો હોવાનો અક્ષય કુમારનો ખુલાસો

ફિલ્મી દુનિયા

 મુંબઈ, કેનેડા કુમાર, પોતાના દેશમાં પાછો જા’, ‘અહીં કેમ રહે છે’, ‘તું તો કેનેડાનો છે?’…આવી કેટલીય વાતો અક્ષય કુમારને સાંભળવી પડી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આ બધી બાબતો કહીને તેને ટ્રોલ કરવામાં આવ્યો છે. કારણ? તેની પાસે કેનેડાની નાગરિકતા હતી. કેટલાય વર્ષો સુધી મ્હેણાં સાંભળ્યા પછી અક્ષય કુમારે આખરે કેનેડાની નાગરિકતા કેમ લીધી હતી તેના વિશે ખુલાસો કરી દીધો છે. હાલમાં જ ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે પોતાની નાગરિકતા વિશે વાત કરી છે. તેણે કહ્યું, *મેં કેનેડાની નાગરિકતા લઈ લીધી કારણકે મારી ફિલ્મો ચાલતી નહોતી. મારી એકસાથે ૧૩-૧૪ ફિલ્મો ફ્લોપ ગઈ હતી. એ વખતે મારો એક ફ્રેન્ડ કેનેડામાં રહેતો હતો. તેણે મને કહ્યું કે, અહીં આવ આપણે કંઈક કરીશું. મારા ફ્રેન્ડે મને સાથે મળીને કાર્ગો બિઝનેસ કરવાની ઓફર આપી હતી. હું માની ગયો કારણકે મારી ફિલ્મો ચાલતી નહોતી અને દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક કામ તો કરવું જ પડે છે.

મેં ટોરેન્ટોમાં રહેવાનું શરૂ કર્યું પછી મને કેનેડાનો પાસપોર્ટ મળ્યો હતો. એ દરમિયાન મારી બે ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી. એ બંને ફિલ્મો સુપરહિટ રહી હતી. મેં મારા ફ્રેન્ડને કહ્યું કે હું ભારત પાછો જઈ રહ્યો છે. ત્યાંથી આવ્યા પછી મેં વધુ ફિલ્મો કરી અને કરતો ગયો ને આજે જ્યાં છું ત્યાં પહોંચ્યો છું. જોકે, મેં કયારેય નહોતું વિચાર્યું કે લોકો મારી કેનેડાવાળી વાત યાદ રાખશે, એ ફક્ત ટ્રાવેલ ડૉકયુમેન્ટ હતો. હું ટેક્સ ભરું છું અને સૌથી વધુ ટેક્સ ભરતો કરદાતા છું. અક્ષય કુમાર પાસે અત્યાર સુધી કેનેડાની નાગરિકતા હતી પરંતુ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ તે ભારતીય નાગરિક બની ગયો છે.

આ વિશે વાત કરતાં એક્ટરે કહ્યું, *છેલ્લા ૯-૧૦ વર્ષથી હું કેનેડા ગયો નથી. એ જગ્યા સરસ છે અને મારો ખાસ મિત્રો પૈકીનો એક ત્યાં રહે છે. મને લાગ્યું કે મારે અહીંની નાગરિકતા લઈ લેવી જોઈએ. હવે સંયોગ કહો કે, મને ભારતીય નાગરિકતાનો લેટર ૧૫ ઓગસ્ટના રોજ મળ્યો. જોકે ફક્ત પાસપોર્ટ નહીં, તમારું મગજ, તમારું હૃદય અને આત્મા ભારતીય હોવી જોઈએ. મારી પાસે ભારતીય પાસપોર્ટ હશે પરંતુ મન અને મગજ ભારતીય નહીં હોય તો એનો કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે કે, કેનેડાની નાગરિકતા હોવાના લીધે અક્ષય કુમારને ખૂબ ટીકા વેઠવી પડી હતી. ૨૦૧૯માં તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જે બાદ અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ મુદ્દાને લઈને આટલી નેગેટિવિટી કેમ છે તે સમજાઈ નથી રહ્યું?

જણાવી દઈએ કે, અક્ષય કુમારને ૨૦૧૧માં કેનેડાના ફેડરલ ઈલેક્શન પછી કંઝર્વેટિવ સરકારે કેનેડાની નાગરિકતા આપી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, કંઝર્વેટિવ પાર્ટીના પૂર્વ મંત્રી ટોની ક્લેમેંટે કહ્યું હતું કે, અક્ષય કુમારે કેનેડા-ભારતના સંબંધોને આગળ વધારવા માટે પોતાના સ્ટારપાવરનો ઉપયોગ કરવાની અને મૂવી તેમજ ટ્રાવેલ સેક્ટરમાં મદદરૂપ થવા તેમજ ટ્રેડ અને કોમર્શિયલ રિલેશન ડેવલપ કરવા બદલ નાગરિકતા આપવામાં હતી. જોકે, બાદમાં તેમણે આ વાતનો ઈનકાર કર્યો હતો. અક્ષય કુમારને વિન્ડસર યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની માનદ પદવી પણ મળી છે. અક્ષય કુમારે ૨૦૧૯માં જ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી પરંતુ કોરોના મહામારીના લીધે મળવામાં વિલંબ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.