Home / News / ડીસામાં શનિવારે સાંજે ૬ થી સોમવારની સવારે ૬ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
ડીસામાં શનિવારે સાંજે ૬ થી સોમવારની સવારે ૬ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
રખેવાળ ન્યુઝ ડીસા
સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને પાલનપુરમાં શનિ – રવિવારના સ્વંયભુ લોકડાઉન બાદ વેપારી મથક ડીસામાં પણ શનિવારની સાંજે ૬ વાગ્યાથી સોમવારની સવારે ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો ર્નિણય લેવાયો છે.
ડીસામાં પણ કોરોના મહામારીની બીજી લહેર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. દરરોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે.જેના પગલે ડીસા પાલિકા ખાતે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર અને વિવિધ વેપારી એસોસીએશનો વચ્ચે તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં ચર્ચા વિચારણાના અંતે કોરોનાની ચેઇનને તોડવા માટે શનિવારે સાંજના છ વાગ્યાથી સોમવારે સવારના છ વાગ્યા સુધી દૂધ, દવા સહિતની જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો સ્વયંભૂ બંધ રાખવાનો સર્વાનુમતે ર્નિણય લેવામાં આવ્યો હતો તેમજ લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવાની અને બહાર નીકળવું જરૂરી હોય તો માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય શશીકાંત પંડયા, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર , ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સહિત વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ મોટી સંખ્યાંમાં હાજર રહ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત વેપારીઓએ કોરોનાની સારવારમાં ખાનગી દવાખાના લૂંટ ચલાવતા હોવાના આક્ષેપો કરી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પણ કોરોનાની સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે સત્વરે અગાઉની જેમ કોરોનાની સ્પેશ્યલ હોસ્પિટલ શરૂ કરવાની માંગ કરી હતી.