
પરિણીતી રાઘવ ચઢ્ઢાનો લગ્ન પછીનો પહેલો ફોટો વાયરલ
મુંબઈ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાત જન્મ માટે એકબીજાના બની ગયા છે. આ બંને સ્ટાર્સના લગ્નના ફોટો જોવાની આતુરતા લોકોમાં ઘણા દિવસોથી હતી. આ આતુરતાનો અંત હવે આવી ગયો છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પછીનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ ફોટોમાં બંને સ્ટાર્સ સુંદર દેખાય છે. ફોટામાં પરિણીતી ગુલાબી સાડીમાં સેંથામાં સિંદૂર સાથે જોવા મળી રહી છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન પછી ઉદયપુરમાં જ પહેલા રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
આ રિસેપ્શનનો પહેલો ફોટો સામે આવ્યો છે જેમાં પરિણીતીએ સિમ્પલ પિંક કલરની સાડી પહેરી છે સાથે જ ગળામાં હેવી ડાયમંડ ચોકર નેકલેસ અને સેંથામાં સિંદૂર લગાવેલું છે. આ સિવાય તેના હાથ પર મહેંદી લગાવેલી જોવા મળે છે. આ તસવીરમાં અભિનેત્રીની સગાઈની રીંગ પણ જોવા મળે છે. ફોટોમાં રાઘવ ચઢ્ઢાએ બ્લેક કોટ અને પેન્ટ સાથે સફેદ શર્ટ પહેર્યું છે. આ ફોટોમાં બંને કોઝી પોઝ આપતા જોવા મળ્યા હતા.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી લગ્નની વિધિ કે લગ્નનો કોઈ જ ફોટો શેર કર્યો નથી. પરંતુ પરિણીતી અને રાઘવની રિસેપ્શન પાર્ટીનો ફોટો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ૨૫ સપ્ટેમ્બરે રાઘવ સાથે દિલ્હી તેના સાસરે જશે.
આ સિવાય રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લગ્ન પહેલાનો છે જેમાં રાઘવ ચઢ્ઢા ક્રીમ કલરની શેરવામાં જોવા મળે છે. વીડિયોમાં તેની આસપાસ ઘણા મહેમાનો જોવા મળી રહ્યા છે.