ટીવી એક્ટર અનિરુદ્ધ દવેની તબિયતમાં સામાન્ય સુધારો, પરિવારે રાહતનો શ્વાસ લીધો

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 95

જાણીતો ટીવી એક્ટર અનિરુદ્ધ દવે હાલમાં ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં ICU વોર્ડમાં એડમિટ છે. અનિરુદ્ધની તબિયત ઘણી જ નાજુક હતી. હવે, અનિરુદ્ધની તબિયતમાં સામાન્ય સુધારો થયો છે.

અનિરુદ્ધના મિત્ર મોહિત ડાગાએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘કોરોનાને કારણે અનિરુદ્ધના ફેફસાંમાં 75% જેટલું ઇન્ફેક્શન થઈ ગયું હતું. જોકે, પહેલાં કરતાં ઇન્ફેક્શનમાં ઘટાડો થયો છે. પહેલાં CT સ્કોર 21/25 હતો, જે હવે 17/25 થયો છે. અનિરુદ્ધની સારવાર કરતાં ડૉક્ટર્સે પણ કહ્યું હતું કે જો આ રીતે આગામી ચાર-પાંચ દિવસમાં એક્ટરનો CT સ્કોર ઘટતો જશે તો તે જલ્દીથી ઠીક થઈ જશે. અનિરુદ્ધ હાલમાં ઓક્સિજન પર છે.’

વધુમાં મોહિત ડાગાએ કહ્યું હતું, ‘ભોપાલમાં વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન જ્યારે અનિરુદ્ધ બીમાર પડ્યો ત્યારે તે હોટલમાં જ આઈસોલેટ થયો હતો, પરંતુ પછી CT સ્કેનની મદદથી ખબર પડી કે કોરોનાને કારણે તેના ફેફસાં ખરાબ થઈ ગયા છે. અનિરુદ્ધની હાલત વધુ ગંભીર થતાં તેને અન્ય હોસ્પિટલમાંથી શિફ્ટ કરીને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.’

અનિરુદ્ધની પત્ની શુભી, ભાઈ નીતિન, બહેન તથા જીજાજી તમામ હાલમાં ભોપાલમાં છે. અનિરુદ્ધની તબિયત ધીમે ધીમે સુધરતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે.

થોડાં દિવસ પહેલાં અનિરુદ્ધની પત્ની શુભી આહુજાએ સો.મીડિયામાં અનિરુદ્ધ તથા તેના દીકરા અનિશ્કની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હું આ સમયે અનિરુદ્ધને મળવા જઈ રહી છું. તે કોરોના સામે જંગ લડી રહ્યો છે અને ક્રિટિકલ છે. હું મારા બે મહિનાના દીકરા અનિશ્કને ઘરે મૂકીને જાઉં છુ. આ મારા જીવનની અત્યાર સુધીની સૌથી મોટી ચેલેન્જ છે.’

વધુમાં શુભીએ કહ્યું હતું, ‘એક તરફ અનિષ્કને મારી જરૂર છે, કારણ કે તે હજી બહુ નાનો છે. બીજી તરફ મારે અનિરુદ્ધ પાસે જવું છુ. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય છે. હું મારા પરિવાર, ઓળખીતા તથા અનિરુદ્ધના ચાહકોને વિનંતી કરું છું કે તેમની સલામતી માટે દુઆ કરો. આ સમયે અનિશ્કના પપ્પા અનિરુદ્ધને તમારી પ્રાર્થનાની જરૂર છે. આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીશું તો તે જરૂરથી ઠીક થઈ જશે.’

નિયા શર્માએ અનિરુદ્ધની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અનિરુદ્ધ તારા બાળકને તારી સૌથી વધુ જરૂરી છે. જલ્દી પાછો આવી જા. આ યુદ્ધમાં તારે જીતવું જ પડશે. અમે બધા તારા માટે પ્રાર્થના કરીએ છીએ. આ સમય આપણાં દેશ માટે સૌથી મુશ્કેલ સમય છે અને દિલને ભાંગી નાખતા સમાચારો આવી રહ્યાં છે. એ તમામ માટે પ્રાર્થના જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ જીવનભરનો ઘા છે, જે ક્યારેય ઠીક થશે નહીં. હવે આની સાથે જ જીવવાનું છે.’

જયપુર, રાજસ્થાનમાં રહેતો અનિરુદ્ધ ભોપાલમાં એક વેબ સિરીઝ ‘મોહ માયા’નું શૂટિંગ કરતો હતો. 23 એપ્રિલે તે કોરોનાનો ભોગ બન્યો હતો. તેણે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું, કોવિડ પોઝિટિવ છું. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે અહીંયાની હોટલમાં આઈસોલેટ થયો હતો. જોકે, તેનું ઇન્ફેક્શન વધી ગયું હતું. ત્યારબાદ તેને ICUમાં શિફ્ટમાં કરવામાં આવ્યો હતો.

અનિરુદ્ધનો જન્મ દેહરાદૂન, ઉત્તરાખંડમાં થયો છે. જોકે, પછી તેનો પરિવાર જયપુર શિફ્ટ થઈ ગયો હતો. તેણે દિલ્હીમાં ‘રાશોમોન’, ‘હાય મેરા દિલ’ તથા ‘મેન વિધઆઉટ શેડો’ જેવા નાટકોમાં કામ કર્યું છે. વર્ષ 2000માં તેને એક્ટિંગ તથા થિયેટર માટે રાષ્ટ્રપતિ કે આર નારાયણના હસ્તે અવોર્ડ આપવામાં આવ્યો હતો.

ટીવી શોની વાત કરીએ તો અનિરુદ્ધે ‘રાજકુમાર આર્યન’, ‘વો રહેને વાલી મહલો કી’, ‘રુક જાના નહીં’, ‘સૂર્યપુત્ર કર્ણ’, ‘પારો કા ટશન’, ‘પટિયાલા બેબ્સ’, ‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’, ‘લૉકડાઉન કી લવ સ્ટોરી’માં કામ કર્યું છે. તેણે ‘તેરે સંગ’ તથા ‘પ્રણામ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અનિરુદ્ધ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.