જલારામ ગૌશાળા ભાભરના લાભાર્થે પ્રેરણાદાયી દિવ્ય ગૌકૃપા કથા મહોત્સવ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કળિયુગમાં ગૌસેવા એ સર્વોત્તમ સેવા છે. ધરતીનું અલંકાર મનુષ્ય છે તો મનુષ્યનું અલંકાર લક્ષ્મી છે. લક્ષ્મીનું અલંકાર દાન છે તો દાનનું અલંકાર ગૌદાન છે. ગાયની સેવાર્થે વાપરેલ એક રૂપિયો ગૌકૃપાથી એક લાખ ગણો થઈ પરત દાતા પાસે આવે છે.છેલ્લા ૩પ વર્ષથી ખૂબ જ દિવ્ય અને પવિત્ર એવા ભાભર નગરમાં અનેક સંતોના આશીર્વાદ અને ગૌકૃપા અને દાતાઓના નિરંતર સહકારથી જલારામ ગૌશાળાના નામે પૂણ્યની પ્રેરણાદાયી પરબ ચાલી રહી છે.

જલારામ ગૌશાળા ભાભર ખાતે સંપૂર્ણ સાધનોથી સજ્જ આધુનિક ગૌ હોસ્પિટલ, લેબોરેટરી,ઓપરેશન થીયેટર,એક્ષરે વિભાગ,દાઝેલી ગાયો માટે બર્ન એસી વોર્ડની સુવિધા છે.૪૦ વ્યક્તિઓ સાથેનો મેડીકલ સ્ટાફ ખડેપગે સેવા આપે છે.રોજેરોજ ૧૯ એમ્બ્યુલન્સના માધ્યમથી ૧પ થી ર૦ જેટલી લુલી, લંગડી,અપંગ, બિમાર, અકસ્માતગ્રસ્ત, અસહાય, નિરાધાર ગૌમાતાઓને ગૌશાળામાં લાવી પૂરતી સારવાર આપવામાં આવે છે.

ખૂબ જ મોટી સંખ્યામાં યુવાન ગૌભકતો પ્રતિદિન નિયમિત સેવા આપે છે.કૃષ્ણ ભગવાન જાણે કે હાજરાહજૂર હોય તે રીતે આ ગૌશાળાનું અતિશય કપરૂં કહી શકાય તેવું કાર્ય સરળતાપૂર્વક નિયમિત ચાલી રહ્યું છે. સારા કામમાં સો વિઘ્નની જેમ કયારેક નાની મોટી સમસ્યા આવે છે અને ટળી જાય છે એ પણ ગૌમાતા અને કૃષ્ણ ભગવાનની અસીમ કૃપા જ કહેવાય.પૂજ્ય જલારામ બાપા અને પૂજય હરીરામ બાપાની સતત અમીદ્રષ્ટિ, કરૂણા અને કૃપા ધરાવતી આ ગૌશાળાને પરમ શ્રધ્ધેય સંત પૂજય આનંદપ્રકાશ બાપુ, પ.પૂ.આચાર્ય દેવ શ્રીમદ્‌ વિજય કનકપ્રભુ સૂરીશ્વરજી મ.સા.,આ.વિ.ભુવન શેખર સૂરીશ્વરજી મહારાજા, શક્તિસ્વરૂપા મા રમાદેવીજી હરીયાણી, આ. કીર્તિયશસૂરીશ્વરજી મ.સા.,પ.પૂ.ગુરૂદેવ ચંદ્રશેખર વિ.મ.સા.,પ.પૂ. તુલસારામજી મહારાજ બ્રહ્મધામ આસોતરા સહિત અનેક સંતો,મહંતો, સાધ્વીઓ, બ્રહ્મદેવો, વિદ્વાનોના અખંડ, અતૂટ, અમાપ, અલૌકિક આશીર્વાદ છે.

જલારામ ગૌશાળા અને ૧૦૦ એકરમાં પથરાયેલ હરિધામ ગૌશાળામાં હાલમાં ૭૦૦૦ (સાત હજાર) જેટલી ગાયો મોજ કરે છે અને આવતા દિવસોમાં ૧૧૦૦૦ ગાયોની સાચવણી થાય તેવી વિશેષ સુવિધા પણ થઈ રહી છે.ભાભરની ગૌશાળા માટે ર૦૦ પેજનુંં સરસ પુસ્તક લખી શકાય એટલી વિગતો છે પણ આજે મારે અહીં તા.ર૭-૧૧-ર૦ર૧ હનુમાનજીના પરમ પવિત્ર દિવસ શનિવારથી અમદાવાદ ખાતે શરૂ થનાર કળશ યાત્રા તેમજ ગૌકૃપા કથા મહોત્સવ વિશે થોડીક વિગતો આપવી છે. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તા.ર૮-૧૧-ર૦ર૧ થી તા.૪-૧ર-ર૦ર૧ (શનીવાર) સુધી પ્રતિદિન સાંજે ૩.૩૦ થી ૭ દરમિયાન ચાલનારી આ કથામાં અનેક ગૌપ્રેમીઓ,દાતાઓ, કથારસિકો,ધર્મપ્રેમીઓ, સહયોગીઓ પધારનાર છે.જે ખૂબ જ પૂણ્યશાળી, ભાગ્યશાળી અને નસીબદાર હશે એ વ્યક્તિ જ આ કથામાં ઉપસ્થિત રહીને હરિગુણનો લાભ લઈ શકશે.

વ્યાસપીઠ ઉપર ખૂબ જ તેજસ્વી, મેઘાવી, તપસ્વી, યશસ્વી,ઓજસ્વી, ક્રાંતિકારી ગૌભકત કે જે ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રભકત, દેવી ભકત અને ભૈરવ ઉપાસક છે તેઓ બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવશે.આ સંતનાં દર્શન કરવાં કે તેમના સ્વમુખે કથા સાંભળવી એ પણ પરમ સૌભાગ્ય જ કહી શકાય.

ગૌસેવા,પર્યાવરણ,સંસ્કૃતિરક્ષા, રાષ્ટ્રરક્ષા કાજે ઉઘાડા પગે ૮ર૦૦૦ (બ્યાસી હજાર) કી.મી.ની પદયાત્રા કરનાર આ પરમ વંદનીય સંત અત્યાર સુધીમાં ૧૮૦૦૦ ગામડાં, કસબા, શહેરોમાં ગૌકૃપા સત્સંગ કરી ચૂકયા છે અને અનેકજનોનાં દુઃખ દૂર કરી તેમને સન્માર્ગે વાળ્યા છે.તેમણે લાખો વૃક્ષો વવરાવ્યાં છે તો અનેક રખડતી ગાયોને માલિકોના ઘરોમાં બંધાવી સંસ્કૃતિ રક્ષાનું અતિ પવિત્ર કાર્ય કર્યું છે.તેઓ કોઈની પણ પાસેથી દાન,ધર્માદો, ભેટ, દક્ષિણા, રૂપિયા, પૈસા, વસ્ત્ર કે કંઈપણ સ્વીકારતા નથી.

તેઓ મોબાઈલ, પથારી, અંગત આવાસ,અનાજ,પગરખાં વિગેરેનો પણ ઉપયોગ કરતા નથી.તેમણે ૯ વર્ષ સુધી અખંડ પદયાત્રા કરી છે.જેમના દર્શન માત્રથી આપણે પ્રભાવિત થઈને પ્રેરણા પામી શકીએ તેવા આ સંતની કથા સાંભળવી એ પણ જીવનની એક ઉપલબ્ધિ, સિદ્ધિ કે સફળતા જ કહી શકાય.

ગૌશાળા સાથે સંકળાયેલા તમામ સેવકો ઉપર મા લક્ષ્મીજીની કૃપા નિરંતર વરસતી રહે છે છતાં પણ જમીન ઉપર જ પગ રાખીને નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરતા આ સેવકો વંદન અને અભિનંદનના અધિકારી છે.મારા પરમ મિત્ર ગૌસેવક એલ.બી.ઠક્કરે જયારે ફોન ઉપર વાત કરી ત્યારે આ કથા, સંત અને ગૌશાળા વિષે થોડુંક લખવાની ઈચ્છા થઈ ગઈ.સુખદેવભાઈ લાડલીવાળા, મહેશભાઈ ગણાત્રા અને રમેશભાઈ પૂજારા જયારે આમંત્રણ માટે રૂબરૂ અમદાવાદ મળ્યા ત્યારે પણ ગૌશાળા, સંત અને કથા વિષે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ. મહેશભાઈ ઉદેચાએ પણ સતત ગૌકથાના પ્રચાર માટે મને વ્યક્તિગત જાણ કરી.

જલારામ ગૌશાળા અને હરિધામ ગૌશાળામાં પ્રકાશભાઈ છાપલાના માધ્યમથી શરૂઆતના વર્ષોમાં મારે વૃક્ષારોપણ અર્થે પણ જાેડાવાનું બન્યું હતું.દિનેશભાઈ અનડા પરિવારે ગૌશાળામાં કથા રાખી ત્યારે અને તાજેતરમાં માનનીય રાજયપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી પધાર્યા ત્યારે પણ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી તેમજ સૌ પદાધિકારીઓ સાથે ગૌશાળાની મુલાકાત લેવાનું થયેલ.ભાભરની જલારામ ગૌશાળા એ ગોકુળ- વૃંદાવનનું જ બીજું સ્વરૂપ છે.કથા કરનાર સંત અને ગૌશાળામાં સેવા આપતા ગૌપ્રેમી કાર્યકરોનાં દર્શન કરી ધન્યતા અનુભવવા જેવી છે.આઠ દિવસ એટલે કે ૩ર કલાક ચાલનારી આ કથામાં મહત્તમ સમય ફાળવીને સૌ હાજર રહે, કથા સાંભળે અને ગૌસેવાર્થે યથાશક્તિ, યથાયોગ્ય યોગદાન આપી સહભાગી બને તો કથાની યથાર્થ સાર્થકતા પણ ગણાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.