કાંકરેજ તાલુકાની આંબલીવાસ (શિ) પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનાં કામમાં વ્યાપક ગેરરીતિઓ
શાળાના નવા બિલ્ડિંગમાં પાણી ભરાવા સાથે તિરાડો પડી
ગ્રામજનોએ રજૂઆતો કરતા કોન્ટ્રાકટર બિલ્ડીંગને લોક મારી રફુચક્કર : તપાસની માંગ
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક કાંકરેજ તાલુકાના આંબલીવાસ (શિ) પ્રાથમિક શાળામાં હાલમાં નવીન બિલ્ડિંગનું કામકાજ પૂરું થવા પામેલ છે અને ટૂંક સમયમાં શાળાના વિદ્યાર્થીઓ નવીન બિલ્ડિંગમાં પ્રવેશ કરશે પરંતુ આજે તારીખ 4,9,2024 નાં રોજ અમારા પ્રતિનિધિને ગ્રામજનોએ રૂબરૂ જણાવેલ કે નવીન બનેલ શાળાના રૂમોમાં તળિયે પત્થર ટાઈલ્સનું કામ લેવલ વિના કરેલ હોઈ ત્યાં પાણી ભરાય છે અને ધાબા ઉપર ચાયના મેજિક કરેલ છે ત્યાં પણ પાણી ભરાય છે તેમજ તળિયાનું ફૂટિંગ કામ ખરાબ થયેલ છે અને બિલ્ડિંગની સાઇડમાં મોટી તિરાડો પડેલ છે. આ બાબતે કોન્ટ્રાકટરને રૂબરૂ રજૂઆત કરતા તે શાળાની નવીન બિલ્ડિંગને લોક મારી ભાગી છૂટ્યો હતો.
એક બાજુ સરકાર શિક્ષણ પાછળ લાખો- કરોડોનાં ખર્ચા કરી રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ કામનું સુપર વિઝન કરતા અઘિકારીઓએ આ કામની ગુણવતા તપાસી એસટીમેન્ટ મુજબ કામ કરવામાં આવેલ છે કે કેમ ? તેની તપાસ કરી છે કેમ ? તેથી ગ્રામજનોએ કોન્ટ્રાકટર અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપો પણ કર્યા હતા.જેને લઈ પવિત્ર ગણાતો શિક્ષણનો વ્યવસાય બદનામ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થતા આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ કરાવે તેવી માંગ પણ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં નવીન શાળાઓના બિલ્ડિંગોની ચકાસણી કરવી જરૂરી: બનાસકાંઠા જિલ્લામાં આવેલ અનેક પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ પ્રવર્તે છે. તેથી બાળકો ખુલ્લામાં ભણવા મજબુર બને છે.ત્યારે કાંકરેજ તાલુકા સહિત જિલ્લાભરમાં હાલમાં કેટલાક આચાર્યો અને ટી. આર.પી.ઓ. શિક્ષણ વિભાગ પાસેથી ઓરડા સારી હાલતમાં હોવા છતાં યેનકેન પ્રકારે ઓરડાનું ડેમેજ સર્ટી મેળવી લે છે અને પછી નવા ઓરડાના બાંધકામમાં કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ રચી હલકી ગુણવત્તાનું કામ કરાવી મલાઈ મેળવે છે. તેવું બનાસ વાસીઓમાં ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે શાળાના મહેકમ મુજબ નવા ઓરડા મંજુર કરાયાં છે કે કેમ ? તેની તપાસ પણ જરૂરી બની ગઈ છે પરંતુ શિક્ષણ વિભાગમાં પ્રવર્તતી લાલીયાવાડીના કારણે તટસ્થ તપાસ સામે પણ સવાલો ઉઠવા પામે છે.