પાલનપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો મેમો સીધો ઘરે આવશે
છેલ્લા એક વર્ષમા નેત્રમમાં કેદ વાહન ચાલકોને 9390 ઇ-મેમા અપાયા
ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન માલિકોને રૂ.55.36 લાખ નો દંડ કરાયો
3013 ઇ-મેમા પેટે 17.34 લાખની વસુલાત: 6377 બાકી ઇ-મેમા પેટે રૂ.38 લાખ બાકી: સરહદી બનાસકાંઠા જીલ્લાના વડા મથક પાલનપુર શહેરમાં ઠેર ઠેર લાગાવવામા આવેલ સીસી ટીવી કેમેરા વાહનોની સાથે લોકોની ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. જેનું સંચાલન નેત્રમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે, જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2023 સુધીમાં શહેરમાં વાહન હંકારતી વખતે ટ્રાફિક નિયમનો ભંગ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 9390 વાહનોને રૂ.55.36 લાખ ઉપરાંતના ઇ મેમા ઇસ્યુ કરવામાં આવ્યા છે.
પાલનપુર અને અંબાજીમા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય: અને શહેર માં ચાલતી ગતિવિધિઓ પર બાજ નજર રાખી શકાય અને ચીલઝડપ, છેડતી, ચોરી જેવા અનિચ્છનીય બનાવોમાં આરોપીને શોધી કાઢવા માટે જાહેર વિસ્તારો અને માર્ગો પર 213 સીસીટીવી કેમેરા કાર્યરત છે. જેનું સંચાલન નેત્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં જાન્યુઆરી-2023 થી ડિસેમ્બર- 2023 દરમિયાનના એક વર્ષના સમયગાળામાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતા 9390 વાહનો સીસી ટીવી કેમેરા માં કેદ થતા આ વાહનોના માલિકોને રૂ.55,36, 000 ના ઇ-મેમા ઇસ્યુ કરવામાં આવ્યા હતાં. જેમાં અત્યાર સુધી માં 3013 મેમા મા રૂ.17,34,00 રીકવર કરવામાં આવ્યા છે. અને બાકીના 6377 મેમા માં રૂ.38,02, 000 ની રકમનું ચલણ ભરવાના બાકી હોવાનું નેત્રમના સૂત્રોએ જણાવ્યું હતું.
ઇ મેમા નો દંડ નહિ ભરનાર વાહન માલિક સામે કાર્યવાહી કરાશે: પાલનપુર નેત્રમના સૂત્રોએ જણાવ્યું હતું શહેરમાં જે વાહનો ટ્રાફિક નિયમ નો ભંગ કરે છે તે વાહન સીસીટીવીમાં કેદ થાય છે તે વાહનોના માલિકોને તેના સરનામે ઇ-મેમો મોકલવામાં આવે છે. જેમાં કેટલાક લોકોને મેમા નો દંડ ભરવા કોર્ટ મારફતે નોટિસો આપવામાં આવે છે. તેમ છતાં દંડ ન ભરનાર વાહન માલિકો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.