
ડીસા શહેરમાં સમલૈંગિક સબંધની માન્યતા સામે મહિલાઓનો વિરોધ
(રખેવાળ ન્યૂઝ)ડીસા, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સમલૈંગિક લગ્નના કેસ મામલે ડીસામાં મહિલાઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને હિન્દૂ સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે આવા સબંધને માન્યતા ન આપવા માટે સરકાર અને ન્યાય પ્રણાલીને વિનંતી કરી હતી.
અત્યારે ભારત દેશ સહિત વિશ્વમાં સમલૈંગિક સંબંધોને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે જેમાં આપણા દેશમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલે વિચારણા ચાલી રહી છે ત્યારે આવા સંબંધોને માન્યતા ન મળે તે માટે ડીસામાં મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જાેડાયેલી મહિલાઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
આ બાબતે મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મમાં લગ્નને પવિત્ર બન્ધન માનવામાં આવે છે. ત્યારે આવા સબંધને માન્યતા અપાશે તો ભારતીય સંસ્કૃતિને મોટી અસર પહોંચશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ૧૨ સંસ્કારમાં વિવાહ એ ૧૨ મો સંસ્કાર છે અને તેનું રક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે માટે સરકાર અને સુપ્રીમ કોર્ટ ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે હિન્દૂ સંસ્કૃતિ ટકાવી રાખવા અમને સહયોગ કરશે.