
થરાદના આસોદર અને દાંતાના ભચડિયામાં સ્વચ્છતા સેવા અભિયાનમાં ગ્રામજનોનું સ્વયંભૂ શ્રમદાન
બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન પુરજોશમાં શરૂ થયું છે. જે અન્વયે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના જાહેર માર્ગો, રોડ રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે થરાદ તાલુકાના આસોદર અને દાંતા તાલુકાના ભચડિયામાં સ્વચ્છતા સેવા અભિયાનમાં ગ્રામજનોએ સ્વયંભૂ શ્રમદાન કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં તા.16 ઓક્ટોબર થી તા. 21 ઓક્ટોબર સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમાઓ, નદી તળાવ સહિતના જળ સ્રોતોની સફાઈનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. થરાદ તાલુકાના આસોદર અને દાંતા તાલુકાના ભચડિયા ગામે સ્વચ્છતા અભિયાન હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનો સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા. મારું ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે લોકોએ ગામના જાહેર માર્ગો, જાહેર સ્થળોની સફાઈ કરી હતી.