કાંકરેજ તાલુકામાં લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢતા તત્વો સામે તંત્રની ચુપકીદી કેમ??

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)થરા,  બનાસકાંઠા જિલ્લાના કચ્છના રણને અડીને આવેલા કાંકરેજ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી બનાસ નદી સૂકીભઠ્ઠ હોવાના કારણે રેતખનન માફીયાઓ માટે સોનાની ખાણરૂપ સાબિત થઈ રહી છે.આમ તાલુકાના બનાસ નદી પટ્ટ વિસ્તારના ગામડાઓમાં આડેધડ જેસીબી જેવા અધ્યતન સાધનો દ્વારા બિનકાયદેસર રેતખનન કરી ટ્રક,ટર્બા,ટ્રેકટર દ્વારા ઓવરલોડ રેતી ભરી ઉપર આવરણ ઢાંક્યા વગર રેતની હેરાફેરી ૨૪ કલાક થતાં જે તે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

બનાસ નદીમાં પાણી નહીં આવતા ભૂગર્ભ જળના સ્તર ઉંડા ગયા છે તો સરકાર તરફથી ખેડૂતોને અપાતી લોખંડની કાંટાળી વાડની સહાયના રૂપે ખેતરના શેઢા પરના અડીખમ વર્ષો જૂના વૃક્ષો આડેધડ કપાઈને લાટી બજારમાં ઠલવાઈ રહ્યા છે.ત્યારે શું આ પ્રકારની બાબતથી ભૂસ્તર ખાણખનીજ વિભાગ, મહેસુલ તંત્ર અને ફોરેસ્ટ વનવિભાગ અજાણ છે? સ્થાનિક નેતાઓ, આગેવાનો, કાર્યકરો વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવે છે ત્યારે શું આ વિસ્તારમાં ચાલતી બિનકાયદેસર વૃક્ષ કટીંગ રેતખનનની પ્રવૃત્તિઓથી તેઓ અજાણ છે ???ત્યારે શું વૃક્ષ પર્યાવરણ પ્રેમીઓ એકાદ ઝુંબેશ બિનકાયદેસર ચાલતી લિઝો,રેતખનન પ્રવૃત્તિ,વૃક્ષ કટીંગ સામે ચલાવી સાચી ભાવના બતાવશે ખરા ???

આમ તાલુકામાં વૃક્ષારોપણ તો બહુ થાય છે પણ વૃક્ષ ઉછેર માટે કોણ ઝુંબેશ ચલાવશે? તેવો પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે.આમ વૃક્ષારોપણ તેમજ તેના જતન અને ઉછેર માટે સમગ્ર તંત્ર સરકાર દ્વારા રચવામાં આવે છે પરંતુ તેને આડેધડ કપાતાં અને લાટી બજારમાં ઠલવાતા વાહનોનો જથ્થો કેમ દેખાતાં નથી??શું બિનકાયદેસર રેતખનન અને વૃક્ષકટીંગ જેવી પ્રવૃત્તિ લોકમુખે ચર્ચાતી વાત મુજબ લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિથી જ ચાલે છે.જે વિસ્તારમાં રેતખનન વૃક્ષ કટીંગ કરતો ઇસમ પ્રસાદી તપાસકર્તા અધિકારીને ન આપે તો તેના વાહનો તેમજ સાધનો પકડવામાં આવતાં હોવાનો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે ત્યારે તેમાં કેટલું તથ્ય છે તેની તપાસ થશે ખરી ??

તાલુકામાં દરરોજ લાટી સો મિલમાં ઠલવાતા વૃક્ષો ભરીને ટ્રેકટરો તેમજ ટ્રકો ક્યાંથી આવે છે ?અને એ વૃક્ષો કાપવાની મંજૂરી કોણ અને ક્યારે માંગી અને ક્યાં સક્ષમ અધિકારીએ ક્યારે આપી તેની તપાસ કોણ કરશે?? આમ ફક્ત વૃક્ષો વાવવાથી હરિયાળી નહી આવે,વૃક્ષ ઉછેર અને વૃક્ષોને બિન કાયદેસર કાપતાં અટકાવવા આગળ આવવું પડશે તો જ સાચા અર્થમાં વૃક્ષારોપણ કર્યું તેમ સાબિત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.