વાહનોના ઉત્પાદનમાં ઘટાડાથી ઓટો ઉદ્યોગને એક અબજ ડોલરનો ફટકો પડશે

Business
Business

ચીપની અછતને પરિણામે વર્તમાન મહિનામાં દેશમાં ઊતારૂ વાહનોનું ઉત્પાદન ૧ લાખથી ૧.૧૫ લાખ વાહન ઓછું થવાની ધારણાં છે. ઉત્પાદનમાં આ ઘટને કારણે ઓટો ઉદ્યોગની આવકમાં વર્તમાન મહિને એક અબજ ડોલરથી વધુનો ફટકો પડી શકે છે એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના સુત્રોએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે સપ્ટેમ્બર તથા ઓકટોબર મહિનામાં ભારતમાં ગણપતિ તથા દશેરા-દિવાળી જેવા તહેવારો આવતા હોય છે અને માટે આ સમયગાળામાં વાહનોની માગ પણ ઊંચી રહે છે.

ઊતારૂ વાહનોના ઉત્પાદકોની સપ્ટેમ્બર આવકમાં એક અબજ ડોલરની ખોટ એટલે સંપૂર્ણ વર્ષની સૂચિત આવકમાં ૪થી ૫ ટકાનો ઘટાડો જોવા મળશે.

ચીપ મેળવવા માટે ઉત્પાદકો સંઘર્ષ કરી રહ્યા છે. ઉત્પાદન પર પડેલી અસરને કારણે વાહનોની ડિલિવરી પણ ઢીલમાં પડી રહી છે. વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ઊતારૂ વાહનોનો ઉત્પાદન આંક ૧.૭૫ લાખથી ૨.૧૦ લાખની વચ્ચે રહેવા વકી હોવાનું સિઅમના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૦ના કોરોનાના કાળને બાદ કરતા આ ઉત્પાદન આંક છેલ્લા એક દાયકાનો સૌથી નીચો હશે.

છેલ્લા ચાર વર્ષમાં વાહન ઉત્પાદકોએ દર વર્ષે સપ્ટેમ્બરમાં ૨.૮૦ લાખથી ૩.૪૦ લાખ જેટલા ઊતારૂ વાહનોનું ઉત્પાદન કર્યું છે. હાલમાં વ્યાજ દર નીચા છે ત્યારે વાહનોની માગમાં વધારો થવાની તક રહેલી છે, પરંતુ ચીપની અછતને કારણે તેનો લાભ કાર ઉત્પાદકોને ખાસ જોવા નહીં મળે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.

ચીપની અછતને કારણે વાહનોના ઉત્પાદનમાં કાપ મૂકવાની કાર ઉત્પાદક કંપનીઓ દ્વારા આ અગાઉ જ જાહેરાત કરી દેવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.