સ્વબળે આગળ વધી, ખુમારીપુર્વકનું જીવન જીવી અલવિદા થયેલ ડીસાના અમૃતલાલ એન.ઠક્કર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

પડછંદ વ્યક્તિત્વ હોય કે આપણો અમાસની રાત્રિ જેવો ઘનઘોર કાળો પડછાયો હોય પરંતુ પરમપિતા પરમાત્માનો હુકમ થાય એટલે દરેકને આ ફાની દુનિયા છોડવી જ પડે છે.વઢિયાર પંથકમાં લોલાડા ગામ એક વિકસિત,ધાર્મિક, પ્રગતશીલ અને રાષ્ટ્રવાદી ગામ છે. આ ગામમાં એક સમયે ૭૦ જેટલાં લોહાણા પરિવારો વસવાટ કરતાં હતાં પણ કાળક્રમે ધીરે ધીરે કયાંકને કયાંક ધંધાર્થે સ્થળાંતરિત થયાં અને આજે તો લોલાડામાં માંડ સાત કે આઠ પરિવારો લોહાણાઓનાં છે.ખુમારી, કર્મઠતા,સાહસિકતા,ઉદારતા, પરોપકારીતા, ધાર્મિકતા જેવા અનેક સદગુણોથી હર્યોભર્યો કુદરતી રીતે આફતોથી ભરેલો છતાં પણ હૃદયની લાગણીઓથી છલોછલ એવો વઢિયાર પંથક મહેમાનગતિ માટે ખુબ જ જાણીતો છે.ભુતકાળમાં આ વિસ્તારમાં પંદર દિવસની મહેમાન ગતિ કરી હોય તો પણ સંબંધી રોકાવા માટે વધારે આગ્રહ કરે એવો આ વઢિયાર પંથક કુદરતના પડકારો સામે લડી લડીને અતિ મજબુત અને પરિપકવ બનેલો વિસ્તાર છે.સમગ્ર દુનિયામાં વિકાસની સાથે સાથે દુર્ગુણોની પણ પ્રગતિ થઈ તેની અસર આજે વઢિયાર પંથકમાં જાેવા મળે છે અને કયાંક માનવતા મરી ગઈ હોય તેવા બનાવો પણ આજે વઢિયાર પંથકમાં બને છે.

વઢિયાર જેવા એક સમયે સુકા કહેવાતા પ્રદેશમાં લીલીછમ લાગણીઓથી હર્યાભર્યા અનેક માણસો જન્મ્યા અને સમગ્ર ગુજરાતમાં કયાંકને કયાંક ઠરીઠામ થયા.લોલાડામાં નારણલાલ કાળીદાસ ગીરધરલાલ રામજીભાઈ પુજારા/ઠક્કર પરિવાર પણ એક મોટા વટવૃક્ષની જેમ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલ છે. આદરણીય નારણકાકા ખુમારીવાળા હતા અને તેમનું સમગ્ર પરિવાર પણ ખુમારી અને સાહસિકતા ધરાવતું પરિવાર છે.છેલ્લા ૪૦ વર્ષોથી ડીસા ખાતે રહેતા અમૃતલાલ નારણલાલ ઠક્કર પડછંદ વ્યક્તિત્વ ધરાવતા હતા અને બાહોશ,નીડર, સાહસિક હોઈ કયારેય ધંધામાં પાછા પડતા નહીં. ડીસા નગરમાં, દેશી, વાગડ, પારકર, થરી,મારવાડી, સિંધી, કચ્છી, વડનગરા, કાઠિયાવાડી એમ વિવિધ ગોળનાં અંદાજે ૧પ૦૦ રઘુવંશી લોહાણા પરિવારો વસવાટ કરે છે.આ બધાં જ પરિવારો સાથે વ્યક્તિગત સંબંધ કે નાતો ધરાવતા અમૃતલાલ એન. ઠક્કર દરેક પરિવારના સુખ દુઃખના સમયે અડીખમ ટેકો બનીને ઉભા રહેતા હતા.દરજી, નાઈ, પંચાલ, બ્રાહ્મણ, માળી, સુથાર,મોદી જેવી નાની મોટી તમામ જ્ઞાતિઓ સાથે પણ તેમનો અંગત નાતો હતો. જીવનમાં સંઘર્ષ સાથે એમને ગાઢ મિત્રતા હતી. જીંદગીના કપરા સમયમાં એ કયારેય નાસીપાસ થતા નહીં.૧ર-૯-૧૯૮૬ ના રોજ રેંજ ફોરેસ્ટ ઓફિસર તરીકે મારી બદલી શિહોરીથી ડીસા થઈ અને અનેક વડીલોના આશીર્વાદથી ૧૯૯૩ માં લોહાણા પ્રગતિ યુવક મંડળની સ્થાપના કરવાનું સદ્‌ભાગ્ય સાંપડયું.આ મંડળના સ્થાપક-પ્રથમ પ્રમુખ તરીકે અમૃતલાલ એન.ઠક્કરે તેમજ મંત્રી તરીકે વસંતભાઈ હેમંત ટાયર્સવાળાએ જવાબદારી સંભાળી.એ પછી તો વિવિધ પ્રમુખો બદલાયા અને વર્તમાનમાં આ સંસ્થાના પ્રમુખ તરીકે રજનીભાઈ માંડવીવાળા અને મંત્રી તરીકે પ્રકાશભાઈ ઓઢાવાળા અને તેમની ટીમ સરસ રીતે જવાબદારી વહન કરી રહેલ છે.અત્યારે તો આ સંસ્થા ઘણી મજબુત છે પણ શરૂઆતના સંઘર્ષના તબક્કામાં અમૃતલાલ એન. ઠક્કર અને નટુભાઈ મયુરવાળાએ પ્રશંસનીય પ્રયત્નો કર્યા હતા.

જલારામ મંદિર ડીસાના નિર્માણ વખતે પણ અમૃતલાલ એન.ઠક્કરે સૌ કાર્યકરોને પુરતું મનોબળ પુરૂં પાડયું હતું.રઘુવંશી દેશી લોહાણા મહાજન ડીસાના પ્રથમ પ્રમુખ રમેશભાઈ યુ.અખાણી અને એ પછીના પ્રમુખો રમેશભાઈ એમ.ઠક્કર (આર.ટી.ઓ.), ભગવાનભાઈ બંધુ, જમનાભાઈ વી.ઠક્કર સહિત સૌને અમૃતલાલ નો પુરતો ટેકો હતો.વર્તમાન સમયમાં પણ પુરતા ઉત્સાહથી કામ કરતા પ્રમુખ રજનીભાઈ બી. ઠક્કર (કુવરવાળા)અને મંત્રી દિનેશભાઈ વી.મજેઠીયા (દીપવાળા) સહિતની સમગ્ર ટીમને અમૃતભાઈ એન. ઠક્કરના પુરતા આશીર્વાદ હતા.અમારા પ્રિય સાહિત્યકાર કનુભાઈ આચાર્યને અમૃતલાલની વાતો ઉપરથી વઢિયાર પંથકની અનેક સાહસિક અને રમૂજી વાર્તાઓ પણ મળી રહેતી.લોલાડાના રઘુવંશી પુત્રો યોગેશભાઈ ઠક્કર (ડે.કલેકટર),ડૉ.હર્ષદભાઈ ઠક્કર (લુણાવાડા)તેમજ વિનોદભાઈ એમ.ઠક્કર (સેલ્સટેક્ષ ઓફિસર)વિગેરે પણ લોલાડાનું ગૌરવ વધારેલ છે.નીડરતા, નિખાલસતા, ધાર્મિકતા, નિયમિતતા, સ્પષ્ટ વકતા, કર્મઠતા, પરોપકારિતા, સાહસિકતા જેવા અનેક સદગુણોથી હર્યાભર્યા અમૃતલાલ કયારેક સ્પષ્ટ વાત કરે ત્યારે કેટલાકને ઝાટકો પણ લાગતો છતાં એમના મનમાં લેશમાત્ર વેરભાવની ભાવના નહોતી.વઢિયાર મહાજન છેલ્લા દસ વર્ષથી વધારે સક્રિય થયેલ છે.તેના પ્રથમ પ્રમુખ દેવચંદભાઈ મીલવાળા (રાધનપુર), દ્વિતીય પ્રમુખ રમેશભાઈ ઠક્કર (ગોચનાદવાળા) અને વર્તમાન પ્રમુખ સુરેશભાઈ જી.ઠક્કરે પણ સારા એવા પ્રયત્નો કરીને સમગ્ર દેશમાં પથરાયેલા વઢિયારી લોહાણાઓનું પ્રેરણાદાયી સંકલન કરવાનું કામ કરેલ છે.અમૃતલાલ ઠક્કરના કારણે વઢીયાર પંથકનાં વિવિધ ગામડાઓમાં પણ મારે જવાનું બનેલ અને તેની મહેમાનગતિનું આજે પણ સ્મરણ થાય છે. જયંતિભાઈ,નટુભાઈ, જશવંતભાઈ, પ્રવિણભાઈ, અરવિંદભાઈ, જીતુભાઈ અને અનસોયાબેનના લાકડવાયા ભાઈ અને આદરણીય નારણબાપા તેમજ ગોદાવરીબાના લાડકવાયા પુત્ર અમૃતભાઈએ જીંદાદિલ જીંદગી જીવીને આ દુનિયા છોડી છે.

છેલ્લા કેટલાક દિવસોથી પગની બિમારીને લીધે તેઓ પથારીવશ હતા ત્યારે તેમનાં ધર્મપત્ની જયાબેન ઠક્કર, દીકરાઓ મહેશભાઈ, શૈલેષભાઈ, દીકરી તરૂણાબેન, બેઉ પુત્રવધુઓ સહિત સમગ્ર પરિવારે વંદનીય અને અભિનંદનીય કહી શકાય તેવી સેવા કરી હતી.અમૃતલાલ સાથે અવારનવાર ફાફડા ખાવાની મોજ માણેલ એટલે બે મહીના પહેલાં જ હું, કનુભાઈ આચાર્ય અને મહેશભાઈ ઉદેચા તેમના નિવાસસ્થાને ફાફડા લઈને ગયેલ અને સાથે ફાફડાનો નાસ્તો કરી જુનાં સંસ્મરણો યાદ કરી મોજ કરી હતી.ગમે તેટલા પૈસા,પદ, પ્રતિષ્ઠા, લોખંડી શરીર કે મનોબળ હોય તો પણ કુદરત પાસે આપણે વામણા અને પાંગળા છીએ એ પાઠ કે ઉપદેશ અમૃતભાઈના જીવનમાંથી શીખવા મળ્યો.કોઈપણ સત્કાર્ય માટે અડધી રાત્રે જગાડો તો પણ તૈયાર એવા અમૃતલાલ એન.ઠક્કર જીંદાદીલ જીવન જીવીને પરમાત્માને પ્યારા થયા છે ત્યારે તેમને આદર, અદબપૂર્વક શ્રદ્ધાંજલી.પરમ પિતા પરમાત્મા એમના દિવ્ય અને પવિત્ર આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારજનોને પણ આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે દિવ્ય શ્રદ્ધાંજલી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.