સોનું ઉછળી રૂ.49,000ને પાર : ચાંદી રૂ.1000 વધી

Business
Business

મુંબઈ ઝવેરી બજારમાં આજ શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૦થી ૧૮૨૫ ડોલરવાળા ઉછળી ૧૮૩૩થી ૧૮૩૪ થઇ ૧૮૨૭થી ૧૮૨૮ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકામાં જોબગ્રોથના આંકડા નિરાશાજનક આવતાં ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ નીચો ઉતર્યો હતો સામે સોનામાં ફંડોની લેવાલી વધતાં સોનાના વૈશ્વિક ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.

અમેરિકામાં જૂનનો જોબગ્રોથ ૧૧ લાખ તથા જુલાઇનો ૯ લાખ ૬૨ હજાર આવ્યા પછી ઓગસ્ટનો જોબગ્રોથ ૭ લાખ ૨૮ હજાર આવવાની અપેક્ષા રખાતી હતી પરંતુ તેના બદલે હકીકતમાં ત્યાં ઓગસ્ટનો જોબગ્રોથ માત્ર ૨ લાખ ૩૫ હજાર આવતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

અમેરિકામાં ડેલ્ટાવાયરસનો ઉપદ્રવ વધતાં જોબગ્રોથ ઘટયાની ચર્ચા શરૂ થઇ છે અને આવા માહોલમાં ત્યાં સરકાર દ્વારા બોન્ડ બાઇંગમાં હવે પછી થનારો ઘટાડો કદાચ વિલંબમાં પડશે એવી શક્યતા વિશ્વ બજારમાં હવે ચર્ચાતી થઇ છે. આવા માહોલમાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળ્યા છે ત્યારે સામે ડોલરનો ઇન્ડેક્સ વિવિધ કરન્સીઓ સામે નીચો ઉતર્યો છે.

વિશ્વ બજાર પાછળ મુંબઇ કરન્સી બજારમાં પણ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા.૭૩ની અંદર ઉતરી રૂા. ૭૨.૯૦થી ૭૨.૯૫ આસપાસ બોલાતા થયાનું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદી તથા પ્લેટીનમ અને પેલેડીયમના ભાવમાં પણ તેજીનો કરન્ટ જોવા મળ્યો છે. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે પણ આજે ભાવ ઉંચા બોલાતા થયા હતા.

મુંબઇ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૪૭૦૫૭ વાળા ઉછળી રૂા. ૪૭૩૭૫ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૪૭૨૪૬ વાળા રૂા. ૪૭૫૭૫ બોલાતા થયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઇ ચાંદીના ભાવ આજે કિલોના જીએસટી વગર રૂા. ૬૩૪૭૫થી ઉછળી રૂા. ૬૫૦૫૦થી ૬૫૧૦૦ બોલાતા થયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ રૂા. ૧૦૦૦ ઉછળી રૂા. ૬૬ હજાર બોલાયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ આજે રૂા. ૩૦૦ વધી ૯૯.૫૦ના રૂા. ૪૯૦૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૪૯૨૦૦ બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૦૫થી ૧૦૧૦ વાળા વધી સપ્તાહના અંતે ૧૦૨૮ થઇ ૧૦૨૦થી ૧૦૨૭ ડોલર રહ્યાના સમાચાર હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૨૪૦૦થી ૨૪૧૦ ડોલરવાળા વધી ૨૪૨૬થી ૨૪૨૭ થઇ છેલ્લે ૨૪૨૦થી ૨૪૨૧ ડોલર રહ્યાના સમાચાર હતા. કોપરના ભાવ વધી છેલ્લે વિશ્વ બજારમાં ૦.૭૦ ટકા પ્લસમાં રહ્યા હતા.

ડોલરના ભાવ ઉંચા જતા તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી સપ્તાહના અંતે ઘટયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વમાં વિવિધ દેશોમાં ડેલ્ટા વાયરસનો ઉપદ્રવ વધતાં ક્રૂડતેલના માગ ઘટવાની ભીતી વચ્ચે ભાવ ફરી દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

ન્યુયોર્ક ક્રૂડના ભાવ વિશ્વ બજારમાં બેરલદીઠ ૭૦.૪૫ ડોલરવાળા ઘટી સપ્તાહના અંતે ૭૦ની અંદર ઉતરી ૬૯.૨૩ થઇ ૬૯.૨૯ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૬૦થી ઘટી ૭૨.૫૫ થઇ છેલ્લે ૭૨.૬૧ ડોલર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.