
વાવ જૂથના ગામોમાં એક માસ પીવાનું પાણી નહીં મળે પણ દેવપુરાના ખેડૂતો સિંચાઈ માટે પાણીદાર
નર્મદા મુખ્ય કેનાલની સફાઈને લઈને ગત તારીખ ૩૦ એપ્રિલથી વાવ પાણી પુરવઠા જૂથના ગામોને પીવાનું પાણી બન્ધ કરી દેવાયું છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી બીજી તરફ લગ્નની સીઝન અને ત્રીજી તરફ વાવ શહેરમાં ત્રીદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની જનમેદની વચ્ચે સતત એક મહિના માટે પાણી બન્ધ થતાં હલ્લાબોલ મચી ગયો છે.જે પાણી ના મુદ્દે અમારા વાવ ખાતેના પત્રકારે ઝીણવટ ભરી માહિતી એકત્રિત કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.જેમાં વાવ જૂથના ગામોને દેવપુરા સમ્પમાંથી નર્મદા કેનાલનું પાણી લઈને એમએસ પાઇપ લાઇન મારફત અપાય છે.જ્યારે જ્યારે નર્મદાની મુખ્ય કેનાલની સફાઈનું કામ શરૂ કરાય અને કેનાલમાંથી પાણી મળતું બન્ધ થાય ત્યારે બાજુમાં દેવપુરા ગામે કરોડો રૂપિયાના ખર્ચથી પાણી પૂરવઠા વિભાગે જે તળાવ બનાવીને પાણીનો સંગહ કરેલ છે.તે પાણી વાવ જૂથના ગામોને પૂરું પાડવાની જાેગવાઈ છે. તેના બદલે લોકોને વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણીનો સંગહ કરેલ તળાવ માંથી દેવપુરા ગામના લોકો મશીનો મૂકી સિંચાઈ માટે ખેતી કરી રહ્યા છે.છતાં પાણી પુરવઠા તંત્ર ચૂપ બની આ તમાશો નિહાળી રહ્યુ છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે લાખો લોકો વલખાં મારી રહ્યા છે ત્યારે પીવાના પાણીમાંથી ચોરી કરી સિંચાઈ કરતા માફિયાઓ ઉપર કોના ચાર હાથ છે ? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. આ મામલે મહિલા ધારાસભ્ય જાગૃતિ દાખવી તળાવમાં ચાલતા ગેરકાયદે મશીનો બંધ કરાવી લોકોના હકનું પીવાનું પાણી અપાવે તેવો જનમત પ્રવર્તે છે. એક માસ માટે પાણીની વાવ પથકમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે પાણી પુરવઠા વિભાગે એક એજન્સીને ટેન્કર માટેનું ટેન્ડર ફાળવ્યું છે.તે પણ નિયત કરેલી એજન્સીને જ ફાળવ્યુ છે.જેથી લોકો સુધી પૂરતું પાણી નહિ પહોંચે તે પણ નક્કી છે.પરંતુ સરકારના ચોપડે તંત્ર અને એજન્સીની મિલી ભગતથી લાખો રૂપિયાના બીલો ઉધરી જશે.તેવો લોકોએ રોષ ઠાલવ્યો હતો.