એરલાઈન્સની જેમ રેલવેમાં પણ ટિકિટોની કિંમત ફિક્સ નહીં હોય, ખાનગી કંપનીઓ તેમની ઈચ્છા પ્રમાણે ભાડું નક્કી કરશે

Business
Business

ટ્રેન ચલાવનારી પ્રાઈવેટ કંપનીઓ તેમની ઈચ્છા પ્રમાણે ભાડું નિર્ધારીત કરી શકે છે. આ ભાડું નક્કી કરવા માટે કંપનીઓને કોઈ પણ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવાની જરૂર નથી. આ કંપનીઓ ભારતીય રેલવેના નેટવર્ક પર ટ્રેન ચલાવશે અને આ માટે તે પોતાની ઈચ્છા પ્રમાણે ભાડું પણ નક્કી કરી શકે છે. રેલવે વિભાગે ટ્રેનનું ભાડું કેટલું રાખવું તે અંગેનો નિર્ણય પ્રાઈવેટ કંપનીઓ પર છોડી દીધો છે. આ ઉપરાંત આ પ્રાઈવેટ કંપનીઓ આવકના સ્રોતો ઉભા કરવા વિવિધ વિકલ્પો અંગે પણ વિચાર કરવા તેમ જ નિર્ણય લેવામાં સ્વતંત્ર હશે.
તાજેતરમાં પિયૂષ ગોયલ તરફથી પણ આ અંગે કેટલીક માહિતી મળી હતી. તાજેતરમાં પ્રી-એપ્લિકેશન મીટિંગમાં આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકાર કુલ 109 રુટ પર 151 ટ્રેન પ્રાઈવેટ કંપનીઓને 35 વર્ષ માટે આપશે. આ અંગે જે કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા તેના જવાબમાં રેલવેએ જવાબ આપ્યો હતો કે પ્રાઈવેટ ટ્રેન ચલાવનારી કંપનીઓ જ કેટલા ભાડા રાખવા તે નક્કી કરશે. આ ભાડા બજાર પ્રમાણે હશે. આ માટે કોઈ મંજૂરીની જરૂર રહેશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય રેલવેને કેબિનેટ અથવા સંસદ પાસેથી આ અંગે મંજૂરી મેળવવાની રહેશે. રેલવે એક્ટ પ્રમાણે દેશમાં ફક્ત કેન્દ્ર સરકાર અથવા રેલવે મંત્રાલય પેસેન્જર ટ્રેનના ભાડા નક્કી કરી શકે છે.
અધિકારીઓના જણાવ્યા જે નવી પ્રાઈવેટ ટ્રેનો આવશે તેના ભાડા વર્તમાન ટ્રેનોની તુલનામાં ઘણા વધારે હશે. કારણ કે આ ટ્રેનોમાં ભાડું નક્કી કરવાનો કોઈ નિયમ નથી. વર્તમાન સમયમાં અમદાવાદથી મુંબઈ જે શતાબ્દી એક્સપ્રેસ દોડે છે તેમા વર્તમાન ટ્રેનોની તુલનામાં ભાડું ઘણું વધારે છે. આ ઉપરાંત આ ટ્રેનોની કંપની તેમની વેબસાઈટ પર ટિકિટનું વેચાણ કરી શકે છે. જોકે તેમણે વેબસાઈટના બેક ઈન્ડને રેલવે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે રાખવી પડશે, જે અત્યારે ભારતીય રેલવે પાસે છે.
રેલવે પ્રાઈવેટ સેક્ટરની મદદથી ચલાવવામાં આવનારી ટ્રેનો માટે ટાઈમલાઈન નક્કી કરી છે. તે પ્રમાણે વર્ષ 2023માં પ્રાઈવેટ ટ્રેનોનો પ્રથમ સેટ આવશે. તેમા 12 ટ્રેન હશે. રેલવેના મતે તમામ 151 ટ્રેનને 2027 સુધીમાં રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 109 રુટ પર 151 મોડર્ન પ્રાઈવેટ ટ્રેન ચલાવવાને લઈ ખાનગી કંપનીઓ પાસેથી પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે. આ પરિયોજનામાં ખાનગી ક્ષેત્રમાંથી આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા મંજૂરી છે.
રેલવેએ કહ્યું છે કે 70 ટકા પ્રાઈવેટ ટ્રેન ભારતમાં તૈયાર કરવામાં આવશે. આ ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપથી તૈયાર કરવામાં આવશે. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી યાત્રામાં 10 ટકાથી 15 ટકા ઓછો સમય લાગશે. જ્યારે 160 કિલોમીટરની સ્પીડથી 30 ટકા સમયની બચત થશે. તેની સ્પીડ વર્તમાન સમયમાં રેલવે તરફથી ચલાવવામાં આવી રહેલી સૌથી ઝડપી ટ્રેનોથી પણ વધારે હશે. દરેક ટ્રેનમાં 16 કોચ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યારે તેજસ એક્સપ્રેસ નામની પ્રાઈવેટ ટ્રેન ચાલી રહી છે.
પ્રાઈવેટ ટ્રેન ચલાવવાને લઈ ઓપરેશન બિડમાં ભાગ લેનારી કંપનીઓના નામ સામે આવ્યા છે, જેમાં IRCTC ઉપરાંત GMR સમૂહ, બોમ્બાર્ડિયર ઈન્ડિયા, CAF, રાઈટ્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ (BHEL), મેઘા સમૂહ, RK એસોસિએટ્સ, સ્ટરલાઈટ પાવર, ભારત ફોર્જ અને કેબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.