પશુપાલન, સજીવ ખેતી, વૃક્ષારોપણ અને કુદરતી જીવનના આધારે નિજાનંદી જીંદગી જીવતા દિયોદરના ડો.સોનાજી ચૌહાણ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

“તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ,સબસે હીલમીલ ચાલિએ નદી નાવ સંજાેગ.”પરમ વંદનીય,પૂજનીય સંત શ્રી તુલસીદાસજીની આ પંકિત મુજબ પરમપિતા પરમાત્માએ આ પૃથ્વી ઉપર ભાતભાતના લોકો મોકલ્યા છે. આ બધા સાથે હળીમળીને જીવીએ તોજ સાચી શાંતિ પ્રાપ્ત થાય.કોઈ છેતરીને રાજી થાય છે તો કોઈ છેતરાઈને રાજી થાય છે. કોઈ લૂંટીને રાજી થાય છે તો કોઈ લૂંટાઈને રાજી થાય છે.કોઈ પશુપક્ષીઓને ખવરાવીને આનંદ લે છે તો કોઈ પશુપક્ષીઓને જ ખાઈને આનંદ લે છે.કોઈ કુદરતનું શોષણ કરીને મોજ કરે છે તો કોઈ કુદરતનું પોષણ કરીને મોજ લે છે.અનેક પ્રકારનાં રાસાયણીક ખાતરો તેમજ જંતુનાશક દવાઓને લીધે આપણે ધરતીમાતાને તેમજ આપણી જાતને દુખીદુખી કરી નાખી છે.વિવિધ પ્રકારનાં કેન્સરનો મૂળ સ્ત્રોત ખોરાક થકી જમીન જ છે.

જમીનને બગાડવામાં આપણે સૌ વિશેષ જવાબદાર છીએ.પરમાત્માના લાડકવાયા કેટલાક ખેડૂતો વહેલા જાગી ગયા છે અને તેઓ જૈવિક ખેતી-સજીવ ખેતી તરફ વળ્યા છે. રાસાયણીક ખાતરોને બદલે છાણીયા ખાતર આધારિત ખેતીને લીધે તંદુરસ્ત જીવન જીવવાની એક સાચી દિશા મળે છે. ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર આજે ગુજરાત રાજ્ય, ભારત દેશ અને વિદેશોમાં મોટું સંશોધન ચાલી રહ્યું છે. પિતા માવજીભાઈ હરદાનભાઈ ચૌહાણ અને માતા કેસરબેનના પરિવારમાં ઓગડ વિસ્તારના દિયોદર ખાતે તારીખ ૧૭-૩-૧૯૫૬ ના રોજ જન્મેલા ડો.સોનાજી ચૌહાણ બનાસકાંઠા જિલ્લામાં સજીવ ખેતી ક્ષેત્રે આગવી નામના ધરાવતા મહામાનવ છે.

પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ દિયોદર ખાતે જ પૂર્ણ કરી પ્રિ.કોમર્સ તેમજ એફ.વાય.બી.કોમ.નો અભ્યાસ ડીસા કોલેજમાં તેમણે પૂર્ણ કર્યો.એક વર્ષ પશુધન નિરિક્ષક તરીકેનો કોર્સ બરોડા ખાતે કર્યો. ગુજરાત સરકારમાં પશુધન નિરિક્ષક તરીકે ૧૯૭૮ માં તેમને સૌપ્રથમ સરકારી નોકરી પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે મળી. એ પછી સૂરત જિલ્લાના માંડવી ખાતે બદલી થઈ. ૧૯૮૧ થી ૨૦૦૦ સુધી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં સેવા બજાવી. વર્ષ ૨૦૦૦ માં તેમણે સ્વૈચ્છિક નિવૃતી લીધી. નિવૃતી બાદ પશુપાલન અને સજીવ ખેતીનું પ્રકૃતિવાદી, માનવતાવાદી, રાષ્ટ્રવાદી, કલ્યાણકારી અભિયાન શરૂ કર્યું.

તેમની પાસે હાલમાં પાંચ કાંકરેજી ગાયો તેમજ બે બળદ છે.તેમની માલિકીની અંદાજીત ૩૦ વીઘા જમીનમાં તેઓ જૈવિક ખેતી કરીને રાયડો, એરંડા, બાજરી, તલ, મગ, ઘઉં, વરિયાળી, શાકભાજી (ઘર પૂરતું જ) જેવા વિવિધ પાકો લે છે. તેમણે દાડમની ખેતી કરેલ છે પરંતુ પૂરતો સંતોષ થયો નથી. ૧૯૯૫ માં ગાંધી આશ્રમ વેડછી ખાતે સજીવ-જૈવિક ખેતી વિષે એક મીટિંગ રાખવામાં આવેલ.આ મીટિંગમાં તેમણે હાજરી આપી હતી અને ત્યાંથી જ સજીવ ખેતી કરવા માટે તેમણે અડગ ર્નિણય કરી લીધો હતો.ગુજરાત સજીવ ખેતી સમાજ વડોદરાના કપિલભાઈ શાહ જતન ટ્રસ્ટ ચલાવે છે.એમની પાસેથી જ સજીવ ખેતી માટે તેમને વિશેષ માર્ગદર્શન મળેલ છે.બનાસકાંઠાનું આગવું ગૌરવ એવા ડો.સોનાજી ચૌહાણને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૪૨૬૩
૨૦૩૪૦ છે.

સજીવ ખેતીને અનુલક્ષીને તેમણે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ કર્ણાટક, તામીલનાડુ એમ વિવિધ રાજ્યોના ખેડૂતોની મુલાકાતો લીધેલ છે. છેલ્લા ૨૦ વર્ષોમાં એમણે અનેક સેમિનાર, તાલીમ, મીટિંગમાં હાજરી આપી સજીવ ખેતી વિષે શકય તેટલું વધુ જ્ઞાન, માહિતી, અનુભવ મેળવી તેમણે જાતે જ તેમના ખેતરમાં ઉપયોગ કરેલ છે. ઓર્ગેનિક ફાર્મિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા કે જેનું હેડકવાર્ટર ગોવા છે તેમાં તેઓ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. દિયોદર તાલુકા ભાજપમાં બે વાર મહામંત્રી તેમજ એકવાર પ્રમુખ રહી ચૂકયા છે. સમય મર્યાદાને લીધે હવે તેઓ રાજકારણ કે જાહેર જીવનથી દૂર રહે છે. ભાજપ,આર.એસ.એસ. તેમજ જાહેર જીવનના અનેક અગ્રણીઓ સાથે સજીવ ખેતીને અનુલક્ષીને તેઓ સતત સંપર્કમાં
રહે છે.

આર.એસ. એસ.દ્રારા અક્ષય કૃષિ પરિવાર સંસ્થા ચાલે છે તેની સાથે તેઓ ઘનિષ્ઠ રીતે જાેડાયેલા છે. આ સંસ્થા દ્રારા આખાય હિંદુસ્તાનમાં દેશી ઓલાદો, દેશી બિયારણોની જાળવણી તેમજ કૃષિ પધ્ધતિને સાચવવાની સમજ આપવામાં આવે છે.ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે ગુજરાત સરકારે સરદાર પટેલ સંશોધન એવોર્ડથી તેમનું સન્માન કરેલ છે. કેન્દ્ર સરકારે આત્મા યોજના હેઠળ બેસ્ટ ઓર્ગેનિક ફાર્મરનો જિલ્લા કક્ષાનો એવોર્ડ તેમને આપેલ છે.મોટાભાગે અત્યારે ખેડૂતો વધારે પૈસા કે નફો રળવા ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે જ્યારે સોનાજી ચૌહાણનું લક્ષ્ય નફા ઉપર નહીં પરંતુ સજીવ ખેતીને ટકાવી રાખવા તેમજ તેને પ્રોત્સાહન આપવા ઉપર છે.તેમનું મોટા ભાગનું ઉત્પાદન દિયોદર કે ઉંઝા માર્કેટ યાર્ડમાં વેચાણ થાય છે.

તેમને પોષાય કે ના પોષાય પરંતુ બજારના વર્તમાન ભાવ મુજબ જ પોતાની પેદાશો વેચે છે. પોતાની ખેતી જંગલના સિધ્ધાંત આધારિત ઈકો સિસ્ટમને અનુલક્ષીને છાણીયા ખાતરના ઉપયોગથી જ કરે છે.આ પ્રમાણે કરવાથી જમીન ની જૈવિક વૈવિધ્યતા તેમજ ફળદ્રુપતા વધે છે તેવો તેમનો જાત અનુભવ છે.જૈવિક ખેતી સાથે ખેતરમાં વિવિધ પ્રકારનાં ઘાસ તેમજ વૃક્ષો હોવાં જરૂરી છે.તેમના ખેતરમાં લીમડા, કણજી, આંબલી, ખીજડો, દેશી બાવળ, અરજીયો, એંગોરો, ચંદન, પીલુ, ખેર જેવાં ૫૦૦ વૃક્ષો આજે પણ ઉભાં છે.

આઈ.આઈ.એમ.દ્રારા એક સૃષ્ટિ મેગેઝિન પ્રકાશિત થાય છે જેના તંત્રી રમેશભાઈ પટેલ હતા એમણે એકવાર તેમના ખેતર ઉપર વિચાર ગોષ્ટિનું આયોજન કર્યું હતું. જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે શિબિરો, સેમિનાર, મીટીંગ,વિચાર ગોષ્ટિ જેવા ઈનોવેટીવ કાર્યક્રમો સતત થતા જ રહે તેવું તેઓ માને છે. અક્ષય કૃષિ પરિવાર દ્રારા ખેડૂતોને આર્ત્મનિભર બનાવવા માટે એક દિવસીય તાલીમનું નિરંતર વિશેષ આયોજન પણ જરૂરી છે. ખેતી જે પરાવલંબી છે તે સ્વાવલંબી બને તે માટેના ઘનિષ્ઠ પ્રયત્નો થાય તેવું તેઓ માને છે.

ઓશો રજનીશના ચાહક હોવાને લીધે ગુજરાત અને ભારતમાં ઘણું બધું ફર્યા હોવા છતાં મહેસાણાનું ઓશો ધ્યાન કેન્દ્ર તેમજ ભારતમાં પૂનાનું ઓશો ધ્યાન કેન્દ્ર તેમને વધારે ગમે છે. ધ્યાન અને યોગમાં તેઓ વધારે માને છે.તેમનાં ધર્મપત્ની કલાબેન એસ.એસ.સી.પાસ છે તેમજ તેમનાં તમામ કાર્યોમાં મદદરૂપ થાય છે. તેમનો દીકરો યોગેશકુમાર એમ.બી.એ.છે અને ખેતી તેમજ રિયલ એસ્ટેટનું કામકાજ કરે છે.તેમનાં પુત્રવધુ પૂજાબેને ઈકોનોમીકસ સાથે બી.એ.કરેલ છે અને આદર્શ ગૃહિણી છે. તેમની દીકરી દીપ્તીબેને એમ.એ.,બી.એડ.કરેલ છે જ્યારે જમાઈરાજ બી.એ.એમ.એસ.ડોક્ટર છે. જીવનમાં તેમને અનેક પ્રકારના અનુભવો થયા છે.

પ્રકૃતિની નજીક રહી પ્રકૃતિના માર્ગદર્શન મુજબ જીવવાથી અંતર્મુખી બની શકાય છે અને તેથી દુખ પણ ઓછું લાગે છે તેવી તેમની માન્યતા છે. રમણીકભાઈ તન્ના તેમજ દીલીપભાઈ રંગોલી જેવા ખૂબ જ નજીકના મિત્રો સાથે પોતાની વાતો,વિચારો,આયોજનો તેમજ જીવનની હકીકતોને વાગોળતા રહે છે.

પ્રકૃતિ પ્રેમ, પરમાત્મા પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ, સજીવ ખેતી, પશુપાલન તેમજ ધ્યાન-યોગના માધ્યમથી સતત સક્રિય રહી કોઈનેય નડયા સિવાય ખૂબ જ નૈતિક, પ્રમાણિક, સાત્વિક, આધ્યાત્મિક, નિજાનંદી જીવન જીવતા બનાસકાંઠાના ગૌરવશાળી ખેડૂત તેમજ રાષ્ટ્રવાદી સેવક એવા ડોક્ટર સોનાજી ચૌહાણને કોટિ કોટિ વંદન..અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. અનેકજનોના નિરામય જીવન માટે સજીવ ખેતીના માધ્યમથી સતત નિષ્ઠાવાન પ્રયત્નો કરતા સોનાજી ચૌહાણના નિરામય દીર્ઘાયુ માટે જગતપિતા પરમકૃપાળુ પરમાત્માને ખરા અંતઃકરણથી પ્રાર્થના….
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા
બી.એ., બી.એસ.સી., એલ.એલ.બી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.