અનેકવિધ સેવાકીય સત્કાર્યો થકી પ્રેરણાદાયી જીંદગી જીવતાં માંડવી (કચ્છ)નાં નિવૃત ટ્રેઝરી ઓફિસર કાશ્મીરાબેન રૂપારેલ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જેમને સેવા કે સત્કાર્યો કરવાં હોય તેમના માટે આ જગતમાં ખૂબ જ મોટો અવકાશ છે.પિતા છગનલાલ કુંવરજીભાઈ રૂપારેલ તેમજ માતા મીનાબેનના પરિવારમાં તારીખ ૨૦-૧-૧૯૬૨ના રોજ કચ્છના અતિ પ્રસિદ્ધ અને રમણીય શહેર માંડવી ખાતે જન્મેલાં કાશ્મીરાબેન રૂપારેલે અનેકવિધ સેવાકીય સત્કાર્યો થકી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ માંડવી ખાતે પૂર્ણ કરી તેમણે બી.કોમ.નો અભ્યાસ માંડવી કોલેજમાં જ કર્યો હતો.તેમણે ૧૯૮૯ માં ભૂજ ખાતેથી એલ.એલ.બી.પૂર્ણ કર્યું હતું.ગુજરાત સરકારના હિસાબી વિભાગમાં ૧૯૮૧ માં તેઓ જૂનિયર ક્લાર્ક તરીકે જોડાયાં હતાં.પ્રમોશન મેળવી ટ્રેઝરી ઓફિસર તરીકે સરાહનીય કામગીરી કરી તારીખ ૩૧-૧-૨૦૨૦ ના રોજ માંડવી ખાતેથી જ નિવૃત થયાં હતાં.નિવૃત થયા બાદ ૨૦૨૧ માં તેમણે માંડવી કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.
લોહાણા ઈન્ટરનેશનલ મહિલા વિભાગ કચ્છ તેમજ માંડવી શહેરના પ્રમુખ તરીકે ખૂબ જ સક્રિય રહીને તેઓ પ્રશંસનીય સેવાકાર્યો કરી રહેલ છે.માંડવી લાયન્સ કલબ ક્વીનમાં તેઓ સ્થાપક પ્રમુખ તેમજ ઝોન ચેરમેન રહી ચૂકેલ છે.લોહાણા મહિલા મંડળ માંડવીમાં તેઓ ખૂબ જ સક્રિય સભ્ય છે અને જરૂરી મહત્વની જવાબદારી નિભાવે છે.જાયન્ટસ સાહેલી ગ્રુપ માંડવીમાં તેઓ સક્રિય સભ્ય છે.અખિલ કચ્છ લોહાણા સમાજ લગ્ન સમિતિના ચેરમેન તરીકે તેમની કામગીરી પ્રેરણાદાયી રહી છે.અખિલ કચ્છ સોશિયલ ગ્રુપ માંડવી તાલુકાનાં તેઓ મહિલા પ્રમુખ છે.અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ ર્વિશ્વ લોહાણા મહાપરિષદની મહિલા પાંખમાં તેઓ હંમેશાં સક્રિય રહ્યાં છે.સમસ્ત સનાતન હિંદુ મહિલા મંડળ માંડવી શહેરનાં તેઓ સ્થાપક પ્રમુખ છે.ધ્રબુડી કથા સમિતિમાં તેઓ સક્રિય સભ્ય છે.તેમની નિવૃતિના માત્ર પાંચ જ દિવસ અગાઉ એટલે કે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના દિવસે ગુજરાત સરકાર દ્રારા તેમનું શ્રેષ્ઠ કર્મચારી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય હિસાબી કર્મચારી મંડળમાં રાજ્ય કક્ષાએ એક માત્ર મહિલા ઉપપ્રમુખ કે હોદેદાર તરીકે તેમણે ખૂબ જ સક્રિયતાથી સરાહનીય કામગીરી કરી હતી.તાજેતરમાં જ ૮ માર્ચ ર્વિશ્વ મહિલા દિન નિમિતે અનેક મહિલાઓની વિશેષ નોંધ લેવાઈ છે ત્યારે માંડવીનાં ખૂબ જ કર્મઠ,સક્રિય,જાગૃત,નિષ્ઠાવાન,નિસ્વાર્થ,નિખાલસ,સેવાભાવી મહિલા અગ્રણી કાર્યકર કાશ્મીરાબેન રૂપારેલનો આ લેખ વાંચી તેમને અચૂક અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૮૭૯૩૩૭૩૧૧ છે.
ગુજરાતમાં તેમણે અનેક સ્થળોએ પ્રવાસ કર્યો છે પણ વર્ષ દરમિયાન વારંવાર જ્યાં તેઓ દર્શન માટે જાય છે એવું પૂજ્ય જોગી જલારામ બાપાનું વીરપુર ધામ તેમને ખૂબ જ ગમે છે.ભારતમાં પણ ચારધામ,બાર જ્યોતિર્લિંગ,ઉત્તરાખંડનાં ચાર ધામ,કાશ્મીર પ્રદેશ સહિત અનેક સ્થળોએ તેઓ ફર્યાં છે.આ બધામાં કાશ્મીરનો ગુલમર્ગ વિસ્તાર તેમજ માતા વૈષ્ણવોદેવીજી મંદિર તેમને ખૂબ જ ગમેલ છે.કાશ્મીર તેમજ માતા વૈષ્ણવોદેવી મંદિર ખાતે તેઓ અત્યાર સુધીમાં સાતેક વખત જઈ આવેલ છે.કૈલાશ માન સરોવર તેમજ દુબઈની વિદેશ યાત્રા કરનાર કાશ્મીરાબેનને કૈલાશ માન સરોવર ખૂબ જ ગમે છે.૨૦૧૨ માં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથા નિમિતે હાજરી આપવા તેઓ કૈલાશ માન સરોવર ગયાં હતાં.
પરમ પૂજ્ય ચંદુમા તેમજ પરમ પૂજ્ય ઉષામા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્ર્વાસ ધરાવતાં કાશ્મીરાબેન ઉપર બેઉના અપાર,અખૂટ,અસીમ આશીર્વાદ છે.તેમનાં તમામ સત્કાર્યોમાં માંડવીના સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત સમગ્ર માનવ સમાજનો સંપૂર્ણ સહકાર મળે છે.લોહાણા ઈન્ટરનેશનલ મહિલા પાંખમાં તેમની સાથે ૪૮ બહેનો જ્યારે સાહેલી ગ્રુપમાં ૩૦ જેટલી બહેનો ખૂબ જ સક્રિય છે.તેઓ અઢી વર્ષનાં હતાં ત્યારે જ પિતાજી સ્વર્ગે સિધાવતાં નાનપણથી જ પરિવારની જવાબદારી તેમના ઉપર આવી હતી અને એક મજબૂત લોખંડી મહિલા તરીકે અનમેરિડ રહીને તેમણે પોતાના પરિવાર પ્રત્યેની ફરજ સફળતાપૂર્વક નિભાવી છે.તેમનાં નાનાં બહેન પીનાકીનીબેન શિક્ષિકા છે જ્યારે તેમને એકેય ભાઈ નથી.
વર્તમાન સમયમાં લોહાણા ઈન્ટરનેશનલ મહિલા સમાજના બેનર હેઠળ દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના નામથી સ્લમ વિસ્તારમાં નિયમિત રીતે અંદાજે ૨૫૦ જેટલા જરૂરિયાતમંદોને ખીચડી-કઢીનો પ્રસાદ પહોંચે તેવી સરસ વ્યવસ્થા તેઓ સૌને સાથે રાખીને છેલ્લા ત્રણ વર્ષથી કરે છે.પૂજ્ય ભાઈશ્રીની કથા જ્યાં પણ હોય ત્યાં તેમની અવશ્ય હાજરી હોય છે.દર વર્ષે ઈન્ટરનેશનલ લોહાણા મહિલા પાંખ દ્રારા તેઓ માંડવી ખાતે મોટા ભાડીયાના પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજીની ભાગવત કથાનું સુચારૂ આયોજન કરે છે.પ્રથમ વર્ષે કથા દરમિયાન જે બચત થઈ તે તમામ રકમ માંડવી ખાતે રામજી મંદિરના નિર્માણમાં અર્પણ કરી હતી.એ પછીની કથાઓમાં જે રકમ બચી તેમાંથી ગૌમાતાઓને ઘાસચારો પૂરો પાડવાની ખૂબ જ ઉમદા તેમજ ઉદાહરણ રૂપ કામગીરી તેમની સમગ્ર ટીમ દ્રારા થાય છે.શાળા/કોલેજના અભ્યાસકાળ દરમિયાન વકતૃત્વ તેમજ નિબંધ સ્પર્ધામાં તેઓ રાજ્ય કક્ષાએ પ્રથમ આવ્યાં હતાં.ચંદ્રકાંત બક્ષી તેમજ મહમદ માંકડ (કેલિડોસ્કોપ) જેવા લેખકોના લેખો તેમજ પુસ્તકો તેમણે ઘણાં વાંચ્યાં છે.સમગ્ર ભારત દેશ તેમજ સમગ્ર ર્વિશ્વમાં એક મહાન ગુરૂગ્રંથ તરીકે જેનો સન્માનીય રીતે ઉલ્લેખ થાય છે તેવો ભગવદ ગીતાનો મહાગ્રંથ તેમને વાંચવો ગમે છે.માંડવી નગર તેમનું જન્મ સ્થળ,કાર્ય સ્થળ,સેવા સ્થળ તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટેનું મનપસંદ શહેર રહ્યું છે.
કોરોનાના અતિ વિકટ સમય દરમિયાન કાશ્મીરાબેન સાથે જોડાયેલી તમામ બહેનોએ ખૂબ જ અભિનંદનીય,અનુકરણીય તેમજ અનુમોદનીય સેવા બજાવી હતી.સમગ્ર સનાતન હિંદુ સમાજનો પ્રચાર પ્રસાર,ધર્મ જાગરણ તેમજ મહિલા સશકિતકરણની મહત્વની કામગીરી તેઓ અને તેમની ટીમ કરી રહી છે.શાળા/કોલેજ સમયકાળ દરમિયાન તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (એ.બી.વી.પી.) માં ખૂબ જ સક્રિય હતાં.હાલમાં તેઓ ભાજપમાં સક્રિય છે.સમગ્ર કચ્છના રઘુવંશી લોહાણા મહિલા વિભાગમાં ગર્વ,ગૌરવ અને ગરિમાપૂર્ણ રીતે જેમની નોંધ લેવી પડે એવાં માંડવીનાં કાશ્મીરાબેન રૂપારેલ અનેક સેવાકાર્યોમાં સમર્પિત ભાવથી જોડાયેલાં છે.ર્વિશ્વ લોહાણા મહાપરિષદની કચ્છ વિભાગની મહિલા પાંખ ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે તેમજ કચ્છમાં અનેક રઘુવંશી લોહાણા મહિલાઓ ખૂબ જ સારી રીતે સમર્પિત ભાવથી સેવાકાર્યો કરી રહેલ છે ત્યારે આજે માંડવીનાં કાશ્મીરાબેન રૂપારેલનાં સેવાકાર્યોની નોંધ લેતાં વિશેષ આદર તેમજ આનંદ થાય છે.કચ્છમાં આડેસર-રાપરથી લઈ છેક નારાયણ સરોવર-કોટેર્શ્વર સુધી અનેક ગામો-શહેરોમાં ખૂબ જ વંદનીય એવો રઘુવંશી લોહાણા સમાજ સમર્પિત ભાવથી અનેક પૂન્યકાર્યો,સેવાકાર્યો,સત્કાર્યો કરી રહેલ છે ત્યારે માંડવીનાં કાશ્મીરાબેન રૂપારેલ પણ માંડવી તેમજ કચ્છનું એક આગવું સેવાભાવી નારી રત્ન છે.
કચ્છ સહિત સમગ્ર ગુજરાતની મહિલાઓને સત્કાર્યો કરવા માટે આગવી પ્રેરણા પૂરી પાડતાં કાશ્મીરાબેન રૂપારેલને તેમની આગવી સેવા માટે ખૂબ ખૂબ ખૂબ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. તેમના નિરામય દીર્ઘાયુ માટે અંતઃકરણથી પ્રભુ પ્રાર્થના…..
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.