એમેઝોન અને એપલને રૂ.1,800 કરોડથી વધુ રકમનો દંડ કરાયો
અમેરિકાની ટેક કંપની એમેઝોન અને એપલને ઇટલીએ 23 કરોડથી વધુ ડોલરનો દંડ ફટકાર્યો છે. બિનસ્પર્ધાત્મક રીતરસમ અપનાવવા બદલ તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે. એપલ અને બીટ્સ પ્રોડક્ટસના સેલમાં બિનસ્પર્ધાત્મક કાર્યપ્રણાલિ અપનાવવા બદલ બંને કંપનીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. બીટ્સ ઓડિયો પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી મુજબ એપલ અને બીટ્સના પ્રોડક્ટ્સ ફક્ત પસંદગીના રિસેલર એમેઝોનની ઇટાલિયન સાઇટ પર વેચી શકતા હતા. ત્યારે કોમ્પિટિશન વોચડોગે જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે યુરોપીયન યુનિયનના નિયમોનો ભંગ છે. ઓથોરિટીએ એમેઝોનને 6.87 કરોડ ડોલર જ્યારે એપલને 13.4 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત એપલ અને બીટ્સ પ્રોડક્ટ્સ પર એમેઝોન ડોટ ઇટ પર રિસેલ રોપર લાદવામાં આવેલા પ્રતિબંધ દૂર કરવા કહ્યું છે. એમેઝોન અને એપલની સામે જર્મની અને સ્પેનના સત્તાવાળાઓએ આ પ્રકારની તપાસ શરૂ કરી છે. અમેઝોન અને એપલના કરારની જર્મની અને સ્પેનમાં પણ તપાસ જારી છે. સ્પેને એમેઝોન અને એપલ સામે આ ઉનાળામાં તપાસ શરૂ કરી છે જે પૂરી થતા 18 મહિના લાગી શકે છે. જ્યારે જર્મનીએ એમેઝોન સામે વર્ષ 2018માં તપાસ શરૂ કરી હતી. જેમાં સેલરો દ્વારા માર્કેટપ્લેસ સામે ફરિયાદ કરવામાં આવતા આ તપાસ શરૂ કરાઈ હતી જે તે પછીના વર્ષે પૂરી થઈ હતી. તેના પગલે એમેઝોને પણ સેલર્સ માટે બિઝનેસની જનરલ ટર્મ્સને બદલવાની ફરજ પડી હતી અને સ્પર્ધાત્મકતા અંગેની ચિંતાઓ દૂર કરવા બીજા ફેરફારો કરવાનુ વચન આપવાની ફરજ પડી હતી. જર્મનીએ તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ અંગે તેમા કોમ્પિટિશન કાયદામાં મોટાપાયા પર અપગ્રેડેશન કર્યુ છે. જેના લીધે જર્મનીના સત્તાવાળા બંને ટેક જાયન્ટ્સના માર્કેટ પાવરને તપાસવાની કાર્યવાહી કરી શકે છે.