વાહ..જીવી જાણ્યો એક ગૌરક્ષક વીરલો ભરતભાઈ કોઠારી…!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા એનાં નિર્ધારીત સત્કાર્યો કરાવવા માટે આ પૃથ્વી ઉપર ખાસ કિસ્સા તરીકે અમુક માણસોને મોકલે છે.કુદરત તરફથી ગૌસેવાનો હુકમપત્ર લઈને ભરતભાઈ કોઠારી પણ આ પૃથ્વી ઉપર ખાસ કિસ્સામાં જન્મેલા અતિ સેવાભાવી, નીડર, ગૌરક્ષક અને સાચા સમાજસેવક હતા. પિતા અમૃતલાલ ચુનીલાલ કોઠારી અને માતા શાંતાબેનના પરિવારમાં તા.ર૪-૦૯-૧૯પ૯ ના રોજ રાજપુર (ડીસા) ખાતે જન્મેલા ભરતભાઈ કોઠારીએ એસ.એસ.સી.નો અભ્યાસ એસ.બી.ડબલ્યુ હાઈસ્કૂલમાંથી પૂર્ણ કરી પિતાના વ્યવસાયમાં ઝુકાવ્યું.જગતપિતા પરમ કૃપાળુ પરમાત્મા અને મહાવીર ભગવાને જાણે કે ખાસ કિસ્સામાં ભરતભાઈને આ પૃથ્વી ઉપર જીવદયા,અબોલ પશુઓની સેવા અને ગૌરક્ષા માટે જ મોકલ્યા હોય તેમ ૧૯૯ર થી તેમણે ગૌસેવાનું સત્કાર્ય શરૂ કર્યું. શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ સાથે એમનું ઘનિષ્ઠ સંકલન રહ્યું. અનેક દાતાઓ અને માર્ગદર્શકોની શુભ લાગણી, અદમ્ય ભાવના અને અહર્નિશ સમર્પણથી ભરતભાઈ કોઠારીને પણ બળ પ્રાપ્ત થયું.જન્મે જૈન પરંતુ કર્મે જાણે કે ક્ષત્રિય હોય તેમ સંપૂર્ણ નીડરતા સાથે તેઓેએ કસાઈઓને પડકાર આપ્યો અને સંપૂર્ણ હિંમતથી જીવોની રક્ષા કરવા માટે કમર કસી.લાખો પશુઓને એમણે કતલખાને જતાં બચાવ્યાં છે.અનેક સંસ્થાઓ સાથે પણ ભરતભાઈ કોઠારીનું સંકલન હતું.

તેમના ભાઈઓ અરવિંદભાઈ, અશોકભાઈ, શ્રેણિકભાઈ તેમજ બહેનો કોકીલાબેન, સ્મિતાબેન સહિતનું સમગ્ર પરિવાર પણ સારી રીતે સેટ થયેલ છે અને ભરતભાઈ કોઠારીની કામગીરીથી રાજીપો અનુભવતું દયાળુ પરિવાર છે.ભરતભાઈ કોઠારી જે મળે તેનો સહયોગ લેતા અને કયારેક કોઈ સંગાથે ના આવે તો પણ જીવદયા માટે એકલવીર બનીને કસાઈઓ સામે ઝઝૂમી પશુઓને મુકત કરાવતા.ડીસા નગર ઉપરાંત સમગ્ર બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, ગુજરાત, મુંબઈ સહિત સમગ્ર ભારતભરમાં એક આગવી નામના ધરાવતા ભરતભાઈ કોઠારીની કામગીરીને અનેક સંસ્થાઓ, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર એમ સૌએ સમયે સમયે બિરદાવી છે. મોટા ભાગના તમામ જૈન સાધુ ભગવંતો-સાધ્વીઓના અઢળક આશીર્વાદ ધરાવતા ભરતભાઈ કોઠારીને તમામ હિંદુ સંતોના પણ ભરપુર આશીર્વાદ હતા.રાજકીય રીતે પણ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને જયારે જયારે જીવદયાની કે ભરતભાઈ કોઠારીની વાત આવે ત્યારે તમામ પક્ષોએ કે રાજકીય આગેવાનોએ ભરતભાઈને પૂરતો સહકાર આપ્યો છે.તેમનાં ધર્મપત્ની નૂતનબેન, તેમના દીકરાઓ અર્પિત કોઠારી (મો.૯૮૩૩રર૦૧૪૪) દર્શન કોઠારી (મો. ૯૯૭૪૪૪૬રપ૧) અને દીકરી પૂજા સહિતનો સમગ્ર પરિવાર ભરતભાઈ કોઠારીની કામગીરીથી રાજીપો અનુભવી સહકાર આપતો હતો.વર્તમાન સમયમાં રાજપુર ડીસા પાંજરાપોળમાં ૮૦૦૦ જેટલાં પશુઓ નિર્વાહ કરી રહેલ છે.ભરતભાઈ સાથે વિમલભાઈ બોથરા અને રાકેશભાઈ ધારીવાલ જેવા જીવદયાપ્રેમીઓ પણ પ્રભુને પ્યારા થયા છે એમને પણ દિવ્ય શ્રદ્ધાંજલી.

જેની અહીં જરૂર છે તેની ઉપર પણ જરૂર છે એવી લોકવાયકા મુજબ ભરતભાઈ કોઠારી સૌના લાડીલા હતા અને પૃથ્વી ઉપર જીવદયા કાજે તેમની હજુ વધારે જરૂર હતી.કુદરતના નિયતક્રમ આગળ આપણું કંઈ જ ચાલતું નથી અને ભરતભાઈની ઉપર પણ જરૂર હશે જ તેમ માનીને આપણે આશ્વાસન લીધા સિવાય છૂટકો પણ નથી.તા.ર૭-૧ર-ર૦ર૦ ને રવિવારે ખુબ જ નીડર, ઉત્સાહી અને જાેમવંતા એવા ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રા એમના રાજપુર નિવાસસ્થાનેથી નીકળી ત્યારે સૌની આંખોમાં આંસુ હતાં. એમની અંતિમ યાત્રા રાજપુરથી રિસાલા ચોક,મેઈનબજાર,ફુવારા સર્કલ,સાંઈબાબા મંદિર, જલારામ મંદિર, દીપક હોટલ, એરપોર્ટ રોડ થઈ કાંટ ગૌશાળા ખાતે પહોંચી ત્યારે રસ્તામાં અસંખ્ય માણસોએ પુષ્પાંજલી અર્પણ કરી દર્શન કર્યા અને ભાવભીની શ્રદ્ધાંજલી પણ અર્પણ કરી. ભગવતી સાડી શો રૂમ પાસે જયારે હું, કનુભાઈ આચાર્ય, નાથાભાઈ ખત્રી, મહેશભાઈ ઉદેચા સહિતના મિત્રો પુષ્પાંજલી અર્પણ કરવા પહોંચ્યા ત્યારે જૈનોનું આયોજન, વ્યવસ્થા, સંકલન તેમજ સંચાલન જાેઈને વિશેષ ગૌરવ થયું અને અમો સૌને પણ જૈન યુવાનો તેમજ આગેવાનોએ આદરણીય ભરતભાઈ કોઠારીને પુષ્પાંજલી કરવા માટે સુચારૂ વ્યવસ્થા કરી આપી. ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રા જાેઈને મારાથી પણ બોલાઈ ગયું ઃ વાહ..જીવી જાણ્યો એક ગૌરક્ષક વીરલો ભરતભાઈ કોઠારી…! જાહેર જીવનના અનેક મહાનુભાવો પણ ભરતભાઈની સ્મશાન યાત્રામાં જાેડાયા. ભરતભાઈ કોઠારીના ખુબ જ વફાદાર, વિશ્વાસુ મહેતાજી રાજુભાઈ ઠક્કર અને તેમના સુપુત્ર અર્પિત કોઠારી પાસેથી શકય તેટલી માહિતી મેળવી ભરતભાઈ કોઠારીનો ગુણાનુવાદ કરવા નમ્ર પ્રયાસ કર્યો છે. ૧૯૯૭ માં પશુઓને બચાવવા જતાં તેમના ઉપર જીવલેણ હુમલો થયો ત્યારે પણ સમગ્ર ડીસા નગર અને બનાસકાંઠાના લોકો સંગઠિત થઈ તેમની પડખે ઉભા રહ્યા હતા.જીવદયા માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર ભરતભાઈએ જીંદગીનો આખરી શ્વાસ કુતરાના જીવને બચાવવાનો પ્રયત્ન કરતાં છોડયો એ પણ જાેગાનુજાેગ છે.લાખો ગાયો, પશુઓ અને માનવોમાં ભરતભાઈ કોઠારી પ્રત્યે અપાર સદભાવના હતી.

ગૌપ્રતિપાલક, ગૌરક્ષક,લાખો પશુઓના તારણહાર એવા ભરતભાઈ તેઓના જીવદયાના કાર્યથી અમર થઈ ચૂકયા છે અને જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર ઉગશે ત્યાં સુધી તેમનું નામ કાયમી રહેશે.જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા એમના પવિત્ર આત્માને ચિરશાંતિ આપે અને આ પ્રકારનું જીવદયાનું કામ કરવા હજારો યુવાનોને શક્તિ બક્ષે તેવી ભાવના સાથે ભરતભાઈ કોઠારીના જીવનકાર્યને કોટિ કોટિ વંદન… અભિનંદન….અને દિવ્ય શ્રદ્ધાંજલી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.