જીવતાં તો મિત્રતા નિભાવી પરંતુ મૃત્યુ સમયે પણ મિત્રતા નિભાવીને દુનિયાને અજાેડ ઉદાહરણ પૂરૂં પાડતા ઝાબડીયા- લુણપુરના બે મિત્રો સીતારામભાઈ ઠકકર તેમજ પ્રહલાદજી વાઘેલા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કુદરતનું કામ આશ્ર્‌ચર્ય સર્જવાનું છે. ઝાબડીયા- ડીસાના સીતારામભાઈ શંકરભાઈ ઠકકર અને લુણપુર-ડીસાના પ્રહલાદજી સાલુજી સોલંકી (સરપંચ) એમ બેઉ મિત્રોએ સાથે જીવવાનો અને સાથે જ મરવાનો જાણે કે સંકલ્પ લીધો હોય તેમ સરસ મજાનું પરોપકારી તેમજ સેવાભાવી જીવન જીવીને રોડ અકસ્માતમાં એકી સાથે જ મૃત્યુ પામી પરમાત્માની ગોદમાં સમાઈ ગયા.બેઉ મિત્રો પોતપોતાના સમાજમાં આગેવાન તો ખરા જ;સાથે સાથે ખૂબ જ સેવાભાવી,પરગજુ,નિષ્ઠાવાન,મોભાદાર અને આબરૂદાર પણ ખરા.નાનામાં નાના માણસને મદદરૂપ થવાની બેઉ ઉચ્ચ ભાવના ધરાવતા હતા.

લોહીના સંબંધ મહત્વના હોય છે અને તેને બદલી શકાતા નથી.રામ જેવા સીતારામભાઈ ઠકકર અને લક્ષ્મણ જેવા પ્રહલાદજી સોલંકી વચ્ચે લોહીના સંબંધ કરતાં પણ એક હજાર ગણો ચડિયાતો એવો માનવતાનો મૂલ્યવાન મહામૂલો સંબંધ હતો.મિત્રતાનો ઉચ્ચ પ્રકારનો સંબંધ નિર્માણ કરવો અને નિભાવવો એ ખૂબ જ અઘરો છે.આ બેઉ મિત્રો ઉમદા,પ્રમાણિક,કર્તવ્યનિષ્ઠ,નિખાલસ,સેવાભાવી,નિષ્કપટી અને નિસ્વાર્થ ભાવનાવાળા હોવાને લીધે બેઉની મિત્રતા શ્રીરામ -હનુમાનજી કે શ્રીકૃષ્ણ-સુદામા જેવી હતી.

છેલ્લા ૨૫ વર્ષથી એમની મિત્રતા નિરંતર ચાલતી હતી.સારામાઠા પ્રસંગે બેઉ સાથે જ હોય.બેઉના પરિવાર,સમાજ કે ગામના પ્રસંગોમાં પણ બેઉ સતત સાથે જ હોય.શરીર જુદાં પણ જીવ એક હોય તેવી તેમની અજાેડ મિત્રતા હતી.મહેસાણા પાસે અકસ્માત થયા બાદ બેઉની હાલત અતિ ગંભીર હતી.

સીતારામભાઈ હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં હતા ત્યારે તેમનો દીકરો પંકજભાઈ પણ ત્યાં પહોંચ્યો.પિતાજીને અનેક પ્રકારનાં મેડિકલ યાંત્રિક ઉપકરણો લાગેલ હોઈ પંકજભાઈ હેબતાઈ ગયા.જીંદગીના છેલ્લા પડાવ ઉપર જ્યારે અંતિમ શ્ર્‌વાસ ચાલતા હતા ત્યારે સીતારામભાઈએ એમના પરિવારની કે બીજી કોઈ ચર્ચા કર્યા સિવાય પ્રહલાદજીને કેમ છે એવા સમાચાર પૂછીને તેમના દીકરાને પણ પ્રહલાદજીની ખબર રાખવા માટે જણાવ્યું હતું.

સીતારામભાઈને આંખોની તકલીફ હતી એટલે બતાવવા માટે બેઉ મિત્રો સાથે નીકળેલ અને અકસ્માત થતાં બેઉ ગંભીર હાલતમાં હતા.પોતાના પિતાજીની અતિ ગંભીર હાલત જાેઈ પંકજભાઈની આંખોમાં આંસુ આવી ગયેલ. આવી વિકટ પરિસ્થિતિમાં પણ સીતારામભાઈ ઠકકરે પોતાના દિલોજાન મિત્ર પ્રહલાદજી સોલંકીની સારી સારવાર થાય અને બચી જાય તેવી લાગણી વ્યક્ત કરેલ.
જીવનના છેલ્લા મુકામ કે છેલ્લા શ્ર્‌વાસ વખતે પણ સીતારામભાઈ ઠકકરની આંખો અને જીભ સતત તેમના મિત્ર પ્રહલાદજી સોલંકીને જ ઝંખતી હતી.માત્ર લુણપુર કે ઝાબડીયા જ નહી પરંતુ સમગ્ર ડીસા પંથકમાં બેઉની મિત્રતા પ્રશંસાને પાત્ર હતી અને વખણાતી હતી.તેમની આ મહામૂલી મિત્રતાને જાણે કે કોઈની નજર લાગી હોય તેમ અકસ્માતનો આકસ્મિક એક ઝાટકો આવ્યો અને બેઉ મિત્રો પરલોક સિધાવ્યા.

સારી રીતે સાથે જીવવું કદાચ શકય હોય પણ સાચી મિત્રતાનો સંબંધ નિભાવીને સાથે જ મરવું એવું તો ભાગ્યે જ બને છે.પ્રથમ પ્રહલાદજી સોલંકીએ દવાખાનામાં દેહ છોડયો અને કુદરતી રીતે જ એનો અણસાર સીતારામભાઈ ઠકકરને આવી જતાં તેઓ પણ પરમાત્માને પ્યારા થયા.

સુખદુઃખમાં પણ ઢાલ બનીને સાથે ઉભા રહે એજ સાચા મિત્રો..
“શેરી મિત્રો સો મળે,તાળી મિત્રો અનેક.
જેમાં સુખદુઃખ પામીએ,તેવા લાખોમાં એક”.

સમય,સંજાેગો,જીવન પરિવર્તનશીલ હોય છે પણ જાે જીવનમાં સાચો મિત્ર મળી જાય તો તેના પ્રેમ અને લાગણીમાં ક્યારેય પરિવર્તન આવતું નથી.

પદ,પૈસો કે પ્રતિષ્ઠા જાેઈને થતા સંબંધો કે મિત્રો કયારેય ટકાઉ હોતા નથી.એકબીજાના સદગુણો કે દુર્ગુણોને સમજી-વિચારી-સ્વિકારીને થયેલી મિત્રતા મજબૂત હોય છે.

સીતારામભાઈ ઠકકર અને પ્રહલાદજી સોલંકીએ મિત્રતા કોને કહેવાય તેનો સર્વશ્રેષ્ઠ-સર્વોતમ દાખલો બેસાડયો છે.બેઉની વસમી વિદાયથી આજે તો બેઉનાં પરિવારો ખૂબ જ દુખી છે અને કવિ કલાપીની પેલી પંકિત “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની” ની માફક આ બેઉ મિત્રોને ઝંખી રહેલ છે.

જગતપિતા પરમાત્માના દરબારમાં કઈ પ્રકારનો વહીવટ ચાલતો હશે એ ખબર નથી પણ કોઈકની નજરનો ભોગ બનેલ આ બેઉ પાકકા મિત્રો એકીસાથે પરમાત્માના દરબારમાં હાજર થયા છે.લોહાણા એટલે વેપારી કે વૈશ્ય કહેવાય અને સોલંકી એટલે ક્ષત્રિય..આમ જ્ઞાતિગત રીતે બેઉના સ્વભાવ અને વ્યવસાય પણ ઘણા જુદા પડે છતાં બેઉએ મિત્રતાની એક અદભૂત મિશાલ પ્રગટાવીને આ દુનિયામાંથી વસમી વિદાય લીધી છે.

સીતારામભાઈ ઠકકરના દીકરા પંકજભાઈ સાથે મોબાઇલ નંબર ૯૭૭૩૦૨૬૫૫૩ ઉપર વાત કરી મેં જ્યારે આ મિત્રોની વિગતો જાણી ત્યારે અનેક લોકો સુધી આ મિત્રોની મિત્રતાની વાત પહોંચે તે માટે જ આ લખાણ લખ્યું છે.

ઝાબડીયા તાલુકો ડીસાના સીતારામભાઈ ઠકકર તેમજ લુણપુર તાલુકો ડીસાના સરપંચ પ્રહલાદજી સોલંકીની વંદનીય,અભિનંદનીય,અનુકરણીય,અનુમોદનીય મિત્રતાને લાખ લાખ સલામ.પરમપિતા પરમાત્મા આ બેઉ મિત્રોના દિવ્ય આત્માને ચિરશાંતિ આપે,તેમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શકિત આપે તેમજ ફરીથી પણ બેઉને આ પૃથ્વી ઉપર સગા ભાઈઓ તરીકે જ જન્મ આપીને પરત મોકલે તેવી સદભાવના સાથે અંતઃકરણથી દિવ્ય પ્રાર્થના.બેઉની યાદમાં એમના પરિવારો દ્રારા ભજન-સત્સંગ થકી શ્રધ્ધાંજલી અપાઈ રહી છે ત્યારે ડીસાનું શ્રી જલારામ સત્સંગ મંડળ પણ દુખની આ વસમી વેળાએ બેઉ મિત્રોને શ્રધ્ધાંજલી આપી બેઉના પરિવારોને સાચા દિલથી સાંત્વના પાઠવી આશ્ર્‌વાસન આપે છે.
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.