પાલનપુરમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી : સમાજે પડતર પ્રશ્નોને લઈને આપ્યું આવેદન પત્ર
તિર કામઠા અને ભાલા સાથે પરંપરાગત વેશભૂષામાં સજ્જ રેલીએ જમાવ્યું આકર્ષણ
આદિવાસી સમાજે પડતર પ્રશ્નોને લઈને આપ્યું આવેદન પત્ર: 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી સમગ્ર વિશ્વમાં આજના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં આદિવાસી લોકો દ્વારા રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી.
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માં પણ આદિવાસી સમાજ દ્વારા સદરપુરથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાભરના આદિવાસી લોકો જોડાયા હતા. જેમાં આદિવાસી પુરુષો અને મહિલાઓએ પોતાના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને હાથમાં તીર કામઠા અને ભાલા લઈને નાચગાન કરતાં જોડાયા હતા.
જ્યાં આદિવાસી લોકોએ પોતાની સંસ્કૃતિની અને પરંપરાગત રિવાજોની લોકોને ઝાંખી કરાવી હતી. આદિવાસી સમાજે વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈને નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હોવાનું યુવા અગ્રણી પાર્થ સારથી રાણાએ જણાવ્યું હતું. આ રેલીમાં ટીના ભાઈ રાણા, હરેશભાઇ રાણા,પાર્થસારથી રાણા અને કાંતિભાઈ માજીરાણા સહિત 4000 થી વધુ આદિવાસી ભાઈ બહેનો રેલીમાં જોડાયા હતા.
પાલનપુર-અંબાજી હાઇવે પર સદરપુરથી નીકળેલી રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી કલેકટર પહોંચી હતી. જ્યાં આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ રેલીનું સમાપન થયું હતું. જોકે, આદિવાસી સમાજના શક્તિ પ્રદર્શન સમી રેલીએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું.