પ્રેમમાં વિશ્વાસઘાત મળ્યો તો એક્ટિંગ બહાર આવશે તેમ લાગે છે

ફિલ્મી દુનિયા

મુંબઈ, બિગ બોસ ૧૩ના ઘરમાં પગ મૂકયો તે પહેલા શહેનાઝ ગિલ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કરી ચૂકી છે, જો તે આ રિયાલિટી શોના કારણે તેને ગજબની પોપ્યુલારિટી મળી અને લાખો લોકોનો પ્રેમ પણ મળ્યો. આ શોમાં તેની સિદ્ધાર્થ શુક્લા સાથેની કેમેસ્ટ્રી પણ દર્શકોને આંખે ઉડીને વળગતી હતી, તેઓ તેમને પ્રેમથી#SidNaazકહીને બોલાવતા હતા. ટ્વિટર પર અવારનવાર આ હેશટેગ ટ્રેન્ડ થતું હતું, પરંતુ જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૧માં સિદ્ધાર્થનું કાર્ડિયેક અરેસ્ટના કારણે નિધન થયું ત્યારે શહેનાઝની દુનિયા જાણે ભાંગી પડી હતી. માત્ર તે જ નહીં પરંતુ તેના ચાહકો પણ આજ સુધી તે દિવસને ભૂલ્યા નથી. પરંતુ કહેવાય છે કે જીવનમાં હંમેશા મૂવ ઓન કરતાં શીખવું પડે છે અને સના (શહેનાઝનું હુલામણું નામ) પણ કંઈક આવા જ માર્ગે છે.

તે પ્રોફેશનલ લાઈફમાં સારું કરી રહી છે અને હવે ફરી પ્રેમમાં પડી પર્સનલ લાઈફમાં પણ વ્યસ્ત થઈ જવા માગે છે. આ વાત હાલમાં તેણે પોતે જ કહી હતી. વાત એમ છે કે, શહેનાઝ પોતાનો સેલિબ્રિટી ટોક શો દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલ’ ચલાવી રહી છે, જેના લેટેસ્ટ એપિસોડમાં તેણે ‘પ્રેમ’ અને ‘વિશ્વાસઘાત’નો ઉલ્લેખ કર્યો હતો. તેના શોમાં નવાઝુદ્દીન સિદ્દીકી મહેમાન બનીને પહોંચ્યો હતો, જ્યાં તેણે તેને પૂછયું હતું કે એક્ટિંહ, સિંગિંગ અને શો હોસ્ટ કરવા સિવાય એવી કઈ બાબત છે જે તે સાચા મનથી કરવા માગે છે? તેણે પૂછયું હતું ‘કોઈ એવી વાત કહે જે તું દિલથી કરવા માગે છે?’.

આ સવાલનો જવાબ આપતાં તે થોડી અટકી હતી અને બાદમાં કહ્યું હતું ‘પ્રેમ’. જ્યારે નવાઝે કહ્યું તેની સાથે તેમ ચોક્કસથી થશે જ્યારે શહેનાઝે આગળ કહ્યું હતું ‘જો પ્રેમ થશે, પ્રેમમાં વિશ્વાસઘાત મળશે, વિશ્વાસઘાત મળશે ત્યારે મારી એક્ટિંગ બહાર આવશે. મારો વિશ્વાસઘાત એવો હશે, જેમાં રડતા રહેશો, એક્ટિંગ નહીં કરો, ૨૪ કલાક મારા વિશે જ વિચારશો, હું એવી પાગલ છે… પ્રેમ કરવાની બધાની રીત અલગ હોય છે, મારો થોડો વધારે જ શુદ્ધ છે. સિદ્ધાર્થ શુક્લા આ દુનિયાને અલવિદા કહી ચૂકયો છે અને શહેનાઝ ગિલ પણ ભાગ્યે જ તેના વિશે વાત કરે છે. પરંતુ જ્યારે પણ તેનું નામ આવે છે ત્યારે તે ઈમોશનલ થઈ જાય છે.

ખાસ પ્રસંગ પર તે તેની સાથેની તસવીરો શેર કરતી રહી છે પરંતુ વધારે ખુલીને વાત કરતી નથી. બીજી તરફ શહેનાઝ કંઈ પણ કરે ત્યારે તેના ફેન્સ#SidNaazટ્રેન્ડ કરવા લાગે છે. આ વાત તેના શુભચિંતક તરીકે સલમાન ખાનને પસંદ નથી, તેનો પુરાવો જ્યારે બંને ‘કિસી કા ભાઈ કિસી કા જાન’ના પ્રમોશન માટે અન્ય કાસ્ટ સાથે જ્યારે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા ત્યારે જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘સોશિયલ મીડિયા પર સિડનાઝ સિડનાઝ ટ્રેન્ડ થતું રહે છે, આ બધું શું લગાવી રાખ્યું છે. સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. તે જ્યાં છે ત્યાંથી પણ તેવું જ ઈચ્છતો હશે કે શહેનાઝ મૂવ ઓન કરે, લગ્ન કરે અને બાળકો લાવે. શું તે આખું જીવન સિંગલ જ રહેશે? લોકોની વાતો શહેનાઝ તારે સાંભળવી નહીં અને હંમેશા તે જ કરવું હોય જે મન કહે’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.