અમદાવાદમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રૂ.65 કરોડની 700 કાર, રૂ.16 કરોડના 2100 ટૂ-વ્હીલરની ખરીદી

Business
Business

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં લોકોએ કાર અને ટૂ-વ્હીલર મળી કુલ 81 કરોડની ખરીદી કરી હતી. લોકોએ 700 કાર અને 2100 ટૂ-વ્હીલર ખરીદ્યા હતા. એક કારની સરેરાશ કિંમત 9 લાખ ગણીએ તો અંદાજે 700 કારની કુલ કિંમત 65 કરોડની આસપાસ થાય છે. એ જ રીતે એક ટૂ-વ્હીલરની સરેરાશ કિંમત 80 હજાર ગણીએ તો કુલ કિંમત 16 કરોડની આસપાસ થાય છે.

ગત વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહની સરખામણીએ કારના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયો હતો. જો કે, ટૂ-વ્હીલરની ખરીદી અંદાજે 50 ટકા ઓછી રહી હતી. વાહનના ડીલરો તરફથી મળેલી માહિતી અનુસાર ઓગસ્ટમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી વાહનોના વેચાણમાં વધારો નોંધાતો હોય છે. જો કે, ગત વર્ષની સરખામણીએ વાહનના વેચાણમાં અંદાજે 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ટૂ વ્હીલર કરતાં કારના વેચાણમાં 20 ટકા વધારો નોંધાયો હતો. આ વધારા પાછળનું કારણ એ છે કે લૉકડાઉનના સમયમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે ઉંચા પગારે નોકરી કરતાં લોકોના માસિક ખર્ચમાં ઘટાડો થયો હતો. તેમણે બચતનો ઉપયોગ વાહનોની ખરીદીમાં કર્યો હોવાનો અંદાજ મૂકવામાં આવે છે.

ડીલરોનું માનવું છે કે, ઓટો માર્કેટ ધીરે ધીરે સુધરશે અને દિવાળી સુધીમાં વેચાણમાં વધારો થવાની શક્યતા છે. કેટલાક ડીલરોનું કહેવું છે કે, સેકન્ડ હેન્ડ કારના વેચાણમાં વધારાને લીધે નવી કારના વેચાણ પર થોડી ઘણી અસર પડી છે.

વાહન ડીલરોએ કહ્યું કે, જૂના વાહનોના વેચાણમાં નોંધાયેલા 10% વધારાની અસર નવા વાહનોના વેચાણ પર પડી છે. કંપની અને ખાનગી વેપારીઓ દ્વારા જૂના વાહનોનું માર્કેટ દિવસેને દિવસે વિશાળ થતું જાય છે. લોકો પણ આર્થિક બચત માટે જૂના વાહનોની ખરીદી કરે છે. નવા વાહનોના વેચાણ સામે જૂના વાહનોનું માર્કેટ 30થી 35 ટકા હતું. જેમાં હાલ 10 ટકાનો વધારો નોંધાયો છે. સેકન્ડહેન્ડ કાર અને ટૂ વ્હીલરની ખરીદી વધતા નવા વાહનના વેચાણ પર અસર થઈ છે.

ગત રક્ષાબંધનના દિવસે રૂપિયા 35 કરોડના 5500 નંગ ટૂ વ્હીલર વેચાયા હતા. એક ટૂ વ્હીલરની કિંમત 70 હજાર ગણવામાં આવી છે. જ્યારે કુલ 144 કરોડની 1600 જેટલી કાર વેચાઇ હતી. એક કારની કિંમત આઠ લાખ ગણવામાં આવી છે. ગત વર્ષની સરખામણીમાં 40% વેચાણ ઓછું છે. કોરોનાની મહામારીના લીધે વેચાણમાં ઘટાડો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.