
ડીસામાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા વિજયા દશમીની ઉજવણી
ડીસામાં કુલ છ જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વયં સેવકોએ સંચલન સહિત શાખા લગાવી, ગીત અમૃત વાચન, શસ્ત્ર પૂજન તેમજ દેશ હિત માટેનું બૌદ્ધિક પ્રવચન કર્યું હતું.ડીસામાં દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક જ જગ્યાએ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે અલગ અલગ છ જગ્યાએ આ ઉજવણી કરવામાં આવી છે.
જેમાં ડીસાની સીએલ પાર્ક, આદર્શ હાઇસ્કુલ, ડાયમંડ સોસાયટી, શુભમ પાર્ટી પ્લોટ,સોમનાથ સોસાયટી અને અજાપુરાના શ્રીજી કોલ્ડ સ્ટોરેજ સહિત 6 જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો. બે કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવકોએ અલગ અલગ દેશહિતના કાર્યક્રમ કર્યા હતા.જેમાં સીએલ પાર્ક ખાતે ત્રણ હનુમાન શાખા દ્વારા સ્વયં સેવકોએ સંચલન, વ્યાયામના પ્રયોગ, દંડના પ્રયોગ, શાખા, ગીત અમૃત વાંચન તેમજ શસ્ત્ર પૂજન કર્યું હતું. અનુશાસન, શિસ્ત અને દેશહિત માટે કામ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ કાર્યક્રમને જોવા માટે આજુબાજુની સોસાયટીના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.