
વડગામ તાલુકાના સબલપુરા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત : ૩૦ છાત્રોના જીવ જોખમમાં
વડગામ તાલુકાના હોતાવાડા ગામની પેટા પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લાં બે વર્ષથી જર્જરિત હાલત જોવા મળી રહ્યા છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા ત્રીસ જેટલા બાળકોને ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબુર બનવું પડ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના શિક્ષણ મોડલની ચર્ચા સમગ્ર દેશમાં કરવામાં આવી હતી.જોકે ગુજરાતના અંતરિયાળ ગામડાઓ માં શિક્ષણ માટે ઓરડાઓ ની દયનિય હાલત જોવા મળી રહી છે. વડગામ તાલુકાના હોતાવાડાની સબલપુરા પેટા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫માં કુલ ત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે છેલ્લા બે વર્ષ થી શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. સબલપુરા ગામના લોકોએ જણાવ્યું હતું કે શાળામાં પીવાના પાણી, સફાઈની પણ વ્યવસ્થા નથી. જ્યારે શાળાના મેદાનમાં મૃત પશુઓના શબના કારણે દુર્ગધના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ઉઠે છે.ત્યારે બનાસકાંઠા પ્રાથમિક શિક્ષણ વિભાગ તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.
પીવાના પાણીની ટાંકીઓમાં સફાઈનો અભાવ
વડગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૌચાલયમાં સફાઈ થતી નથી. જ્યારે પીવાના પાણી માટે બનાવવામાં આવેલ ટાંકીઓ ઘણા સમયથી સફાઈ કરવામાં આવી ન હોવાના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. કેટલીક શાળામાં પીવાના પાણીમાં દુર્ગધના કારણે છાત્રોને અનેક પ્રકારની બીમારીઓ થવાની પણ દહેશત જોવા મળી રહી છે.