ધાનેરા અને દાંતીવાડાના ૫૭ ગામોને સિપુ ડેમમાંથી અપાતું પાણી બંધ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરોથી પાણી પહોંચાડવાનું આયોજન ઃ જે ગામોમાં બોરવેલની વ્યવસ્થા નથી ત્યાં ટેન્કરો મારફત પાણી પહોંચાડાશે

(રખેવાળ ન્યૂઝ)પાંથાવાડા, 
ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે સિપુ ડેમ તળીયા ઝાટક થઇ ગયો છે. જેને લઇ ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ૫૭ ગામોમાં સિપુ ડેમના આરક્ષિત જથ્થામાંથી અપાતું પાણી બંધ કરાયું છે. જેથી ગ્રામજનો પાણી વિના તોબા પોકારી ગયા છે. સમસ્યાના હલ માટે પાણી પુરવઠા દ્વારા ટેન્કરો મારફત પાણી પહોંચાડાય છે. દાંતીવાડા તાલુકાના સિપુ ડેમમાં ચાલુ વર્ષ ઉપરવાસમાં તેમજ સ્થાનિક વિસ્તારમાં વરસાદ ન વરસતા ડેમમાં પાણીની આવક ન નોંધાતા ડેમના તળીયા ઝાટક જ
રહ્યો હતો.

પાણી પુરવઠા નિગમ દ્વારા પણ સિપુ ડેમ આધારિત ૫૭ ગામમાં પીવાનું પાણી મળી રહે તે માટે નરભેનાથ મંદિર પાસે રહેલા પીવાના પાણીનો આરક્ષિત જથ્થો હતો તેનો યેન કેન પ્રકારથી ઉપયોગ કરી પીવાનું પાણી પુરું પાડતા હતા તે પાણી પણ હવે પુરું થતાં પીવાના પાણીનો સપ્લાય બંધ થતાં પંથકમાં પાણીની અછત સર્જાઈ છે. ૫૭ ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જ્યાં પાણીના બોરવેલ નથી ત્યાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.પાણી પુરવઠા દ્વારા જે ગામમાં બોર બનાવ્યા છે તેવા ૧૦ બોર કાર્યરત કરવા માટે પ્રોસેસ ચાલુ કરી છે તેમજ નવીન ૧૦ બોર પણ જે ગામમાં જરૂરિયાત છે ત્યાં બનાવાશે. વળી પાણી પુરવઠા દ્વારા જે ગામમાં નાગરિક કે પંચાયત સ્વેચ્છાએ પોતાની માલિકીનો બોર વપરાશ માટે આપે છે તે જગ્યાએ પાઈપલાઈન ગોઠવી પાણીનો ઉપયોગ છે તે સાતરવાડા, નાની મહુડી, ભાટરામ જેવી જગ્યા પર ટૂંક સમયમાં ચાલુ કરાશે.

દાંતીવાડા ડેમનું પાણી લાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ
પાણી પુરવઠા દ્વારા ૫૭ ગામના લોકોને પાણીની અછત ન સર્જાય તે માટે દાંતીવાડા ડેમથી ૨૨ કરોડના ખર્ચથી પાંથાવાડા સિપુ હેન્ડ વર્ક સુધી પાઈપ લાઈન મારફતે દાંતીવાડા ડેમનું પાણી લાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે. આ કામ પછી કોઈ સમસ્યા નહીં રહે તેવો પાણી પુરવઠા દ્વારા દાવો કરાઇ રહ્યો છે. પાઈપલાઈનની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી ૫૭ ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જ્યાં બોરવેલ નથી ત્યાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડાય છે.

કયા કયા ગામોમાં ટેન્કરો મારફત પાણી અપાય છે
ધાનેરા તાલુકાના મોટી-નાની ડુગડોલ, રામપુરા, સિલાસણા, રામપુરા મોટા, જનાલી, એઠાલ વગેરે ગામમાં પાણી પુરવઠા ના પાણીના ટેન્કરો દ્વારા દરરોજના ૧૫ થી વધુ ફેરા થઇ રહ્યા છે તો બીજી તરફ પાણી પુરવઠા દ્વારા જે ગામમાં બોર બનાવ્યા છે તેવા ૧૦ બોર કાર્યરત કરવા માટે પ્રોસેસ ચાલુ કરી છે તેમજ નવીન ૧૦ બોર પણ જે ગામમાં જરૂરિયાત છે ત્યાં બનાવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.