વેડંચાની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : વ્હેમીલા પતિના ત્રાસથી જીવન લીલા સંકેલી હોવાની ફરિયાદ
પાલનપુર તાલુકાના વેડંચા ગામની પરિણીતાએ વ્હેમિલા પતિના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ પાલનપુર તાલુકા પોલિસ સ્ટેશને નોંધાઇ છે.
વડગામ તાલુકાના મજાદર ગામના સુરાપુરાવાસ ખાતે રહેતા 70 વર્ષીય ગોવિંદભાઇ ગણેશભાઈ પ્રજાપતિએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેઓની દીકરી શકુંતલાના લગ્ન ત્રેવીસેક વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના વેડંચા ગામના વિરભદ્ર નાથાલાલ પ્રજાપતિ સાથે થયેલા છે. જેને સંતાનમાં 12 વર્ષનો એક દીકરો પણ છે.
જોકે, દીકરી શકુંતલાનો પતિ વિરભદ્ર તેણીના ચારિત્ર્ય પર શક વહેમ રાખી ત્રાસ આપતો હોઈ તેણીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હોવાની ફરિયાદ નોંધાવતા પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.