પાલનપુરમાં ધોળે દહાડે યુવકની હત્યા: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિની પ્રતીતિ કરાવતો બનાવ
જિલ્લા મથક પાલનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિની પ્રતીતિ કરાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે દેવીપૂજક સમાજના યુવક પર જીવલેણ હુમલો કરીને અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે.
પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ બેંક સોસાયટીમાં બપોરના સમયે લારી લઈને ભંગાર લેવા આવેલ પાલનપુરના જનતા નગરમાં રહેતા 35 વર્ષીય દેવીપૂજક સમાજના ઈશ્વર ગોપાલભાઈ પટણી સાથે અન્ય બે દેવીપૂજક સમાજના જ શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. દરમિયાન, એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દેવીપુજક યુવક જમીન પર ઢળી પડયો હતો. ભર બપોરે બૂમાબૂમ થતા સોસાયટીના લોકો એકત્ર થયા હતા. અને એમ્બ્યુલન્સ ને જાણ કરી લોહીલુહાણ હાલતમાં દેવીપૂજક યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જોકે ફરજ પરના તબીબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ની જાણ થતાં પૂર્વ પોલીસ મથક ની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Tags Palanpur the city Youth killed