ગૌપ્રેમ, ગૌસેવા અને ગૌરક્ષા માટે સમગ્ર જીવન સમર્પિત કરીને નિજાનંદી જીંદગી જીવતા સણવાલ/થરાદના શ્રી દિનેશભાઈ આર.બારોટ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

પરમકૃપાળુ જગતપિતા પરમાત્મા કેટલાક માણસોને પોતાના દૂત તરીકે આ પૃથ્વી ઉપર ખાસ મોકલે છે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મ વધી જાય ત્યારે સદગુરૂદેવ ભગવાન ગોપાલાનંદજી સરસ્વતી મહારાજ જેવા અનેક સંતો રામદૂત, કૃષ્ણદૂત, શીવદૂત બનીને આ પૃથ્વી ઉપર આવે છે અને ગૌરક્ષાનું કામ કરે છે. પિતા રાયમલજી લાધાજી બારોટ અને માતા સૂરજબેનના પરિવારમાં વાવ તાલુકાના સણવાલ ખાતે તા.૧-૬-૧૯૮૩ ના રોજ જન્મેલા દિનેશભાઈ બારોટે પણ ગૌસેવા માટે જ આ પૃથ્વી ઉપર અવતાર લીધો છે. પ્રાથમિક શિક્ષણ સણવાલ ખાતે તેમજ માધ્યમિક શિક્ષણ વીરમપુર ખાતે પૂર્ણ કરી તેમણે બી.એ.ના પ્રથમ વર્ષનો અભ્યાસ થરાદ ખાતે કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દોઢ વર્ષ સૂરત કાપડ બજારમાં નોકરી કર્યા બાદ થરાદ આવીને પિતાજીના સ્ક્રેપના વ્યવસાય સાથે જાેડાયા હતા.૨૦૦૭ સુધી નવા લોખંડનું કામ કર્યું અને ત્યારબાદ છેક ૨૦૨૦ સુધી જમીન વ્યવસાયમાં સતત કામગીરી કરી. પરમપિતા પરમાત્મા અને મા લક્ષ્મીજીના આઠેય હાથ તેમના પરિવાર ઉપર છે અને તેથી જ તેઓ આર્થિક રીતે સુખી, સંપન્ન, સમૃધ્ધ છે સાથે સાથે સત્કાર્યોમાં સતત પૈસા વાપરતા રહે છે.
૩૫ એકર જેવી જમીન ધરાવતા દિનેશભાઈ બારોટ પ્રગતિશીલ ખેડૂત છે પરંતુ ખેતીની મોટાભાગની આવક તેમજ પિતાજીની તમામ સંપત્તિ તેમણે ગૌસેવામાં વાપરી નાખી છે. ૨૦૧૨ માં ઘંટિયાળી ખાતે ૪૭૭ ગૌમાતાઓ કતલખાને જતી પકડાઈ અને એ તમામ ગાયોને થરાદ ખાતે લાવીને દિનેશભાઈ બારોટે સૌના સહકારથી કામચલાઉ ગૌશાળા ચાલુ કરી. દામેશ્વર દાદાના નામે ચાલતી આ ગૌશાળા ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી તેમણે લોકભાગીદારીથી ચલાવી. ૨૦૧૯ થી અત્યાર સુધી ગૌશાળાનો તમામ ખર્ચ સ્વતંત્ર રીતે પોતે જાતે જ ભોગવે છે.૨૦૧૯ માં થરાદ-વાવ તાલુકામાં દુષ્કાળગ્રસ્ત સંકટભરી પરિસ્થિતિ હતી. આવા કપરા સમયે પણ ૧૫૦ જેટલાં ગામોમાં ઘાસચારો પૂરો પાડવાની જવાબદારી દિનેશભાઈ બારોટે હોંશેહોંશે સ્વિકારીને પૂર્ણ કરી હતી. આવા કપરા સમયે પિતાજીના સંપૂર્ણ આશીર્વાદથી પિતાજીની તમામ માલ મિલકત વેચી તેમણે ગૌસેવાના અભિયાનને સફળ બનાવ્યું હતું. ગૌપ્રેમ,ગૌસેવા અને ગૌરક્ષા માટે સમગ્ર જીવન સમર્પિત કરી નિજાનંદી જીંદગી જીવનાર માનનીય શ્રી દિનેશભાઈ આર.બારોટને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૯૨૫૦૭૪૯૩૩ છે.
૨૦૧૯ માં ગૌમાતાના લાભાર્થે તેમણે પૂજ્ય ભરતભાઈ શાસ્ત્રીજીની ભાગવત કથાનું પણ આયોજન કર્યું હતું. આ સમયગાળામાં પાતાળેશ્વર ગૌશાળા સેવાડા, ચોરા, શીતલવાડા (રાજસ્થાન), ફાંગડી, ચુડમેર સહિત આઠેક સ્થળોએ ગૌશાળાઓ ચાલુ કરવામાં દિનેશભાઈ બારોટનું મહત્વનું યોગદાન હતું.થરાદ તાલુકામાં હાલમાં ૧૦૮ ગૌશાળાઓ છે તેમાંથી ૭૨ રજીસ્ટર્ડ ગૌશાળાઓ છે. તમામ ગૌશાળાઓનો સંપર્ક કરીને આ ગૌશાળાઓ સારી રીતે ચાલે તે માટે પણ દિનેશભાઈ બારોટનું સંકલન ખૂબ જ સારૂ છે. તેમનાં ધર્મપત્ની મમતાબેન મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.થયેલ છે. તેમનો એક દીકરો ૠષિ ધોરણ ૮ માં જ્યારે બીજાે દીકરો જીતેન્દ્ર ધોરણ ૬ માં અભ્યાસ કરે છે. આખું પરિવાર દિનેશભાઈના સત્કાર્યોમાં સહયોગી બને છે. દિનેશભાઈ બારોટના સસરાજી જાલમસિંહજી રાવ રાજસ્થાનના છે પણ હાલે મુંબઇમાં રહે છે.
સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતનાં અનેક તીર્થધામો અને સ્થળોની મુલાકાત લેનાર દિનેશભાઈને ગીરનો પ્રદેશ વધારે ગમ્યો છે. સમગ્ર દક્ષિણ ભારત, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિદ્વાર, ૠષિકેષ, અમરનાથ સહિત અનેક સ્થળોએ યાત્રા કરનાર દિનેશભાઈને અમરનાથ વધારે ગમે છે. કરબૂણ (થરાદ) ના પરમ વંદનીય, પૂજનીય નાગરવનજી બાપુ એમના સદગુરૂદેવ ભગવાન છે અને તેમની પ્રેરણા, માર્ગદર્શન, આશીર્વાદથી જ તેઓ ગૌસેવાની કામગીરી કરી રહેલ છે. કરબૂણ ખાતે પણ શ્રી રામ ગૌસેવા સમિતિ કાર્યરત છે.અનેક ધાર્મિક પુસ્તકો તેમણે વાંચ્યાં છે પણ તેમાંયે “અષ્ટાવક્ર ગીતા” તેમને વધારે
પ્રિય છે.
રામચરિત માનસ પાઠનું રોજ પઠન કરવાવાળા દિનેશભાઈ બારોટે ગૌસેવા હેતુ ૨૦૦૩ માં પૂજ્ય ચંદ્રશેખરજી મહારાજ તેમજ ૨૦૦૮ માં ટેંટોડા ગૌશાળાના લાભાર્થે પૂજ્ય ભરતભાઈ શાસ્ત્રીજીની કથાઓ કરાવી હતી. ડીસાના પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજના માધ્યમથી મારે તેમનો પરિચય થયો હતો. અનેક ખાટા-મીઠા અનુભવોમાંથી પસાર થયેલા દિનેશભાઈ બારોટ માને છે કે જીવનની પવિત્રતા, પ્રભુનું શરણ, સરળતા અને નિખાલસતા હોય તો પરમાત્મા ગમે તેવા કપરા સંકટોમાં પણ અવશ્ય મદદ કરીને ઉગારી લે છે. હાલે થરાદ ખાતે શીવશકિત સોસાયટીમાં રહેતા દિનેશભાઈ બારોટ ભવિષ્યમાં ગૌસેવાના માધ્યમથી ગૌમાતા માટે જ જીવન સમર્પિત કરવા ઇચ્છે છે. દામેશ્વર ગૌશાળા, લાયન્સ કલબ, વિશ્વ હિંદુ પરિષદ સહિતની વિવિધ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. નજીકના દિવસોમાં જ આવી રહેલ ચૈત્રી નવરાત્રિમાં ચૈત્રી બીજ થી ચૈત્રી આઠમ એમ સાત દિવસ માટે પરમ વંદનીય, પૂજનીય શ્રધ્ધા ગોપાલ દીદીજીની ગૌકથાનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન તેમણે થરાદ ખાતે કરેલ છે.
ભગવાને જે કંઈ આપ્યું છે એ ભગવાનના કામમાં જ વાપરીને રાજીપો અનુભવતા અને નિજાનંદ કરતા દિનેશભાઈ બારોટ એક મળવા જેવા, માણવા જેવા અને જાણવા જેવા માણસ છે. માનનીય શ્રી દિનેશભાઈ આર.બારોટના પ્રેરણાદાયી ગૌપ્રેમ,ગૌસેવા, ગૌરક્ષા અને ગૌકાર્યને કોટિ કોટિ વંદન.. અભિનંદન… અઢળક શુભેચ્છાઓ.. આગવી સલામ અને તેમના નિરામય દીર્ઘાયુ માટે પણ સદભાવનામય પ્રભુ પ્રાર્થના.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.