
બનાસકાંઠા જિલ્લાના માર્કેટોમાં શાકભાજીના ભાવોમાં ભડકો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક સાથે ત્રણ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે, સવારે ઠંડી પડે છે, બપોર વચ્ચે વધુ પડતી ગરમી અને સાંજ થતાં વરસાદી વાતાવરણ થઈ જાય છે.સતત કમોસમી વરસાદના કારણે ખેતી પાકો નષ્ટ પામ્યા છે.જયારે શાકભાજીના પાકો પર પણ તેની વિપરીત અસરો પડી છે. જેના કારણે શાકભાજીના બજાર ભાવમાં તેજી જોવા મળી રહી છે.
જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થતું હોય છે.જેથી શાકભાજીની સ્થાનિક અને જથ્થાબંધ બજારમાં કોઈ પણ વર્ગના ગ્રાહકને પરવડે તે પ્રકારે પ્રતિ કિલો મોટાભાગની શાકભાજી વેચાતી હોય છે, પરંતુ સતત કમોસમી વરસાદને કારણે શાકભાજીનો પાક પણ નષ્ટ થઈ રહ્યો છે. જેના કારણે શાક માર્કેટમાં તેની આવકમાં ચિંતાજનક રીતે ઘટાડો થયો છે.અન્ય સ્થળેથી આવતી શાકભાજી બંધ થઈ ગઈ છે. જેને કારણે બજાર કિંમતમાં અસામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. જેથી ગુવાર, ભીંડા, ચોળી અને રીંગણ જેવી શાકભાજી આજે છૂટક બજારમાં પ્રતિ કિલોએ સદી તરફ આગેકૂચ કરી છે. આગામી દિવસોમાં પણ તેમાં કોઈપણ ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી.એ જ રીતે લીંબુ, તરબૂચ અને શક્કરટેટીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.જેથી કાળઝાળ મોંઘવારીમાં ખાસ કરીને
ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.