આવો સૌ સાથે મળી નવા વર્ષને હોંશે હોંશે આવકારીએ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

નફો-નુકશાન, સુખ-દુઃખ, ગમા-અણગમા એમ વિવિધ પ્રકારની સારી-ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થતાં થતાં આ વર્ષની વિદાયને માત્ર થોડા કલાકો જ બાકી રહ્યા છે.જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ સ્મરણ શક્તિની સાથે સાથે અદ્‌ભૂત વિસ્મરણ શક્તિ એટલે કે ભુલવાની શક્તિ પણ આપણને આપી છે. વિસ્મરણ શક્તિનો સૌથી સારો અને મોટો ફાયદો એ છે કે આપણે આવતીકાલના અજવાશને જાેઈ શકીએ છીએ. સમય તેનું કામ કર્યે જ રાખે છે. રામાયણ, મહાભારતના કાળને લઈને આજ સુધી અનેક સારી ખરાબ ઘટનાઓ આ પૃથ્વી ઉપર બની છે અને સમયના ખપ્પરમાં એ બધી જ હોમાઈ ગઈ છે..પ્રત્યેક વર્ષ એક નવી આશા લઈને આવે છે.સારૂં યાદ રાખનાર અને ખરાબને ભૂલી જનાર જ સુખી થાય છે. બગીચામાં ફરવા જનાર ગુલાબની સુગંધને વારંવાર યાદ કરીને રાજી થાય છે. જાે તે કાંટાની વેદનાનું સ્મરણ કરે તો દુઃખ આપમેળે જ મળી જાય છે.

આપણી જીંદગીમાંથી માત્ર ૪૮ કલાક પછી જ એક વર્ષ ઓછું થઈ જશે.આ વિષયને બીજી રીતે વિચારીએ તો ૪૮ કલાક પછી આપણી જીંદગીમાં એક નવું વર્ષ ઉમેરાશે કે શરૂ થશે.ગુમાવ્યાની ફરિયાદ કરવા કરતાં મેળવ્યાનો આનંદ માણવા જેવો છે.આ પૃથ્વી ઉપર પરમાત્માએ આપણને માણસ તરીકે મોકલ્યા એ જ પરમાત્માની મોટી કૃપા કહેવાય. અનેકજનો સાથે સાચી ખોટી સરખામણી કરતાં કરતાં આપણે ઘણાં વર્ષો પસાર કરી ચૂકયા છીએ.નવું વર્ષ અનેક આશાઓ, અરમાનો, અપેક્ષાઓ,મહત્વાકાંક્ષાઓ લઈને આવે છે. આજ દિન સુધી જે નથી મેળવી શકયા તે વિશિષ્ઠ પ્રકારના પ્રયત્નો થકી નવા વર્ષમાં મેળવવાના પ્રયત્નો કરીએ તો મારો રામ રાજી થશે.પરિવાર, સમાજ, ગામ, નગર, રાજય કે રાષ્ટ્ર માટે નવા વર્ષે કંઈક એવું કાર્ય કરીએ કે જેનાથી અનેકજનોને એક નવી પ્રેરણા કે ઉર્જા મળે.ભારત રાષ્ટ્રમાં એક અદ્‌ભૂત વારસો પડેલો છે. રામાયણ, ગીતા, મહાભારત કે અન્ય ધાર્મિકગ્રંથોને વાંચીએ, અનુસરીએ કે અનુભવીએ તો જીવન જીવવાની એક નવી તાકાત મળે છે.આપણા મહાપુરૂષો, સંતો, દિવ્ય પુરૂષો,વૈજ્ઞાનિકો, સંશોધકો, કથાકારોએ આપણા સારા જીવન માટે મહાપુરૂષાર્થ કર્યો છે.આ પૃથ્વીને સારી રાખવામાં આપણા સહિયારા પ્રયત્નો જ આપણા નવા વર્ષને સરસ બનાવી શકશે.
ફરીયા કરતાં કરતાં કે રોદણાં રોતાં રોતાં નહી.

પરંતુ ખૂબ જ ઉલ્લાસ,ઉત્સાહ, આનંદ-હર્ષ,ગર્વ, ગૌરવ સાથે હોંશે હોંશે, હસતાં હસતાં મલકતાં મલકતાં નવા વર્ષને આવકારીએ અને ગત વર્ષના અધૂરા સંકલ્પો પૂર્ણ કરવા પ્રયત્નશીલ બનીએ.ગત વર્ષમાં જેણે જેવો આપને દુઃખ આપ્યું તેને ભૂલીને જેણે જેણે આપણને મોજ કરાવી કે સહકાર આપ્યો એવા મિત્રો, સ્નેહીજનો, સહયોગીઓને યાદ કરીને તેમનો આભાર માનીએ. જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ એક સારા માણસ બનવા માટે આપણને પૃથ્વી ઉપર મોકલ્યા છે ત્યારે નાનું મોટું પરહિત-પર સેવાનું કામ કરીને મારા રામને રાજી કરીએ.મારો,તમારો આપણો સ્વભાવ જે થોડોક સુધાર ઈચ્છે છે તે નવાં વર્ષમાં કરીએ અને સારા માણસોનો સંપર્ક વધારીએ. નબળાઓની દુશ્મની કર્યા સિવાય કે તેમની ટીકા કર્યા સિવાય તેમનાથી જાેજનો દૂર રહેવાનો પ્રયત્ન કરીએ.

ખૂબ જ મોજથી જીવતાં પશુ-પક્ષીઓના આનંદિત જીવનમાંથી પણ કંઈક શીખીએ. કુદરતના ખોેળે કિલ્લોલ કરતાં નદી, પર્વત, ઝરણાં, સમુદ્ર એ બધામાંથી પણ માર્ગદર્શન લઈને જીવનને એક નવી સુગંધિત દિશા આપવા પ્રયત્નશીલ બનીએ.પ્રત્યેક વર્ષ કંઈક નવો બોધ લઈને આવે છે.ભયંકર મહામારી અને કોરોનાની બે લહેરની થપાટો ખાતાં ખાતાં આપણે ઉગરી ગયા છીએ એ જ પરમાત્માની મોટી કૃપા કહેવાય. કોઈ સારા કાર્ય માટે ભગવાને આપણને બચાવ્યા છે તો માનવસેવા, જીવદયા કે કોઈ સારૂં કામ કરી નવા વર્ષને સાર્થક બનાવીએ.આપણી આજુબાજુ અનેક સારા માણસો, મિત્રો, સંતો, સફળ પુરૂષો છે તેમનો સંગ કરવા પ્રયત્ન કરીએ. સારૂં વાંચન,સારૂં કાર્ય અને સારી બેઠક થકી નવા વર્ષને સફળ બનાવવા પ્રયત્ન કરીએ.

સંઘર્ષશક્તિ,સહનશક્તિ અને સમજશક્તિ એમ ત્રણેયનો સમન્વય કરીને પરમકૃપાળુ, પરમાત્માની કૃપા પામવાનો પ્રયત્ન કરીએ.આ લેખના અને રખેવાળના સૌ વાંચકોને નવા વર્ષની આગોતરી શુભેચ્છાઓ.વિતેલા વર્ષમાં મન,કર્મ,વચનથી અમારાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો અને નવા વર્ષે સામે મળો તો હોંશે હોંશે બોલશો તેવી પ્રાર્થના સાથે આવો નવા વર્ષને એક નવા ઉત્સાહથી આવકારીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.