
જવાનની એક્ટ્રેસ નયનતારા પાસે ૧૦૦ કરોડનું ઘર છે
મુંબઈ, નયનતારા આજે તેમનો ૩૯મો જન્મદિવસ ઉજવી રહી છે. તમિળ સિનેમાની લેડી સુપરસ્ટાર કહેવાતી નયનતારા માટે આ વર્ષ ખાસ છે, કારણ કે ૨૦૨૩માં તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે ૧૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ૨૦ વર્ષની સફળ ફિલ્મ કારકિર્દીમાં નયનતારાએ ૯૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તમિળ અને તેલુગુ અને મલયાલમ ફિલ્મોનો સમાવેશ થાય છે.તે સાઉથની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ છે અને ૨૦૧૮માં ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા ટોપ સેલિબ્રિટી ૧૦૦ની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નયનતારા પોતાનો ધર્મ બદલવાના કારણે પણ ચર્ચામાં રહી છે. અભિનેતા-ડાન્સરના પ્રભુ દેવા સાથેના તેમના અફેર અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ સિવાન સાથેના લગ્નના ચાર મહિના પછી સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બનવા અંગેના કેટલાક વિવાદો પણ હતા. નયનતારાનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૮૪ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. તેનું અસલી નામ ડાયના મરિયમ કુરિયન છે. તેમના પિતા કુરિયન કોડિયાટ્ટુ ભારતીય વાયુસેનામાં હતા. આ કારણોસર નયનતારાએ દેશના ઘણા શહેરોમાં અભ્યાસ કર્યો કારણ કે તેમના પિતાની બદલી થતી રહી. તેમણે જામનગર, દિલ્હી, તિરુવલ્લા, તિરુમાલાપુરમમાં અભ્યાસ કર્યો છે. નયનતારાએ તિરુવલ્લામાંથી જ અંગ્રેજી સાહિત્યમાં બીએ કર્યું છે. નયનતારા કોલેજમાં ભણતી વખતે પાર્ટ ટાઈમ મોડલિંગ કરતી હતી.
આ સમય દરમિયાન ઘણા મોડેલિંગ અસાઇનમેન્ટ જોયા પછી દિગ્દર્શક સત્યન અંતિકકડે નયનતારાની નોંધ લીધી અને તેમને ફિલ્મ ‘મન્નાસિન્નાકરે’ ઓફર કરી. નયનતારાએ શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી કારણ કે તેમને ફિલ્મોમાં રસ ન હતો, પરંતુ બાદમાં તેમણે આ ઓફર માત્ર એક જ ફિલ્મમાં કામ કરવાની શરતે સ્વીકારી હતી. આ પછી નયનતારાએ ૨૦૦૩માં ફિલ્મ ‘મન્નાસિનાકરે’ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી અને નયનતારાને કેટલીક વધુ ફિલ્મોની ઓફર મળવા લાગી. તેમણે આ ઑફર્સ સ્વીકારી અને આમ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. નયનતારા ‘વેલઈકરન’, ‘ઈમ્મિક્કા નોડિગલ’, ‘કોલાઈથુર કલમ’, ‘જય સિમ્હા’, ‘કોકો’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. નયનતારા મૂળ રૂપે એક ખ્રિસ્તી હતી,
પરંતુ ૭ ઓગસ્ટ ૨૦૧૧ ના રોજ તેમણે ચેન્નાઈના આર્ય સમાજ મંદિરમાં હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો. નયનતારાના પરિવારજનો આ નિર્ણયથી બિલકુલ ખુશ ન હતા. તેમના માતા-પિતા ઇચ્છતા ન હતા કે તે ખ્રિસ્તીમાંથી હિંદુ બને. એક ઇન્ટરવ્યૂમાં નયનતારાએ આ વિશે કહ્યું હતું – હા, મેં હિંદુ ધર્મ અપનાવ્યો છે, તે ખૂબ જ અંગત પસંદગી છે, મારે તેમના વિશે વધુ કંઈ કહેવું નથી. જોકે શાહરુખ ખાન સાથે કામ કરવા માટે અભિનેત્રીઓમાં લાઈનમાં હોય છે, પરંતુ નયનતારાએ શાહરુખની ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં આઈટમ સોંગ ‘વન ટુ થ્રી ફોર’ કરવાની ના પાડી દીધી હતી. મીડિયામાં નયનતારા વિશે એવું પણ લખવામાં આવ્યું હતું કે શાહરુખ સાથે કામ કરવાનો ઇનકાર કરનાર તે કદાચ પહેલી અભિનેત્રી છે.