
થરાદના રાંણેશરીમાં વિજકરંટ લાગતાં યુવકનું મોત
થરાદના રાંણેશરીમાં વિજપોલ પર કામ કરતા ગામના યુવકનું મોત નિપજતાં અરેરાટી પ્રસરવા પામી હતી. પોલીસે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ય માહિતી મુજબ થરાદના રાંણેશરી ગામના ડાયાભાઇ તેજરામભાઇ રાજગોર માયાળું અને મળતાવડા સ્વભાવના કારણે સેવાભાવ સાથે ગામલોકોના નાનાંમોટાં કામ અને ગાયન કલાકારની છાપ ધરાવતા હતા. તેઓ શુક્રવારની સવારે રાંણેશરીની સીમમાં આવેલા ખેતરમાં થ્રીફેજ વિજલાઇન પર રિપેરિંગની કામગીરી કરતા હતા.
દરમિયાન અચાનક તેઓને વિજકરંટ આવતાં વિજપોલ પર જ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં વિજકંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે ગામમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી હતી.આ બનાવ અંગે મૃતકના ભાઇ માદેવભાઇ તેજરામ રાજગોર અંગે થરાદ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ તપાસ પીએસઆઇ વીએસ દેસાઇએ હાથ ધરી હતી. બનાવને પગલે અરેરાટી સાથે ચકચાર પ્રસરવા પામી હતી.