માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે..

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આસો સુદ એકમથી આસો સુદ ૯ નવ દિવસ માતાજીના ગુણલાં ગાવાનાં, ભક્તિ કરવાની, ગરબા ગાવાના, ગરબાના તાલે નૃત્ય કરવાનું આ રીતે શારીરીક, માનસિક અને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાની. તેથી આ તહેવારને માતાજીની ભક્તિ અને શક્તિની ઉપાસનાના તહેવાર નવરાત્રી તરીકે ઉજવીને ધન્યતા અનુભવીએ છીએ.
અમે નાના હતા ત્યારે અમારા ગામ વાવ તા. જિ. બ.કાં.માં આ નવ દિવસો દરમ્યાન માત્ર પુરૂષો જ ગરબી રમતા. પુરૂષો જ ગવડાવે, નરઘાં કે ઢોલના તાલે રમાતી ગરબી માતાજીની ભક્તિની ઓળખ હતી. મંદીરમાં બધાં ભેગાં થાય અહીં માટીનો ઘડો લાવવામાં આવે તેમાં કાણાં પાડીને પછી રંગ કરવામાં આવે તેને ગરબો કહેતા. આ ગરબાને માથે ઉંચકીને ગાતાં ગાતાં ગામના ચોકમાં લાવતા. તેની સ્થાપના કરીને ચારેકોર ફરતા, ગરબી રમતા પુરૂષોની સાથે હું પણ ગરબી રમતો તેવું યાદ આવે ત્યારે રોમાંચીત થઈ જવાય છે.
કાળક્રમે અત્યારે ભાઈઓ અને બહેનો સાથે મળીને ભવ્ય રોશનીથી શણગારેલા મંડપમાં રમાતા ગરબા વધારે પ્રસસ્ત લાગે છે, યુવાન હૈયાં હીલોળે ચઢે છીે અને મન મુકીને મોડા સુધી માતાજીની ભક્તિના નામે ગરબા ગવાતા હોય છે .તેમાં સુર અને તાલનો સુભગ યોગ સાધવામાં આવે છે તેથી ગરબાને સૃષ્ટીના તાલ અને લય સાથે એકતા સાધવાની ઉપાસના કરવામાં આવે છે.
આ સમગ્ર બ્રહ્માંડમાં એક લય છે, સુર અને તાલ છે, જેને આધુનિક વિજ્ઞાન કોસ્મીક એનર્જી કહે છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ અને હજારો ગ્રહ, નક્ષત્રો, નિહારીકાઓ પણ આ બ્રહ્માંડમાં તેમના તાલ પ્રમાણે જ વિચરણ કરે છે. વૃક્ષોનાં પાંદડામાંથી સર સર કરતો વહેતો પવન ખળખળ અવાજ સાથે વહેતાં ઝરણાં અને કોલાહલ સાથે કીનારે અફળાતા સમુદ્રનાં તરંંગી મોજાં બધામાં લય, લય અને માત્ર લય જ દ્રષ્ટીગોચર થાય છે. તેને અનુભવવાનું અને અનુકરણ કરવાનું તાત્પર્ય આ ગરબામાં જાેવા મળે છે.
જેવી રીતે બ્રહ્માંડમાં તાલ, લય અને સૂર છે તેમ આપણા શરીર રૂપી પીંડમાં પણ વહેતા લોહીના ધબકારમાં કરોડો શેલમાં પણ એક લય અને તાલ છે. જાે એ તાલ ચુકી જવાય તો ડાૅકટર્સ એને બી.પી.ની વધ ઘટ કહે છે. જે બીમારીનું કારણ ગણાય છે.તે રીતે સમાજમાં, પરિવારમાં કે પાડોશમાં જીવાતા આપણા જીવનમાંપણ એક લય હોય છે. સંબંધો બાંધવા તેને સાચવવા અને સંવર્ધિત કરવા માટે પણ લય તાલ અને સુરની આવશ્યકતા છે. ઘર, પરિવારમાં જ જાે સંબંધોનો લય ન હોય તો અન્ય જગ્યાએ તેને પ્રગટ કરવી કે સાચવવી ઘણી જ મુશ્કેલ હોય છે.તેથી સંતો મહંતો અને આપણાં શાસ્ત્રો આપણને સમાજ, ઘર, પરીવાર અને પાડોશમાં એક તાલ થઈને સુમેળથી રહેતાં શીખવાનું સુચન કરે છે.
આ સૃષ્ટીના લયને પામવાની શરૂઆત ગરબાના લય સાથે તાલમેલ કરીને કરીએ એવા શુભઆશય સાથે આપણા ઋષિ મુનીઓએ આપણને ગરબી કે ગરબે રમતાં શીખવ્યું હશે તેવું અનુમાન અસ્થાને નથી.
હમણાં જ ઉજવેલાં આ નોરતાંમાં ગરબે ખુબ રમ્યા છીએ. ગરબાના સુર, તાલ અને લયનો અનુભવ કરીને આનંદની અનુભૂતિ કરી છે તેવી રીતે ઘર, પરિવાર, પડોશીઓ અને સમાજનાં દરેક વ્યક્તિઓ સાથે તાલમેલ કરીને લયબદ્ધ જીવન જીવતાં શીખીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.