શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન- મૂર્તિના સ્થાને અહીં વિસાયંત્રની પૂજા થાય છે

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)અંબાજી, અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર-ચુડામણીમાં આ ૫૧ શક્તિપીઠો નો ઉલ્લેખ જાેવા મળે છે. પુરાણના ઉલ્લેખ મુજબ દક્ષ પ્રજાપતિએ બુહસ્પતિક યજ્ઞ કરેલો, જેમાં પોતાના જમાઈ ભગવાન શંકરને નિમંત્ર્યા ન હતા. તેમના વિરોધ છતાં દક્ષપુત્રી સતીદેવી ત્યાં ગયા. જ્યાં પિતાના મુખે પોતાના પતિની નિંદા સાંભળી યજ્ઞકુંડમાં માતા સતીએ પ્રાણ ત્યજી દીધો. ત્યારે ભગવાન શિવે સતીદેવીનો નિશ્ચેતન દેહ જાેઈ તાંડવ કર્યું અને સતીદેવીને ખભે લઈ ત્રિલોક ઘૂમવા લાગ્યા ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતી દેવીના ટુકડા કરી પૃથ્વી પર આંતરે-આંતરે વેરાવી દીધા. આ શરીરના તથા આભૂષણના ભાગ ૫૧ સ્થળે પડ્યા, જ્યાં દરેક જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિ પીઠોમાં શીરમોર સમાન છે કારણ કે અહીં માનું હૃદય પડ્યું હતું.

અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસાયંત્રની પૂજા થાય છે. આરસની તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે. જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જાેવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિર ની સામેની બાજુમાં ચાચર ચોક આવેલો છે.

અંબાજી માતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પુનમના દિવસે અહી મેળા નું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે શતચંડી યજ્ઞ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. અંબાજી દેવસ્થાનની પશ્ચિમ દિશામાં ત્રણેક કિમીના અંતરે ગબ્બર આવેલો છે. આ સ્થળ માતાજીનું પ્રાગટ્ય સ્થળ હોવાની માન્યતા છે. ભાગવતના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની બાબરી-ચૌલકર્મ વિધિ આ સ્થળે કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.