બનાસકાંઠામાં આવેલા આદર્શ મતદાન મથકમાં વોટિંગ કરીને મતદારો પ્રભાવિત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આજે તા. ૫ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ-૯ વિધાનસભા બેઠકો પર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ રહેલ છે. આ ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યુ છે. આદર્શ મતદાન મથક પર મતદાતાઓ માટે વિશેષ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આદર્શ મતદાન મથકમાં મતદારોને આવકારવા માટે લગ્ન જેવો મંડપ બાંધવામાં આવ્યો છે. મતદારોને લાંબો સમય લાઇનમાં ઉભા ન રહેવું પડે તે માટે ખુરશીની બેઠક વ્યવસ્થા, મતદાન સહાયતા કેન્દ્ર, મેડીકલ સુવિધા રાખવામાં આવી છે. આ આદર્શ મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અંગે મતદારો પાસે મતદાર મૂલ્યાંકન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં મતદારોએ આદર્શ મતદાન મથકની અંદર અને બહાર મૂકવામાં આવેલ નિદર્શન બોર્ડ તથા સૂચનોની વિગતો, બુથ લેવલ અધિકારીની વ્યવસ્થા, કર્મચારીઓનું વલણ, મતદાન મથક પર અશક્ત/વિકલાંગ/દ્રષ્ટિહીન/બિમાર/ગર્ભવતી સ્ત્રી તથા સિનિયર સીટીઝન માટેની વ્યવસ્થા, લાઇન મેનેજમેન્ટ, પીવાના પાણી, શૌચાલય અને સફાઈની વ્યવસ્થા, વ્હીલચેર તથા રેમ્પની સુવિધા જેવી વિવિધ વિગતો માટે મૂલ્યાંકન કરવાનું હતું. જેમાં મોટા ભાગના મતદારોએ સુવિધાઓ ‘ઉત્તમ’ કક્ષાની છે એવો અભિપ્રાય આપ્યો હતો. આદર્શ મતદાન મથકમાં મતદાન કરીને મતદારોએ ખૂબ જ સુંદર પ્રતિભાવો તેમના મૂલ્યાંકન ફોર્મમાં આપ્યા હતા. પાલનપુર ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલમાં બનાવાયેલ આદર્શ મતદાન મથકમાં જયપ્રકાશ સોનીએ મતદાન કરીને મૂલ્યાંકન ફોર્મમાં જણાવ્યું હતું કે અહિયાં લગ્ન જેવો માહોલ લાગે છે તથા અધિકારીઓની કામગીરી બહુ જ સરસ અને પ્રસંશનીય છે. આમ, વહીવટીતંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ આદર્શ મતદાન મથક પરની સુવિધાઓને લોકોએ વખાણી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.