લાખણીના ગેળા ધામે રસ્તામાં નડતરરૂપ વાહનો ડીટેઇન કરાયા
શ્રાવણના છેલ્લા શનિવારે દાદાના દર્શને શ્રદ્ધાળુઓ ઉમટ્યા: લાખણી તાલુકાના જગ વિખ્યાત ગેળાના શ્રીફળીયા હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.તેથી ટ્રાફીક જામ સર્જાતા પોલીસે રસ્તામાં નડતરરૂપ પડેલા વાહનો ડીટેઇન કર્યા હતા.
શ્રીફળીયા હનુમાનજી મંદિરે દર શનિવારે શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા દૂરદૂરથી ઉમટી પડે છે. તેથી મેળા જેવો માહોલ જામે છે પરંતુ ધામના સાંકડા રસ્તા અને ઉપરથી રસ્તા ઉપર આડેધડ વાહનો પાર્ક થાય છે. તેથી ટ્રાફિક ચક્કાજામ થતા શ્રદ્ધાળુઓ પરેશાન થાય છે. જેને ધ્યાને લઇ સરપંચ રાજપૂત હરજીભાઈ પાનાભાઈએ અગાઉ ગેળાના ગ્રામજનોને દર શનિવારે જરૂરિયાત વગર પોતાનું વાહન ગામમા ન લાવવા અને દુકાનોવાળાઓને પણ રસ્તા ઉપર બહારના વાહનોને પાર્કિંગ ન કરવા દેવા અપીલ કરી હતી.
જે અપીલને ધ્યાને લઇ આજે બંદોબસ્તમાં મુકાયેલ થરાદ પીઆઈ આર. આર. રાઠવા, પીએસઆઇ સી.પી.ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ માનાભાઈ,વનરાજસિંહ, હરસેન્ગભાઈ, કરશનભાઇ, પ્રકાશભાઈ તથા જી.આર.ડી. સી.ના જવાનોએ રસ્તાને નડતરરૂપ વાહનો પાર્ક કરી દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓના વાહનોને લોક મારી ડીટેઇન કરવામાં આવ્યા હતા.આમ, સરપંચ અને ગામલોકોના સાથ અને સહકારથી રસ્તો ખુલ્લો રહેતા શ્રદ્ધાળુઓએ સરળતાથી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.