બ્રેસ્ટ કેન્સરના સ્વઅનુભવમાંથી સાજા થયા બાદ કેન્સર પીડિતો માટે જ પ્રેરણાદાયી કામ કરતાં રાજનંદગાંવ (છત્તીસગઢ) નાં શ્રીમતી સિધ્ધિબેન મીરાણી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આફતને પણ અવસરમાં ફેરવીને અનેકજનોને ઉપયોગી થવાવાળા મહામાનવો આ પૃથ્વી ઉપર અને ભારતમાં છે જે આપણા સૌનું સદનસીબ તેમજ પરમપિતા પરમાત્માની અસીમ કૃપા જ કહેવાય. પિતા બીપીનભાઈ વિઠલદાસ લાખાણી તેમજ માતા બીનાબેનના પરિવારમાં છત્તીસગઢ રાજ્યના દુર્ગ શહેરમાં તારીખ ૩-૧૦-૧૯૭૯ ના રોજ જન્મેલ અને હાલે શ્ર્‌વસુર ગામ રાજનંદગાંવ શહેરમાં રહેતાં શ્રીમતી સિધ્ધિબેન વિવેકભાઈ મીરાણી ખૂબ જ સેવાભાવ તેમજ સમર્પિત ભાવથી પરોપકારી જીંદગી જીવીને અનેકજનોને અનોખી પ્રેરણા પૂરી પાડી રહેલ છે.પ્રાથમિક શિક્ષણ,માધ્યમિક શિક્ષણ,બી.એ.,એલ.એલ.બી.,એમ.એ. વીથ ઈકોનોમિકસ એમ તમામ અભ્યાસ દુર્ગ ખાતે જ પૂર્ણ કર્યા બાદ રાજનંદગાંવના બિલ્ડર વિવેક મીરાણી સાથે તેમનાં લગ્ન થતાં તેઓ હાલ રાજનંદગાંવ (છત્તીસગઢ) માં નિવાસ કરે છે.
વર્ષ ૨૦૧૭ માં તેમને બ્રેસ્ટ કેન્સર થતાં પ્રાથમિક સ્ટેજમાં જ ખ્યાલ આવી ગયો હતો.આ બાબતે કેન્સરના નિષ્ણાત કોઈ જેન્ટસ ડોક્ટર પાસે સારવાર કરાવવાની તેમની ઈચ્છા નહોતી.તેમણે કેન્સરનાં નિષ્ણાત એક લેડી ડોક્ટરને બતાવ્યું પણ તેમણે ખોટું નિદાન કરી મિસગાઈડ કરતાં બિનજરૂરી દવાઓ લેવી પડી.સમય વિતતાં ધીરે ધીરે કેન્સર થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું હતું.

મેમોગ્રાફી કરાવતાં તેની ગંભીરતાનો વધારે ખ્યાલ આવ્યો પણ આઠ મહિના જેવો સમય વીતી ચૂકયો હતો.જાેકે બ્રેસ્ટ સિવાય બોડીના અન્ય ભાગોમાં કેન્સર સ્પ્રેડ થયું નહોતું તે પણ કુદરતની કૃપા જ કહેવાય.તેમણે તાત્કાલિક જરૂરી ટ્રીટમેન્ટ કરાવી.કીમોથેરાપી,રેડીએશન વિગેરે સારવાર લીધી.ખૂબ જ સાત્વિક,પ્રમાણિક અને ધાર્મિક એવાં સિધ્ધિબેને પરમપિતાને ફરિયાદ પણ કરી કે આવું દર્દ મને શા માટે ? જાે કે ઓપરેશન પછી ખૂબ જ સારી રિકવરી થતાં પરમાત્માનો તેમણે આભાર પણ માન્યો.કેન્સર પીડિત અનેક લોકો માટે મારો ઉપયોગ કરવાનો હશે એટલે જ પરમાત્માએ સ્વ અનુભવ કરાવવા માટે જ આ દર્દ મોકલ્યું હશે એમ સમજીને તેમણે સંતોષ મેળવ્યો.બ્રેસ્ટ કેન્સરનો સ્વ અનુભવ અને તેમાંથી આવેલ રિકવરી બાદ તેમણે કેન્સર કાઉન્સિલર તરીકેની પ્રેરણાદાયી કામગીરી શરૂ કરી.છેલ્લા પાંચ વર્ષથી તેમની સિધ્ધિ ફાઉન્ડેશન-ધી સોર્સ ઓફ સ્ટ્રેન્થ નામની એન.જી.ઓ.-સેવાભાવી સંસ્થા ચાલે છે

જેનું તાજેતરમાં જ રજીસ્ટ્રશન થયું છે. તેમની ખૂબ જ લાડકવાયી બે દીકરીઓ મનસ્વી ધોરણ આઠ માં તેમજ લાઈસા ધોરણ ચાર માં અભ્યાસ કરે છે.તેમણે કેન્સર કાઉન્સેલીંગ માટે ઓનલાઈન કોર્ષ પણ કર્યો હતો.છેલ્લા પાંચ વર્ષમાં કેન્સર પીડિત ૭૫ જેટલા દર્દીઓને કેન્સર અંગે માર્ગદર્શન તેમજ હિંમત આપી તે તમામ દર્દીઓના જીવ બચાવ્યા છે.છત્તીસગઢ રાજ્યના બાળ અને મહિલા વિભાગ સાથે સંપર્કમાં રહી તેઓ કામ કરે છે.રાજનંદગાંવના મેયર,કલેક્ટર સહિત સમગ્ર વહિવટી તંત્ર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમને મદદરૂપ થઈ સહકાર આપે છે.તેમનાં પૂજ્ય સાસુમા હંસાબેન મીરાણી તેમજ સિધ્ધિબેનના આદરણીય પતિદેવ વિવેકભાઈ મીરાણીનો તેમને અતિશય સહકાર તેમજ આશીર્વાદ છે.

તાજેતરમાં જ વિશ્ર્‌વ લોહાણા મહાપરિષદના કર્મઠ પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,વરિષ્ઠ ઉપપ્રમુખ જીતુભાઈ ઠકકર (નાશિક),મંત્રીઓ હરિશભાઈ ઠકકર,ડો.સુરેશભાઈ પોપટ તેમજ ઝોન-૧૧ના ઉત્સાહી પ્રમુખ કિસનભાઈ મીરાણી સહિત અનેક અગ્રણીઓએ સિધ્ધિબેન મીરાણીનું સેવાકીય એવોર્ડથી સન્માન કર્યું ત્યારે આ ફંકશનમાં મારી હાજરી હોવાને લીધે આજે સિધ્ધિબેન વિષે કશુંક લખવાનો વિચાર આવ્યો.અનેક લોકોને કેન્સરથી બચવા પ્રેરણા અને માર્ગદર્શન આપતાં સિધ્ધિબેન એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે.કોરોના સમયગાળા દરમિયાન તેમણે કેન્સર વિષે ઘણી બધી માહિતી મેળવી હતી.યોગ્ય ડાયગનોસીસ પછી બ્રેસ્ટ રિમુવલ ના થાય તેમજ કન્ઝરવેટીવ સર્જરી દ્રારા બહેનોને વિશેષ રાહત થાય તે દિશામાં તેઓ વધારે માર્ગદર્શન આપતા રહે છે.દુર્ગ,રાજનંદગાંવ,રાયપુરના ગ્રામીણ વિસ્તારોમાં કેન્સર અંગે તેઓ વધારે જાગૃતિ લાવી રહેલ છે.તેમને ખાસ અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૮૬૦૮૦૨૬૮૯ છે.

આગામી ફેબ્રુઆરીમાં “વર્લ્ડ કેન્સર અવેરનેસ ડે” આવી રહેલ છે ત્યારે પણ બાળકો અને મહિલાઓમાં કેન્સર અંગે વધારે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો તેઓ કરનાર છે.માઉથ કેન્સર તેમજ સ્ટમક કેન્સર વિષે પણ તેઓ જાગૃતિ લાવી રહેલ છે.કેન્સર જાગૃતિ અંગેના જે જે કાર્યક્રમો થાય તેમાં તેમનું સાલ,મોમેન્ટો,સન્માનપત્રથી અવારનવાર સન્માન થયેલ છે.તેમને સન્માન કરતાંય કેન્સર જાગૃતિમાં વધારે રસ છે.છત્તીસગઢના રાજનંદગાંવ શહેરમાં અંદાજે ૨૦૦ જેટલાં રઘુવંશી લોહાણા પરિવારો રહે છે.આ બધાનું મૂળ વતન તો ગુજરાત રાજ્યમાં જ છે.તેમના સસરા સુરેશભાઈ હીરજીભાઈ મીરાણી હયાત નથી પરંતુ તેમના દેવાશિષ-શુભાશિષ તેમની સાથે જ છે.

તેમની એક જ નણંદબા જાન્હવીબેન પૂનાના ખૂબ જ પ્રતિષ્ઠિત લોહાણા અગ્રણી પ્રભુદાસભાઈ માલાણી પરિવારમાં પરણેલ છે.ભવિષ્યમાં છત્તીસગઢ,ગુજરાત તેમજ ઓલ ઈન્ડિયામાં કેન્સર અવેરનેસ માટે વધારે કામગીરી કરવાની તેઓ ઈચ્છા ધરાવે છે.છત્તીસગઢનું રાયપુર શહેર તેમને ખૂબ જ ગમે છે.ગુજરાતમાં તેઓ ઘણું ફર્યાં છે પણ તેમને રાજકોટ અને વીરપુર વધારે ગમે છે.ઉત્તરાખંડનું હરિદ્વાર તેમનું પ્રિય ધાર્મિક સ્થળ છે.અત્યાર સુધી તેમણે સ્વખર્ચે જ કામ કર્યું છે.ભવિષ્યમાં મોટાપાયે કામ કરવાનું થશે તો જરૂરી ડોનેશન સ્વિકારીને કેન્સરના દર્દોઓને વધારે ને વધારે ઉપયોગી થવાની તેમની ભાવના છે.રાજકોટની ગ્રીવા ફાઉન્ડેશન સંસ્થા સાથે તેઓ સંકળાયેલ છે.અમીતભાઈ લાખાણીનાં ધર્મપત્ની ગ્રીવાબેન કેન્સર પીડિત હતાં તેથી તેઓ આ ક્ષેત્રમાં સેવાભાવથી જબરજસ્ત કામગીરી કરી રહેલ છે.સિધ્ધિબેન નીટેડ નોકલ ઈન્ડિયા નામની એન.જી.ઓ. સાથે પણ ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.

રાજનંદગાંવના કેન્સર રોગ માટે કામ કરતા તમામ સરકારી તેમજ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરોનો તેમને ખૂબ જ સારો સહકાર મળતો રહે છે.તેઓ ફોન ઉપર પણ કેન્સર પીડિત દર્દીઓને માર્ગદર્શન,આશ્ર્‌વાસન,હિંમત તેમજ સાંત્વના આપતાં રહે છે.”આરંભ” નામની સેવાભાવી એન.જી.ઓ. સાથે પણ તેમણે કામ કર્યું છે.કેન્સર જેવા અતિ ભયંકર રોગમાં નાશીપાસ થવાને બદલે ખૂબ જ હિંમતપૂર્વક તેનો સામનો કરી સાજા થઈ અનેકજનોને કેન્સર અંગે પ્રેરણા પૂરી પાડનાર અને અતિ મજબૂત મનોબળ ધરાવનાર સિધ્ધિબેન મીરાણી વંદન તેમજ અભિનંદનનાં સંપૂર્ણ અધિકારી છે.

ભવિષ્યમાં પણ તેઓ કેન્સર પીડિતોને ખૂબ જ ઉપયોગી થાય તેમજ પરમપિતા પરમાત્મા તેમનું સ્વાસ્થ્ય નિરામય રાખે તેવી સદભાવના સાથે સિધ્ધિબેનના વિચાર,કાર્ય તેમજ સેવાને કૉટિ કોટિ વંદન સાથે અઢળક શુભેચ્છાઓ….
જલોબાપો ભલું કરે…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ) ડીસા
મોબાઇલ…૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.