વંદન કરવા લાયક ધર્મકાર્ય કરીને આ પૃથ્વી ઉપરથી અલવિદા થયેલ ખેડબ્રહ્મા નિવાસી જાણીતાં કથાકાર પૂજય વંદનાબેન ગોસ્વામી રૂ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ખુબ જ નાની ઉંમરે સર્વોત્તમ આધ્યાત્મિક, માનવીય, સેવાકીય સત્કાર્યો કરીને આ પૃથ્વી ઉપરથી અલવિદા થયેલ જાણીતાં કથાકાર પૂજય વંદનાબેન ગોસ્વામી મીઠીમધુરી સુવાસ છોડીને ગયાં છે. પિતા મહારાજ મહંત દલપતભારતી શિવભારતીજી ગોસ્વામી અને માતા સુમિત્રાબેનના પરિવારમાં તા. ૧૪-૭-૧૯૬૬ ગુરુપુર્ણિમાના પરમ પવિત્ર દિવસે પ્રથમ સંતાન તરીકે જન્મેલાં વંદનાબેન ગોસ્વામીએ એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યો હતો. ગુરૂપૂર્ણિમાનો જન્મ અને જાેગાનુજાેગ તા.૩૦-૧-ર૦ર૦ ને વસંતપંચમીને ગુરૂવારના પવિત્ર દિવસે તેઓ બ્રહ્મલીન થયાં.નાનપણથી જ આધ્યાત્મિક રંગે રંગાયેલાં વંદનાબેન ધો.૧૦ માં હતા ત્યારે સ્વાધ્યાય પ્રવચન કરતાં નથી નોકરી કરવી કે નથી સંસારમાં પડવું તેવા અડગ નિર્ણય સાથે આગળ વધતાં પૂજ્ય વંદનાબેનને પૂજ્ય ચંદુમા (ગઢશીશા), પૂજ્ય ડોંગરેજી મહારાજ, પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા જેવા વિવિધ સંતોની પ્રેરણા અને આશીર્વાદ મળ્યા હતા. વંદનાબેનનાં નાનાંબહેન વિણાબેન ગોસ્વામી એમ.એ., બી.એડ.,એલ.એલ. બી.કર્યા પછી શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહેલ છે તો તેમના નાના ભાઈ મનોજભારતી ગોસ્વામી પણ એમ.એ., એમ. એડ. (અંગ્રેજી) કર્યા પછી ખેરોજ આદર્શ હાઈસ્કૂલમાં અંગ્રેજી શિક્ષક તરીકે સેવા આપી રહેલ છે.પ૩ વર્ષ,૬ મહીના અને ૧૬ દિવસ આ પૃથ્વી ઉપર આધ્યાત્મિક આંટો મારી અનેકજનોને કથાનું રસપાન કરાવી પ્રેમ આપ્યો અને પ્રેમ પ્રાપ્ત કર્યો એવાં વંદનાબેને તેમના સમગ્ર જીવન દરમ્યાન ૧૬૩ જેટલી કથાઓ કરી હતી. શ્રીરામકથા કરવા માટે એમણે પૂજ્ય મોરારીબાપુના પ્રભાવથી પ્રેરણા મેળવી તો શ્રીમદ્‌ ભાગવત કથા કરવા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પ્રભાવથી પ્રેરણા મેળવી.શ્રી દેવી ભાગવત કથા કરવા તેમણે પૂજ્ય નવલશંકર શાસ્ત્રીજી અને પૂજ્ય કાલીદાસજી મહારાજ (દેકાવાડા) ના પ્રભાવથી પ્રેરણા મેળવી તો શીવપુરાણ કથા કરવા પૂજ્ય ગિરીબાપુના પ્રભાવથી પ્રેરણા મેળવી.શ્રી રામદેવજી કથા કરવા માટે તેમણે શ્રી વાળીનાથ કોઠારી ગોવિંદગીરીજી બાપુ પાસેથી પ્રેરણા મેળવી હતી. તા.રર-૧-ર૦૧૯ ના રોજ પેટમાં ગાંઠ જાેવા મળતાં કેન્સરનું નિદાન થયું અને મહેસાણા શંકુઝ હોસ્પિટલ ખાતે ડૉ.નીરાલીબેન ત્રિવેદીની સારવાર લીધી. એપોલો હોસ્પિટલમાં ડૉ.વિવેક બંસલની પણ તેમણે સારવાર લીધી. કેન્સરના નિદાન પછી અને સારવાર ચાલુ હોવા છતાં પણ તેમણે તા.૧૮-પ-ર૦૧૯ હરિદ્વાર ખાતે અને તા.ર૪-પ-ર૦૧૯ ના વૃંદાવન ખાતે શ્રીમદ ભાગવત કથાઓ કરી તેમજ ૪-૯-ર૦૧૯ હરિદ્વાર ખાતે ઉમિયાધામમાં છેલ્લી ભાગવત કથા કરી. દહેગામ તાલુકાના વહેલાવ માતાજીના ડૉ.અનંતાનંદજીની આયુર્વેદિક સારવાર પણ લીધી છતાં કુદરતના ક્રમ મુજબ નિર્ધારીત સમયે તેમણે આ દુનિયા છોડી.પૂજય મોરારી બાપુ ૧પ૦ કથાકારો અને પ૦ સાહિત્યકારોને થાઈલેન્ડ કથામાં લઈ ગયેલ તેમાં પણ પૂજ્ય વંદનાબેન ગોસ્વામીનો ર૦૧૧ માં સમાવેશ થયેલ.ટંેટોડા, વારાહી, વસઈ, મુંબઈ સહિતની ગૌશાળાઓ માટે એમણે કોઈપણ પ્રકારની દક્ષિણા સ્વિકાર્યા સિવાય કથાઓ કરી હતી. ઋષિકેશ, ભાભર,ડીસા, ચિત્રકુટ, કલકત્તા, અમદાવાદ, આણંદ, થરા, બદ્રીનાથ, મુંબઈ જેવા અનેક સ્થળોએ તેમની કથાઓ થઈ હતી. તેમને સાંભળવાવાળો એક મોટો ચાહક વર્ગ ગુજરાત અને ભારત દેશમાં છે. અમદાવાદ -ભાભરના લોહાણા સમાજના ભાઈઓએ જલારામ યાત્રા સંઘ નિમિત્તે અંદાજે ૧૦ થી ૧પ કથાઓ કરાવી હતી. વંદનાબેને તેમની નાનીબેન વિણાબેનની એક દિવ્યાંગ દિકરી પાયલની ર૦ વર્ષ સુધી સેવા કરી. જરૂરીયાતમંદ, ગરીબ તેમજ આર્થિક રીતે નબળી દીકરીઓને લગ્ન સમયે ભેટ કે આર્થિક મદદ કરવાનો સિલસીલો પણ વંદનાબેને તેમના જીવન દરમ્યાન સતત જાળવ્યો. આ દિવ્યાંગ દિકરી પાયલની વેદનાને હાલના સમયમાં તો માત્ર ભગવાન જ સમજી શકે તેવી સ્થિતિ છે.આ ભાણી પાયલ (સ્વીટુ-ખુશ્બુ)ને વંદનાબેન પ્રત્યે આગવો લગાવ હતો અને તમામ કથાઓ કે સત્સંગમાં પણ તે સાથે રહેતી અને વંદનાબેન પણ તેની પુરેપુરી કાળજી લેતાં. પૂજ્ય વંદનાબેનના ખુબ જ સંસ્કારી અને ધાર્મિક પિતા પૂજ્ય મહારાજ દલપતભારતીજી મોે. ૮૧ર૮૬૩પ૬ર૧-૯૪ર૭૪ર૦૦પ૧ પણ સમગ્ર પરિવારની માવજત માટે પુરતા સજાગ હતા અને વંદનાબેનના આધ્યાત્મિક માર્ગે જવાના નિર્ણયમાં સહકાર આપી તેમની સાથે શકય તેટલો વધુ સમય આપતા હતા. પૂજ્ય વંદનાબેનની વસમી વિદાયથી સમગ્ર ખેડબ્રહ્મા પંથક, ગુજરાત પ્રદેશ અને રાજય બહારના પણ તેમના ચાહક શ્રોતાઓ અતિશય દુઃખી થયા છે. પૂજ્ય વંદનાબેનની હયાતીમાં તેમના વિષે લખવાની પરમાત્માએ મને તક આપી હતી તેનો વિશેષ આનંદ હતો જ પરંતુ આજનો આ લેખ ભારે હૃદયે પૂજય વંદનાબેનને શ્રદ્ધાંજલી અર્પવા અને તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટે જ લખ્યો છે. પૂજય વંદનાબેનના આધ્યાત્મિક સત્કાર્ય,દિવ્ય વાણી અને તેમની કાર્યશક્તિ વિશે વિવિધ અખબારોએ અને ન્યુઝ ચેનલોએ પણ ભુતકાળમાં અનેકવાર નોંધ લીધી છે. સંસારી જીવનનો સ્વિકાર ના કરી આધ્યાત્મિક માર્ગ અપનાવવો અને પ્રભુના ગુણ ગાતાં ગાતાં જીવન જીવી આ દુનિયા છોડવી એ વંદનાબેન જેવો કોઈ પુણ્યશાળી આત્મા જ કરી શકે.વિવિધ લેખકોએ પણ પોતાની કલમ દ્વારા પૂજ્ય વંદનાબેનની કામગીરીની પ્રશંસા કરેલ છે.મારા સ્નેહી મિત્ર અમરતભાઈ જાેષી (પાલનપુર) એ મને ફોન કરી વંદનાબેનની વિદાય વિશે સમાચાર આપ્યા ત્યારે મને પણ આઘાત લાગ્યોે.પૂજ્ય દલપતભારતીજી પાસેથી જે કંઈ વિગતો મળી તે મેળવીને પૂજ્ય વંદનાબેનના આધ્યાત્મિક જીવનને અનેકજનો સુધી પહોંચાડવાનો મેં અહીં પ્રયાસ કર્યો છે. પરમાત્મા
એના સતકાર્ય કે સંદેશ માટેે કોઈને કોઈ વ્યક્તિને નિમિત બનાવે છે અને તે રીતે જ વંદનાબેન પણ આ પૃથ્વી ઉપર નિમિત માત્ર બનીને ભગવાનનુંં કાર્ય કરવા આવ્યાં હતાં. પોતાના જીવતરને વૈરાગી રંગ લગાડી બેદાગ જીવન જીવી વંદનાબેને અનેક બહેનોને પણ પ્રભુમય જીવન જીવવા સર્વોતમ પ્રેરણા પુરી પાડી છે. ડીસા, ટેટોડા, વારાહી, થરાની કથાઓમાં તો એક શ્રોતા તરીકે મને પણ ઉપસ્થિત રહેવાની અને બે શબ્દો કહેવાની તક મળી હતી. કથાના માધ્યમથી અનેકજનોના જીવનમાં પરિવર્તન લાવનાર ગૌપ્રેમી, ગૌસેવક પૂજ્ય વંદનાબેનના જીવનકાર્યને કોટિ કોટિ વંદન…અભિનંદન સાથે સાથે ભાવભીની શ્રદ્ધાંજલી.. દિવ્યાંજલી..આદરાંજલી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.