ડીસાના કાંટ ગામે જમીન માફિયાઓ દ્વારા કિમતી જમીન પચાવી પાડવાનો કારસો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
ડીસા તાલુકાનાં કાંટ ગામે જમીન માફિયાઓએ વર્ષો જૂના એક તળાવને પૂરી દઈ તળાવની જમીન પચાવી પાડ્‌યાની ઘટના સામે આવી છે. જેમાં લોકડાઉનના સમયગાળામાં જમીન માફિયાઓએ જૂના તળાવને પૂરી દઈ તેની જમીન ઉપર ખેતી કરવાનું શરૂ કરી દીધું છે અને પોતાની જમીનમાં એક નાનું તળાવ બનાવી સરકારની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ સ્થાનિક ગ્રામ પંચાયત અને ખાન ખનીજ વિભાગ અંધારામાં રહ્યું છે કે શું તેવી ચર્ચાએ જોર પકડ્‌યું છે.
ડીસા તાલુકાનાં કાંટ ગામે ગ્રામ પંચાયત હસ્તકના સર્વે ન. ૮૨૯માં મજવાડી નામનું વર્ષો જૂનું તળાવ આવેલું છે. જ્યાં તળાવની આસપાસ જમીન ધરાવતા કેટલાક લોકોએ જમીન પચાવી પાડવાના ઇરાદે આ મૂળ તળાવને માટીથી પૂરી દઈ અન્ય સ્થળે બીજું તળાવ ખોદાવ્યું છે. મજવાડી તળાવ રોડથી બિલકુલ નજીક આવેલું હોય તેની કિમતી જમીન હડપવા માટેનો કારસો રચી પોતે પચાવેલી અન્ય જમીનના એક ખૂણામાં બીજું નવું તળાવ બનાવ્યું છે. જે મૂળ તળાવ કરતાં નાનું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ લોકડાઉનના સમયગાળા દરમ્યાન રાતદિવસ ધમધોકાર ચાલ્યો હતો પરંતુ ખાસ વાત એ છે કે તેની સ્થાનિક ગ્રામ પંચાયત અને ખાન ખનીજ વિભાગને જાણ સુધ્ધાં પણ નથી. ખાન ખનીજ વિભાગ આ સમગ્ર કારસામાં ઊંઘતું ઝડપાયું છે તો ગ્રામ પંચાયતના સતાધીશોએ વજન તળે દબાઈ જઈ આંખ મિચામણાં કર્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.