લગ્નના ચાર મહિનામાં ફરીથી કિયારા અડવાણીની પ્રેગ્નેન્સીની ખબરો વહેતી થઈ
મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીની દુનિયામાં લગ્ન થયા બાદ તરત જ એક્ટ્રેસિસની પ્રેગ્નેન્સીની ખબરો વહેતી થવી તેમાં કોઈ નવી વાત નથી. અગાઉ કેટરીના કૈફ અથવા નેહા કક્કડ સાથે આમ થઈ ચૂકયું છે અને આ વાત અફવા સાબિત થઈ છે. હવે આ લિસ્ટમાં વધુ એકનું નામ ઉમેરાયું છે અને તે છે કિયારા અડવાણી. વાત એમ છે કે, હાલ તે કાર્તિક આર્યન સાથે આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ માટે તે અલગ-અલગ શહેરની મુલાકાત લઈ રહી છે અને એરપોર્ટ પર સ્પોટ થઈ રહી છે.
એક દિવસ પહેલા જ તે રાજસ્થાન ગઈ હતી અને ત્યાંથી તેના કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થયા હતા. જે જોઈને લોકોએ તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો શરૂ કરી હતી. રાજસ્થાનના જયપુરમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન કિયારા અડવાણીએ રેડ કલરના બ્રાલેટની સાથે મિરર વર્ક કરેલું જેકેટ અને પ્રિન્ટેડ પ્લાઝો પેન્ટ પહેર્યું હતું, તો બીજી તરફ કાર્તિક આર્યને તેની સાથે ટ્વિનિંગ કરતાં વ્હાઈટ ટીશર્ટ અને રેડ જેકેટની સાથે ડેનિમ પહેર્યું હતું.
આ તસવીર જોઈ તરત જ એક યૂઝરે કોમેન્ટ કરતાં પૂછયું હતું કે ‘કિયારા પ્રેગ્નેન્ટ છે કે શું?’, એક યૂઝરે લખ્યું હતું ‘અમે તેનો બેબી બમ્પ જોઈ શકીએ છીએ’, એક યૂઝરે કોમેન્ટ કરી હતી ‘જયપુરમાં પોતાનો બેબી બમ્પ કવર કરી રહી છે’. કેટલાક યૂઝર્સે રોમેન્ટિક ફોટોની મજાક ઉડાવતા કાર્તિક માટે લખ્યું હતું કે ‘આ કોઈ દિવસ સિદ્ધાર્થ મલ્હોત્રાના હાથનો માર ખાશે’. બીજી તરફ કિયારાના ફેન્સને તેનો આ લૂક પસંદ આવ્યો હતો અને હાર્ટ તેમજ ફાયર ઈમોજી ડ્રોપ કર્યા હતા. જણાવી દઈએ કે, કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ લગ્ન કર્યા હતા. ફિલ્મના પ્રમોશન માટે આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે લગ્નજીવન વિશે વાત કરી હતી અને તેમના જેવા લવ મેરેજ ખૂબ જ સફળ રહેતા હોવાનું કહ્યું હતું. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, ‘મારા હમણા જ લગ્ન થયા છે.
આ લવ મેરેજ હતા. તેથી સ્વાભાવિક રીતે હું લવ મેરેજમાં વિશ્વાસ રાખું છું. મારા માટે મારો બેસ્ટફ્રેન્ડ મારો પતિ જ છે, તે જ મારું જીવન અને ઘર છે. અમે ગમે ત્યાં હોઈએ, ગમે તે થાય, મારા માટે તો તે જ મારું ઘર છે. લવ સ્ટોરીની વાત કરીએ તો, સિદ્ધાર્થ અને કિયારાની પહેલી મુલાકાત ૨૦૧૮માં ‘લવ સ્ટોરી’ની રૅપ અપ પાર્ટીમાં થઈ હતી. જે બાદ તેઓ ફ્રેન્ડ્સ બન્યા હતા. જો કે, તેમની વચ્ચે રોમાન્સની શરૂઆત ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર થઈ હતી, જેમાં બંનેએ સાથે સ્ક્રિન શેર કરી હતી. જે બાદ તેઓ અવારનવાર સાથે પાર્ટી, હેન્ગઆઉટ અને વેકેશન એન્જોય કરતાં દેખાયા હતા. જો કે, લગ્ન થયા ત્યાં સુધી કપલમાંથી કોઈએ પણ તેઓ રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નહોતી.