અનેક શુભકાર્યો,સત્કાર્યો, સામાજીક કાર્યોના સહયોગી અને સાક્ષી બની અલવિદા થયેલ થરા-પાટણના અમૃતભાઈ ઠક્કર (હ.દ.)

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર અનેક માણસો જન્મ ધારણ કરે છે અને પોતાના શ્વાસ પૂર્ણ થતાં વિદાય લે છે. અલવિદા થતા કેટલાક માણસો મીઠાશ અને સુગંધ છોડીને જાય છે. મુળ કાંકરેજ તાલુકાના વડાના વતની અને પિતા દલપતરામ દેવરામભાઈ ઠક્કર-અખાણી અને માતા પૂજ્ય મણીબેનના પરિવારમાં તા.૪-૧ર-૧૯૪પ ના રોજ જન્મેલા અને ૧૯૬૭ થી થરાને કર્મભૂમિ બનાવીને વર્ષો સુધી થરા ખાતે જ રહી વ્યાપાર ક્ષેત્રમાં ઝંપલાવી પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી સારી કમાણી કરી સત્કાર્યોમાં વાપરનાર અમૃતલાલ ઠક્કર-અખાણી (હ.દ.)નું તા.રર-૯-ર૦૧૯ ને રવિવારે પાટણ ખાતે દુઃખદ અવસાન થયું ત્યારે અનેક લોકો તેમના શુભ જીવનનું સ્મરણ કરતા હતા.
અમૃતભાઈ ઠક્કરની સ્મશાનયાત્રામાં હજારો માણસો જાેડાયા હતા. તેમણે ૧૯૯૮ માં પાટણ ખાતે સને ર૦૧૦માં ઊંઝા ખાતે પેઢી ચાલુ કરી અને તેમના દિકરાઓ રાજેશભાઈ અને ભરતભાઈ પાટણ ખાતે રહેતા હોઈ પાછલી જીંદગીમાં તેઓને પણ પાટણ ખાતે જ રહેવાનું બન્યું.પાટણ જેવા પુરાતનનગરમાં પણ અનેક સારા, ધાર્મિક,ઉદાર, દાનવીર, કર્મઠ અને જાગૃત રઘુવંશી યુવાનો, મહિલાઓ અને વડીલો વસવાટ કરેછે. અમૃતભાઈનું સમગ્ર પરિવાર ધાર્મિક, સમજુ, સંસ્કારી, શુભકાર્યોમાં મદદ કરનાર, સત્કાર્યોમાં ઉપયોગી નીવડનાર, ધાર્મિક કાર્યોમાં હરહંમેશ સહયોગી બનનાર તેમજ સામાજીક કાર્યોમાં પણ અગ્રેસર રહેનાર છે.
અમૃતભાઈ ઠક્કરે તેમની જીંદગીમાં ખુબ જ સંઘર્ષ કર્યો સાથે સાથે સાહસ પણ કર્યું.થરા જેવા વેપારી નગરમાં મહામહેનતે પોતાનું નામ અને ઈજ્જત ઉભી કરનાર અમૃતભાઈનો એક મોટો ચાહકવર્ગ પણ છે. ખુબ જ નીડર એવા વડા ગામના વતની હોવાને લીધે જીંદગીમાં કયારેય તેઓ કોઈનાથી ડરતા નહીં. કાંકરેજ તાલુકાનું વડા ગામે દરબારો, ઠાકોરો અને દેસાઈઓની વિશેષ વસ્તી ધરાવતું સમગ્ર રાષ્ટ્રમાં ઝળકેલું ગામ છે કારણ કે એક સમયે આ ગામના જ પરમ આદરણીય જે.વી. શાહ સાહેબ કેન્દ્રના રાજયકક્ષાના મંત્રી બન્યા હતા અને અમારા જેવા સૌના માર્ગદર્શક ગણપતભાઈ કોટક ઉર્ફે મફતભાઈ કોટક તેમજ અરવિંદભાઈ હાલાણી (એ.ટી.) પણ આ ગામના જ હતા.અમૃતભાઈ, રસીકભાઈ (ડીસા), હિતુભાઈ (અમદાવાદ), કમળાબેન (હારીજ) તેમજ સુભદ્રાબેન (અંજાર) સહિતનું પાંચ ભાઈ-બહેનોનું પરિવાર ખુબ જ સંપીલું,સંસ્કારી, ધાર્મિક અને ખાનદાન પરિવાર કહેવાય. અમૃતભાઈનું ઓલ્ડ એસ.એસ.સી. સુધીનું જ સામાન્ય ભણતર હતું પરંતુ વેપારના કામકાજમાં તેમજ સેવાના કામમાં તેમનું ગણતર ઘણું જ ઉંચુ હતું.ે એક હાથે કમાવું અને બીજા હાથે સત્કાર્યોમાં સતત વાપરતા રહેવું એ એમના જીવનનો મહત્વનો સિદ્ધાંત હતા. જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રીરામચંદ્રજી ભગવાન, પૂજ્ય દરિયાલાલદાદા, પૂજય ભાણસાહેબ, પૂજ્ય વીરદાદા જશરાજ, પૂજ્ય ક્ષેત્રપાળદાદા અને પૂજય જલારામ બાપાના આશીર્વાદ હોવાને લીધે મોટા ભાગના રઘુવંશી લોહાણાઓ સાહસિક, સાગરખેડૂ, વ્યાપારી મગજવાળા, સંઘર્ષશીલ અને સફળ હોય છે. મોટા ભાગના લોહાણાઓ કમાયા પછી ૧૦ ટકા ભગવાનનો કે સત્કાર્યનો ભાગ અવશ્ય કાઢે છે અને એ રીતે ધર્મની મજબુતાઈ માટે પણ વાપરે છે.અમૃતભાઈ ઠક્કર પણ એમાંના જ એક હતા. અમૃતભાઈના બેઉ દિકરાઓ રાજેશભાઈ અને ભરતભાઈ પણ જીવનમાં ખુબ જ સારી રીતે સેટ થયેલા છે અને શિક્ષણ, સમાજ, ધર્મ, સેવા સહિતનાં તમામ સત્કાર્યોમાં ઉદાર હાથે સહયોગ પણ આપતા રહે છે. અમૃતભાઈની બેઉ દીકરીઓ રીટાબેન અને હીનાબેન પણ ખુબ જ સંસ્કારી અને ખાનદાન છે અને તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે. અમૃતભાઈનાં ધર્મપત્ની પૂજ્ય શારદાબેન ખુબ જ ધાર્મિક અને જીવદયાપ્રેમી હોવાને લીધે અનેક સત્કાર્યોમાં દાન કરવા માટે હરહંમેશા પ્રેરક બન્યાં છે અને જીવંતીકા માતાનાં પરમ ભકત છે.અમૃતભાઈ વેપારીની સાથે સાથે એક સારા ખેડૂત પણ હતા અને કાંકરેજના ગૌરવશાળી ગામ વડામાં આજે પણ તેમનું ખેતર છે. વડાથી થરા આવ્યા બાદ તેમણે ગંજબજારમાં પોતાની પેઢી હ.દ.ના નામથી ચાલુ કરી હતી. હ.દ.ના હુલામણા નામે ઓળખાતા અમૃતભાઈ ખુબ જ સરળ, દયાળુ,સાહજિક,ઉદાર, સાદગીપૂર્ણ, ધાર્મિક, હસમુખા, ઉમદા, પરોપકારી, માયાળુ, જીવદયાપ્રેમી, સમાજપ્રેમી, પરિવારપ્રેમી તેમજ અનેક સત્કાર્યોના સહયોગી હતા. થરામાં બહુચર માતા મંદિર, રામજી મંદિર, ગોગાબાબજીનું મંદિર, પૂજય જલારામ બાપાનું મંદિર, રઘુવંશી લોહાણા મહાજનવાડી સહિત અનેક મંદિરો અને સંસ્થાઓમાં અમૃતભાઈનો યથાયોગ્ય આર્થિક સહકાર રહ્યો છે. કોઈપણ સત્કાર્યમાં કયારેય ફંડફાળા માટે ના પાડવી જ નહીં એવો તેમનો મહત્વનો સિદ્ધાંત હતો. ઓછું વધતું ફંડ આપવુ ંપણ આંગણે આવેલાને કયારેય નારાજ ન કરવો એવો પૂજ્ય જલારામ બાપાનો સિદ્ધાંત અમૃતભાઈના જીવનમાં વણાઈ ચુકયો હતો.આજે એ જ સિદ્ધાંત મુજબ તેમના બેઉ દીકરાઓ રાજેશભાઈ અને ભરતભાઈ દયાદાનના કાર્યમાં લક્ષ્મીજીનો સદ્‌ઉપયોગ કરતા રહે છે. તેમના મોટા દીકરા રાજેશભાઈ તો થરા શાખા ભારત વિકાસ પરિષદના તેમજ પાટણ રઘુવંશી દેશી લોહાણા મહાજનના પ્રમુખ રહી ચૂકયા છે. પૂજ્ય રમાબેનજી હરીયાણી, પૂજ્ય આભાદીદી, પૂજ્ય જાનકીદાસજી બાપુ, પૂજ્ય ચંદુમા જેવા અનેક સંતોના પગલાં પણ તેમના નિવાસસ્થાને થઈ ચુકેલ છે. અમૃતભાઈની બિમારી વખતે શારદાબેન, રાજેશભાઈ, ભરતભાઈ, પુત્રવધુઓ રીટાબેન, સોનલબેન, પૌત્રવધુ રાધિકાબેન, દિકરીઓ રીટાબેન, હીનાબેન તેમજ તમામ બાળકો રાઘવ, જૈમીન, હીમાએ પણ ખડેપગે સેવા કરી સંયુકત પરિવારની એક આગવી અદબ અને શિસ્ત જાળવી સમાજને પ્રેરણા પુરી પાડેલ છે. તેમના ભાઈ રસિકભાઈ પણ ડીસા ખાતે અનેક ધર્મકાર્યો, સત્કાર્યોમાં મોટાભાઈની જેમ જ સહયોગી બને છે. આ પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવને એકને એક દિવસ તો પૃથ્વી ઉપરથી વિદાય લેવાની જ છે પણ મીઠાશ અને સુગંધ છોડીને જતા અમૃતભાઈ જેવા માણસો ચિરંજીવી બની જાય છે.સદગત અમૃતભાઈના જીવનકાર્યને આદર અને અદબપૂર્વક સલામ.. વંદન.. અભિનંદન..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.