
અમને રોડ નડતો નથી રસ્તો જોઇએ છે ઃ થરાદના બુઢણપુર ગામમાં ખેડુતોનો હોબાળો
થરાદના બુઢણપુર પાસેથી ભારતમાલા રોડ પસાર થાય છે. આથી ખેડુતો દ્વારા અગાઉ પણ કામ ચાલું થયું ત્યારથી માંગણી કરવા છતાં પણ તેમને રસ્તો આપવાના આશ્વાસનને બાદ કરતાં કોઇ કામગીરી કરવામાં આવી નથી. આથી રોષે ભરાયેલા બુઢણપુર ગામના ખેડુતોએ રોડ પર એકઠા થઇને કામગીરી અટકાવી વિરોધ કર્યો હતો. આથી ભારતમાલા પ્રોજેક્ટના જવાબદાર કમર્ચારીઓ દોડી આવ્યા હતા. તેમણે જાણ કરતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી.અને ખેડુતોને સમજાવ્યા હતા. ૫૦ જેટલા ખેડુતોએ આક્રોશ વ્યકત કરતાં પુલ બનાવી આપવાની માંગણી કરતાં જણાવ્યું હતું કે, ભારતમાળા માટે અમે અમારી કરોડો રૂપીયાની મિલકત જેમ માંગી તેમ આપી દીધી છે. જોકે સામેની સાઇડમાં પ્લોટીંગ થઇ જવાના કારણે ૫૦ જેટલાં બાળકો શાળામાં જઇ શકતાં નથી.ચાલતા માટે કોઇ રસ્તો મળતો નથી. ગામનું કોઇ બિમાર પડે કે મૃત્યુના સંજોગોમાં અમારે ક્યાંથી પસાર થવું તે મોટો પ્રશ્ન છે. અમને રોડ નડતો નથી પરંતુ અમો રસ્તો આપવાની અને મોટું પુલીયું આપવાની માંગણી કરી રહ્યા છીએ. આથી સરકાર દ્વારા તેમની ફરિયાદ સાંભળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે ખેડુતોએ જણાવ્યું હતું કે રોડની કામગીરીમાં તેમના થરાદથી કરણપુરા અને ઘેસડાને જોડતા જુના માર્ગ બંધ કરી દેવાયા છે. અને તમામ ખેડુતોના રસ્તા બંધ કરી દિવાલો બનાવી દેતાં ખેડુતોએ મંડળીએ દુધ ભરાવવા અને બાળકોને શાળામાં મોકલવા દિવાલો કુદવી પડે છે. અને નાનાં નાળાં સર્વે નંબર ૪૭૪માં મુકેલ નાળું નાનું હોઇ તેમાંથી ખેડુતોનાં વાહનો અને સાધનો પણ નિકળી શકે તેમ નથી આથી તે મોટાં કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છીએ.તેમજ તેમને પોલીસ બોલાવીને દબાવવામાં આવતા હોવાથી તેમની માંગણી સરકાર દ્વારા નહી સંતોષાય તો ભુખ હડતાળ પર ઉતરીને પણ ન્યાય મેળવીશું તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.