ડીસામાં કલકત્તાની મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં મહિલાઓની મૌન કેન્ડલ માર્ચ
પશ્ચિમ બંગાળના કલકત્તામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે ડીસા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તાની આર.જી.કર. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરમાં ઘટના બની હતી. આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરા અને જિલ્લા ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કરની રાહબરી હેઠળ ભાજપનાં મહિલા મોરચા દ્વારા મૌન રેલીનું આયોજન થયું હતું.
જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, શહેર પ્રમુખ રમેશભાઇ દેલવાડીયા, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટર બહેનો, સંગઠનની બહેનો, મોરચાની બહેનો જોડાયા હતા. આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતાનું પ્રતીક જ નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા અને ગૌરવની ખાતરી કરવામાં પ.બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.