રૂપિયો નવા તળિયે : રશિયાની અણુ હુમલાની ધમકીથી કરન્સી બજારમાં ઉથલપાથલ

Business
Business

રૂપિયો નવા તળિયે : રશિયાની અણુ હુમલાની ધમકીથી કરન્સી બજારમાં ઉથલપાથલ

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં રૂપિયો ઝડપથી ગબડયો હતો. ડોલરના ભાવ વધી ચાલુ બજારે રૂ.૮૦ની સપાટી કુદાવી ગયા હતા. અમેરિકામાં વ્યાજ વૃદ્ધીની આગળ વધતી ગતિ પર નજર વચ્ચે કરન્સી બજારમાં ડોલરમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં પીછેહટના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ડોલરના ભાવ રૂ.૭૯.૭૫ વાળા આજે સવારે રૂ.૭૯.૮૦ ખુલી નીચામાં રૂ.૭૯.૭૮ રહ્યા પછી ઉછળી ઉંચામાં રૂ.૮૦ પાર કરી રૂ. ૮૦.૦૨ થઈ રૂ.૭૯.૯૮ના રેકોર્ડ મથાળે બંધ રહ્યા હતા. રૂપિયો આજે ૨૩ પૈસા ગબડયો હતો. યુક્રેન સામે રશિયાએ નવેસરથી આક્રમક વલણ બતાવવાનું શરૂ કરતાં તેની અસર પણ કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી.

આ લખાય છે ત્યારે અમેરિકામાં વ્યાજ દરમાં વધુ પોણાથી એક ટકાનો વધારો કરવામાં આવશે એવી શક્યતા બજારના ખેલાડીઓમાં ચર્ચાતી સંભળાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ફરી વધી ૧૧૦ની ઉપર જઈ ઉંચામાં ૧૧૦.૩૪થઈ ૧૧૦.૩૦ રહ્યો હતો.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ટોચ નજીક જોવામળ્યો છે. વિશ્વ બજારમાં ડૅોલર સામે પાઉન્ડ તથા યુરોના ભાવ ઘટયા હતા. મુંબઈ બજારમાં પણ આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૧ પૈસા ઘટી નીચામાં રૂ.૯૦.૭૪ થઈ રૂ.૯૦.૮૭ રહ્યા હતા.

પાઉન્ડ ફરી રૂ.૯૧ની અંદર ઉતરી ગયો હતો. રૂપિયા સામે યુરોપની કરન્સી યુરોના ભાવ પણ ૨૫ પૈસા ઘટયા હતા. યુરોના ભાવ નીચામાં રૂ.૭૯.૪૬ થઈ ૭૯.૫૭ રહ્યા હતા. જાપાનની કરન્સી યેનના ભાવ આજે રૂપિયા સામે ૦.૦૫ ટકા માઈનસમાં રહ્યા હતા જ્યારે ચીનની કરન્સી ૦.૨૨ ટકા નીચી ઉતરી હતી.

રશિયાએ યુક્રેનને ન્યુકલીયપ હુમલાની પણ ધમકી આપતાં કરન્સી બજારમાં અજંપો વધ્યો છે તથા ડોલરના ભાવ પર તેની તેજીની અસર દેખાતી જોવા મળી છે. રશિયા-યુક્રેન વચ્ચે ફરી વાતાવરણ તંગ બનતાં તેની એસર વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલ ઉછળ્યું હતું અને તેના પગલે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા પર તેની નેગેટીવ અસર જોવા મળી હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.